Business

શ્રીકૃષ્ણને મંદિરમાં નહીં પણ આપણા જીવનમાં પ્રગટાવીએ

શ્રાવણ માસની ઉત્તમ ભેટ એટલે કૃષ્ણ જન્માષ્ટમી. એ દિવસે મટકી ફોડીને કૃષ્ણજન્મ ઉજવીએ કે ન ઉજવીએ પણ  કૃષ્ણ હંમેશાં કોઈ ને કોઈ રીતે છવાયેલા રહે છે. એક એવું વ્યક્તિત્વ છે કે જેને તમે  બાળગોપાળ-લાલા તરીકે લાડ લડાવી શકો. ભગવાન તરીકે પૂજી શકો, પ્રિયતમ તરીકે ચાહી શકો, મિત્ર તરીકે સંવેદી શકો અને પતિ તરીકે સન્માની શકો. ભગવાન શ્રીકૃષ્ણ જીવનયોગના પરમ જ્ઞાતા છે. જીવનના રસ  અને માધુર્યના પરમ શ્રેષ્ઠ પુરુષ છે અને ભગવદ્દ ગીતાના સર્વશ્રેષ્ઠ દાર્શનિક છે  એટલે એમને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને  કર્મયોગનો સંદેશો આપીને આપણને જીવનનો મર્મ સમજાવ્યો છે.

ધર્મ એ મંદિરમાં, મસ્જિદમાં કે ગિરજાઘરમાં પૂરી રાખવાની બાબત નથી પરંતુ એ  જીવન જીવવાની કળા છે. આપણે માતાપિતા હોઈએ તો આપણાં બાળકને  ઉછેરવામાં, તેને સાચો સંસ્કારી બનાવવામાં આપણી બધી શક્તિ કામે લગાડવાની છે.  તે ફરજ ચૂકીને આપણે મંદિરમાં અથવા ગુરુનું વ્યાખ્યાન સાંભળવામાં આખો દિવસ  પસાર કરીએ તો? એ ધર્મ નથી, પણ ધર્મ ઘેલછા છે. એ સૂર શ્રીકૃષ્ણ ભગવદ્દ ગીતા  દ્વારા સમજાવે છે. મારા સ્મરણપટ પરથી એક પ્રસંગ આજે પણ ખસતો નથી. મારાં દાદી પાકા મરજાદી.  ઘરમાં ઠાકોરજીની સેવા એટલે… સવારમાં ઠાકોરજીને નવડાવવા, શણગાર કરવા,  રમાડવા, દૂધ- ભોગ ધરાવવો વગેરેમાં દાદી રોકાયેલાં રહે અને એની તૈયારીમાં મમ્મી  દોડતી રહે. વહેલી વહેલી નાહીને તુલસીપત્ર તોડે, ફૂલની માળા બનાવે, ઠાકોરજીનાં ચાંદીનાં વાસણો સાફ કરીને તૈયાર રાખે.

લાલાને પ્રસાદ ધરાવવા દાદીના હુકમ પ્રમાણે  કેસર-બદામ- પિસ્તાવાળું દૂધ-ગરમાગરમ સુખડી બનાવે. મારાં દાદી એટલાં કડક કે  જરા જેટલી ભૂલ થાય કે વહેલુંમોડું થાય તો મમ્મીનું આવી જ બને. સવાર સવારમાં દાદી મંદિર આગળ બેસી જાય. પછી દાદીની જીભ ચાલે ને મમ્મીના પગ દોડ્યા કરે.  તે વખતે મારો નાનો ભાઈ ચીન્ટુ ઘોડિયામાં સૂતો હોય, થોડી થોડી વારે મમ્મી  હીંચકો હલાવી આવે તેમાં દાદીનો ક્રોધ વરસે. એક દિવસ આ રીતે બધું બનાવતી હતી ત્યાં ચીન્ટુનો રડવાનો અવાજ સંભળાયો, મમ્મીએ દોડીને જોયું તો ખૂબ જ તાવ  ભરાયો હતો. દૂધ પણ ન પીધું ને રડ્યા જ કરે.

એટલામાં દાદીએ બૂમાબૂમ કરી શીલા જલદી આવ. મમ્મી રડતાં ચીન્ટુને મૂકી દોડી.  ચીન્ટુ જોરજોરથી રડવા લાગ્યો. દાદી ગુસ્સે થઈ કહેવા લાગ્યાં ‘‘આને ચૂપ કર.’’ મેં  પણ છાનો રાખવા ખૂબ કોશિશ કરી પણ વ્યર્થ. દાદી એના લાલામાં, સેવાપૂજામાં મગ્ન. મમ્મીને ગુસ્સે થઈ કહેવા લાગ્યાં, ‘મારો આ લાલો ક્યાં સુધી ધીરજ ધરે? એ તો  અંતર્યામી કહેવાય ને! મારા લાલાનું આટલું કામ પણ તારાથી સચવાતું નથી? મારે  તો પહેલાં મારો લાલો પછી બીજું બધું. મેં આખી જિંદગી લાલો સાચવ્યો છે! તને  એવી ક્યાં ગતાગમ છે? કોઈ દિવસ પિયરમાં આવા ભોગ ધરાવ્યા હોય તો આવડે  ને?’’

રડતાં ચીન્ટુને ઘોડિયામાં નાખી મા હીંચોળવા લાગી. હું એના ખોળામાં માથું નાંખી  માની આંખમાંથી વરસતાં આંસુ નિહાળી રહી હતી. શીલાનું મન પિયરિયામાં પહોંચી ગયું. પિયરમાં ભાભીને નાનાં બાળકો હોવાથી સવારે મમ્મીને નિરાંતે સેવાપૂજા કરવાનો વખત મળતો જ નહીં ઊલટાનું મમ્મી  જલદી જલદી દીવો કરી, ઠાકોરજીને ઊભા ઊભા પગે લાગી ભાભીને મદદ કરવા  પહોંચી જતાં, બાળકોને વ્હાલ કરતાં અને કહેતાં-‘મારા સાચા બાલગોપાલ તો  ‘આ’….’ એમ કહી કામમાં લાગી જતાં. જ્યારે આ ઘરમાં તો જો, જીવતાં  બાલગોપાલની કોઈ શુશ્રૂષા જ નહીં! ઠાકોરજીને દૂધ પીવડાવવા માટે લાખ ભક્તો  છે પણ ચીન્ટુની મા તો હું એક જ છું.

મમ્મીનાં એ આંસુ અને ધર્મ પ્રત્યેની દાદીની ખોટી ઘેલછામાં મમ્મીનું થયેલું ખોટું  શોષણ આજે મોટી થઈ ગઈ છું છતાં ભૂલી શકતી નથી. કૃષ્ણ એટલે પ્રેમ! આવા સમયે કૃષ્ણ આવી દાદીને શું કહે? ઘરની વહુ-મા મશીન  નથી. એ તો જીવતીજાગતી ભાવનાઓથી ભરી ભરી સ્ત્રી છે. જે પ્રેમ અને  આત્મીયતાથી કુટુંબરથને આગળ ધપાવે છે. એ જેટલું દિલ કુટુંબ માટે રેડે છે તેટલું  દિલ કુટુંબના સભ્યોએ પણ એને માટે રેડવું જોઈએ. તો પરિવાર દીપી ઊઠે. પહેલાં જીવતાંજાગતાં દેવની પૂજા કરો પછી મંદિરના દેવની. આમ  કરશો તો ગીતા વાંચવાની જરૂર નહીં પડે.

જીવન જીવવાની સાચી કળા શીખવનાર કૃષ્ણ મોટો કલાકાર છે.  રમાબાની દીકરી અમૃતા સાસરાવાળાની ખૂબ  પજવણીથી ઘેર પાછી આવી. રમાબાનો દરરોજનો નિત્યક્રમ સવારે ધૂપ-દીપ કરી  ગીતા ભણવી. તેમણે દીકરીને એક જ વાત કરી, બેટા, ચિંતા ન કર-ગીતા  વાંચ-ગીતાનું જ્ઞાન જેનામાં હોય એ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં ડગી કે ડરી જતાં  નથી. ભગવાન શ્રીકૃષ્ણનો માણસ જાતને જો કોઈ સૌથી મોટો સંદેશો હોય તો એ જ  કે દરેક વ્યક્તિએ પોતાનું યુધ્ધ પોતે જ લડવાનું હોય છે. આપણી જિંદગીમાં જે  પડકારો, સમસ્યાઓ, મુશ્કેલીઓ અને લડાઈઓ આવે એનો સામનો આપણે પોતાએ જ કરવો પડે.

તો વાચકમિત્રો! શ્રીકૃષ્ણને ભજવા કરતાં તેમના જેવું જીવવાની વધારે જરૂર છે.  ગીતાના એક એક શ્લોકમાં જીવતરના પાઠો છુપાયેલા છે. સાચું કહીએ તો કૃષ્ણના માર્ગદર્શનની આજે ખૂબ  જ જરૂર છે. શાંતિની વાત કરીને અશાંતિ ફેલાવનારા આપણા નેતાઓએ કૃષ્ણ પાસે  નેતૃત્વના ગુણો શીખવા જોઈએ. શ્રીકૃષ્ણે આતંકવાદી કાલિનાગને નાથ્યો, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને આતંકનો નાશ કર્યો અનેક સિધ્ધિઓ મેળવી છતાં સત્તાસ્થાન  સ્વીકાર્યું નહીં એ માત્ર સારથિ-માર્ગદર્શક બની રહ્યા- આવા એકાદ સારથિની-  રાષ્ટ્રનેતાઓની આજે તાતી જરૂર છે. આપણી પ્રજાએ પણ શ્રીકૃષ્ણનું જીવનદર્શન  અને જીવનયોગ ઊંડાણથી સમજીને ઊતારવાં જોઈએ. મિત્રો યાદ રાખો શ્રીકૃષ્ણની  જીવન જીવવાની એક જ રીત- મસ્ત રહો અને અન્યાય સામે બોલો….! જન્માષ્ટમીના મંગલમય પર્વની શુભકામનાઓ.

Most Popular

To Top