Vadodara

વડોદરા સેના મથક ખાતે વિજય મશાલને બેગપાઈપર બેન્ડ સાથે અપૂર્વ આવકાર

વડોદરા : ભારતીય સેનાની શૂરવીરતાથી પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોના આત્મ સમર્પણની સાથે બાંગ્લાદેશના નવીન રાષ્ટ્રનું નિર્માણ કરનારા ૧૯૭૧ ના યુદ્ધના યશસ્વી વિજયને વધાવવા ચાર વિજય મશાલ દેશની સૈનિક છાવણીઓ અને શહેરોની મુલાકાત લઈ રહી છે. સરકાર દ્વારા  સન ૨૦૨૦ માં યુદ્ધ પુરુ થયાની તારીખ ૧૬ મી ડિસેમ્બર થી ૫૦ મા વિજય વર્ષની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગ રૂપે આજે વિજય મશાલ યાત્રાના દુમાડ પાસેથી શહેરમાં પ્રવેશ સમયે આદરપૂર્વક સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવના પ્રતીક રૂપ વિજય  આવકાર આપવાની સાથે, સરઘસાકારે માંજલપુર સ્થિત વડોદરાના સેના મથક ખાતે લાવવામાં આવી હતી. યાદ રહે કે ૧૯૭૧ ના ગૌરવશાળી યુદ્ધ વિજયને વધાવવા દેશની ચાર દિશાઓમાં ચાર વિજય મશાલો હાલમાં ફરી રહી છે.

આ વિજય મશાલ યાત્રાનો હેતુ ૧૯૭૧ ની લશ્કરી કાર્યવાહીમાં શૂરવીરતા દાખવીને દેશને ભવ્ય વિજય અપાવનારા જવામર્દ્ સેનાકર્મીઓને યાદ કરીને આદર આપવાનો છે.  આ વિજય મશાલ અમદાવાદમાં ૬ દિવસના રોકાણ પછી વડોદરા આવી છે. અહીં ત્રણ દિવસના કાર્યક્રમો પછી વિજય મશાલને કેવડિયા ખાતે વિશ્વની સહુથી વિશાળ સરદાર પ્રતિમાના સ્થળે લઈ જવાનું આયોજન છે. સેના મથકે વિજય મશાલના આગમન પછી મથકના સેનાપતિ અને ૧૯૭૧ નું યુદ્ધ લડેલા ભૂતપૂર્વ સૈનિક યોધ્ધાઓ તેને આદર પૂર્વક સાંબા રેજીમેન્ટના યુદ્ધ સ્મારક ખાતે લઈ ગયા હતા.  યાદ રહે કે પડોશી દેશ સાથેની એ લડાઈ દરમિયાન સાંબા રેજીમેન્ટના શૂરવીરો એ ૭ મી ડિસેમ્બર,૧૯૭૧ ના રોજ સાંબા સેક્ટરમાં દુશ્મન દેશના ૧૧ યુદ્ધ વિમાનોનો ખાત્મો બોલાવી અનેરી શૂરવીરતા અને યુદ્ધ કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.

આ અપૂર્વ શૂરવીરતા માટે હાલમાં જે વડોદરા સ્થિત છે તેવી ૨૯મી એર ડિફેન્સ રેજીમેન્ટને સાંબા ઓનરનું ટાઇટલ અને આ ટુકડીના લાંસ હવાલદાર બલ બહાદુર અને ગનર ભદ્રેશ્વર પાઠક (મરણોત્તર) ને અભૂતપૂર્વ શૌર્ય માટે વીર ચક્ર પ્રદાન કરીને સન્માનિત કરાય હતા. આ પ્રસંગે ૧૯૭૧ ના યુદ્ધમાં ભાગ લઈને અપ્રતિમ સાહસ અને શૌર્યનું પ્રદર્શન કરનારા પૂર્વ સૈનિકો/સેનાધિકારીઓ કર્નલ  વિનોદ ફલનીકર, મેજર જનરલ એ.ડી.નારગોલવાલા (વી.એસ.એમ), મેજર સુબોધ દેસાઈ, સ્ક. લીડર નવીન એમ. દવે અને સિપાહી કરમ સિંહનું રેજીમેન્ટ સેનાપતિ બ્રિગે. બી. એસ.પોસ્વાલ(સેના મેડલ) ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

બ્રિગેડિયર બી. એસ.પોસ્વાલને પદભારના પ્રથમ દિવસે વિજય મશાલના સ્વાગતનું સૌભાગ્ય મળ્યું

હાલમાં વડોદરા સ્થિત સાંબા રેજીમેન્ટના સેનાપતિ બ્રિગે. બી. એસ.પોસવાલને આ એકમનું સુકાનીપદ સંભાળ્યાનાં પહેલા દિવસે જ વિજય મશાલના સ્વાગતનો ગૌરવ અવસર મળ્યો હતો. તેમણે જણાવ્યું કે બીજા વિશ્વ યુધ્ધ પછી ૧૯૭૧ ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ સૌ થી મોટું આત્મ સમર્પણ ભારતની સેના સમક્ષ કર્યું હતું.ભારતીય સેનાનો એ ખૂબ ઉત્તમ વિજય હતો. આ મશાલ સ્વાગત સમારોહમાં જોડાવું એ પરમ ગૌરવની વાત છે. એ યુદ્ધમાં આપણા પક્ષે ૨૦૦૦ જેટલા સર્વોચ્ચ બલિદાનો વીર નર અને વીર નારીઓ આપ્યા હતા. એ સહુને હૃદયપૂર્વક વંદન કરું છું.કોરોના ની મર્યાદા પાળીને નિયમોની મર્યાદામાં ઉજવણી કરવામાં આવી રહી છે.

Most Popular

To Top