અમેરિકી પ્રમુખ જો બાઇડને પ્રતિજ્ઞા ઉચ્ચારી છે કે તેઓ જેમણે કાબુલ એરપોર્ટ પર હુમલા કર્યા તે ત્રાસવાદીઓને શોધી કાઢશે અને તેમના કૃત્યો બદલ સજા કરશે, જે ઘાતક હુમલામાં અમેરિકાના લશ્કરના ૧૩ સભ્યો માર્યા ગયા છે તથા અન્ય ૧૮ ઘાયલ થયા છે.
જેમણે હુમલા કર્યા છે, તથા તેઓ કે જેઓ અમેરિકાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે તેઓ નોંધી લે કે અમે તેમને માફ કરીશું નહીં. અમે ભૂલીશું નહીં. અમે તમને શોધી કાઢીશું અને તમારા કૃત્ય બદલ સજા કરીશું. હું અમારા હિતો અને અમારા લોકોનું રક્ષણ મારા તાબામાં આવતા હોય તે તમામ પગલાઓ ભરીને કરીશ એમ બાઇડને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું હતું. પ્રમુખ જણાવ્યું હતું કે આ જઘન્ય હુમલા પાછળ આઇએસઆઇએસ-કેનો હાથ છે.
તમે જાણો છો તે મુજબ અમે જેની વાતો કરતા હતા અને ગુપ્તચર સમુદાયમાં જેની ચિંતા હતી તે હુમલો આઇએસઆઇએસ-કેના નામે જાણીતા જૂથ દ્વારા કરવામાં આવ્યો છે એમ બાઇડને જણાવ્યું હતું. તેમણે એરપોર્ટની સુરક્ષા માટે ઉભેલા અમેરિકન સૈનિકોના જીવન લીધા છે તથા અન્ય ઘણાને ઘાયલ કર્યા છે.
સંખ્યાબંધ નાગરિકો પણ ઇજા પામ્યા છે, અને નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે એમ તેમણે જણાવ્યું હતું. ભાવુક થઇ ગયેલા પ્રમુખ કાબુલ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના માનમાં પળભર માટે માથું નમાવ્યું હતું. આંખોમાંના આંસુઓ ખાળવાનો પ્રયાસ કરતા બાઇડને કહ્યું હતું કે જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તે અમેરિકન સૈનિકો ખરા અર્થમાં હીરો હતા, જો કે આ શબ્દ ઘણો ચવાઇ ગયેલો છે પણ તે તેમના માટે બિલકુલ યોગ્ય છે એમ બાઇડને કહ્યું હતું. તેમણે આખા અમેરિકામાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ કર્યો હતો.
બાઇડને જણાવ્યું હતું કે તેમણે તેમના કમાન્ડરોને આઇએસઆઇએસ-કેની મિલકતો, નેતાગીરી અને સવલતો પર હુમલા કરવા તેમના કમાન્ડરોને હુકમ આપ્યો છે. અમે બળથી જવાબ આપીશું અને અમારી પસંદગીના સ્થળે અને સમયે હુમલા કરીશું… આ આઇએસઆઇએસના ત્રાસવાદીઓ જીતશે નહીં એમ તેમણે કહ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકા કાબુલમાંથી અમેરિકન નાગરિકોને બહાર કાઢવાનું તેનુ મિશન ચાલુ રાખશે અને આ મિશન ૩૧ ઓગસ્ટ સુધીમાં પુરું કરશે.