ડિંડોલી પાસે રેલ્વેના પાટાના કિનારે ધમધમતી પ્રમુખપાર્કની ખાતે મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા લોકડાઉન વખતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિવિંગ એકમોની વચ્ચે મિલ શરૂ કરી દેવાઈ છે. આ એકમ દ્વારા હવામાં ભયંકર પ્રદૂષણ ફેલાવવામાં આવતા આસપાસના રહીશોએ વિરોધ વ્યક્ત કરી જીપીસીબીને ફરિયાદ કરી હતી. જીપીસીબીએ બિનઅધિકૃત રીતે ચાલતી મિલના ફોટો અને વીડિયોગ્રાફી કરીને રિપોર્ટ ગાંધીનગર મોકલી આપ્યો છે.
પ્રમુખ પાર્ક બ્રિજ રેલવે પાટાની બાજુમાં લોકડાઉન સમયગાળા દરમિયાન મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરી મિલ શરૂ કરવામાં આવી છે. જેમાંથી છેલ્લા કેટલાક સમયથી અતિશય દુર્ગંધ આવે છે અને તેનો ધૂમાડો પર્યાવરણમાં ફેલાવવામાં આવી રહ્યો છે. પ્રદૂષણને કારણે આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે. ડિંડોલી પાસે આવેલી નંદનવન ટાઉનશીપ આસપાસના રહીશોમાં શ્વાસ રૂંધાવાની સમસ્યા, આંખોમાં બળતરા, કાળા ધૂમાડાં સહન કરવા જેવી સમસ્યા ઉભી થઇ હતી. જેના પગલે ત્રાહીમામ પોકારી રહીશોએ આ અંગે કલેક્ટર અને જીપીસીબી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી હતી.
સતત આવતી દુર્ગંધ બોઇલર ટેમ્પરેચર માટે પ્લાસ્ટિકના કચરા અને રબરનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી દહેશત સ્થાનિક લોકોએ વ્યકત કરી હતી. જેને પગલે મિલમાંથી કાળા ધૂમાડાનાં ગોટેગોટા નીકળતા હતાં. ચીમની વગર આ ધૂમાડો પતરાના શેડમાંથી પસાર થઇ આસપાસ ફેલાતાં લોકો તોબા પોકારી ગયાં હતાં.રહીશોની ફરિયાદને પગલે જીપીસીબીએ આ અંગે તપાસ કરતા મિલ બિનઅધિકૃત રીતે ચાલી રહી હોવાનું ધ્યાને આવ્યું છે. જીપીસીબી દ્વારા આ અંગેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી ગાંધીનગર મોકલી દેવાયા છે; ટૂંક સમયમાં ગાંધીનગરથી મિલને બંધ કરવાના આદેશ આવે તેવા ભણકારા વાગી રહ્યાં છે.
જીપીસીબીએ આ એકમને કોઇ પરવાગની આપી નથી : પરાગ દવે જીપીસીબી
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી પરાગ દવેએ વાતચીત કરતાં કહ્યું હતુ કે, પ્રમુખ પાર્ક બ્રિજ નીચે રેલ્વે પાટાના કિનારે ચાલતી ડાંઇગ મિલ વગર પરવાગનીએ જ ચાલે છે. જીપીસીબીના રેકર્ડ ઉપર આવું કોઇ જ એકમ નથી. આ એકમ સામે પગલા ભરવા પાટનગર જાણ કરી દેવાઇ છે. આગામી દિવસોમાં આ મિલનું કલોઝર આવી જશે.