Gujarat

રાજ્યમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણ બદલ ૩૨૪ ગુના દાખલ : ૪૮૪ની અટકાયત

રાજ્યભરમાં બાયો ડિઝલના ગેરકાયદે વેચાણની પ્રવૃતિને દામવા રાજ્ય પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા. જેમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. રૂા. ૨૨.૩૧ કરોડથી વધુનો મુદામાલ સીઝ્ડ કરાયો છે. બાયોડિઝલના નામે વપરાતા ભળતા ઇંધણોના અનઅધિકૃત વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરાવવાના કારણે છેલ્લા છ માસમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની આવકમાં ૧૧%નો વધારો થયો છે અને તેને કારણે રાજ્ય કરવેરાની આવકમાં પણ રૂા. ૧,૬૬૨ કરોડનો વધારો થયો છે અને ૭,૯૨,૫૩૩ કિલો લીટર ડિઝલની વપરાશ થવા પામી છે.

ગૃહ રાજય મંત્રી પ્રદિપસિહ જાડેજાએ જણાવ્યુ હતું કે, બાયો ડિઝલના નામે વેચાતા આવા પ્રકારના ભેળસેળવાળા ઇંધણો જેવા કે સોલવન્ટ, બેઝ ઓઇલ, યુઝ્ડ એન્જીન ઓઇલ વગેરેમાં વધારે માત્રામાં પ્રદુષકો હોય છે. જેના પરિણામે વાહનોમાંથી ઉત્પન્ન થતો ધૂમાડો હવામાં ગંભીર સ્તરે પ્રદૂષણ ફેલાવે છે, જે માનવ સ્વાસ્થ્ય પર વિપરીત અસરો પહોંચાડે છે. આ અસરોને નાબૂદ કરવા માટે રાજ્ય સરકારે બાયો ડિઝલના નામે વેચાતા ભેળસેળયુક્ત ઇંધણ બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણયના લીધે ભેળસેળયુક્ત ઇંધણ પરના પ્રતિબંધના કારણે ડિઝલની વપરાશમાં વધારો થશે અને રાજ્ય કરવેરાની આવક પણ વધશે તેમજ વાહનોની કાર્યક્ષમતામાં વધારા સાથે પર્યાવરણનું જતન પણ થશે. ગૃહ વિભાગ દ્વારા ઘડાયેલા એક્શન પ્લાન મુજબ અત્યાર સુધીમાં ૩૨૪ ગુના દાખલ કરી ૪૮૪ આરોપીઓની અટકાયત કરીને રૂપિયા ૨૨.૩૧ કરોડથી વધુનો મુદામાલ સાથે ૩૮,૯૫,૮૧૭.૨૮ લીટર મુદ્દામાલ સીઝ કરાયો છે. આ ઉપરાંત રૂા. ૧૧,૩૬,૨૩,૦૦૦ કિંમતના ૨૨૨ વાહનો પણ સીઝ્ડ કરાયા છે અને આગામી સમયમા પણ કડક હાથે ચુસ્ત કામગીરી માટે કરવામા આવનાર છે.

બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થના અનઅધિકૃત વેચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શક સુચનાઓ જારી કરાઈ
બાયોડિઝલના નામે ભળતા પેટ્રોલીયમ પદાર્થના અનઅધિકૃત વેચાણ અંગે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શક સુચનાઓ જારી કરાઈ છે. જે મુજબ ઝડતી કરવા તથા બાયોડિઝલ સીઝ્ડ કરવા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાથી નીચેના ન હોય તેવા ધિકારીઓને તપાસણી, ઝડતી લેવાની, સેમ્‍પલ લેવાની સત્તાઓ સોંપવામાં આવી છે.

મુદ્દામાલ કબજે કરવા તથા તેના નમુના (સેમ્‍પલ) લેવા અંગે અધિકૃત અધિકારી દ્વારા બાયોડિઝલના નામે વેચાતા ભળતા પેટ્રોલિયમ પદાર્થોની ચકાસણી દરમ્‍યાન મળી આવેલા આવા પ્રકારનાં ભળતા પેટ્રોલિયમ પદાર્થોના ૩ નમૂનાઓ લેવામાં આવશે. આ નમૂનાઓને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી ખાતે પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે. નમૂનો ફેઇલ થાય તો વિવિધ જોગવાઇઓના ભંગ બદલ કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, FIR નોંધ્યા બાદ સ્ટોરેજ લાયસન્સ, એક્સપ્લોઝિવ લાયસન્સ, NA, ફાયરસેફ્ટી, ગુમાસ્તા ધારા નોંધણી, GPCBની નોંધણી વગેરે કરાવી છે કે નહી તે દિશામાં પણ તપાસ કરાશે.

પેટ્રોલિયમ પદાર્થોનો આવશ્યક ચીજવસ્તુઓમાં સમાવેશ, તેની કાળાબજારી કરનારા સામે પીબીએમ ધારા હેઠળ કાર્યવાહી
પેટ્રોલિયમ અને પેટ્રોલિયમ પદાર્થોને આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ-૧૯૫૫ હેઠળ આવરી લેવામાં આવેલા છે. જેના પગલે કાળાબજારી જેવી પ્રવ્રૃતિઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમના અન્વયે આરોપીઓ સામે કાળા બજાર વિરોધી (પીબીએમ) ધારા હેઠળ પગલા ભરી શકાશે. બાયોડિઝલના નામે ઇંધણમાં થતી ભેળસેળની જેમ જ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતા હાઇ-ગ્રેડ ક્વોલિટિના કોલસામાં લો-ગ્રેડ ક્વોલિટિના કોલસાની ભેળસેળ કરવાનું કૌભાંડ પણ ગુજરાત પોલીસે નવલખી બંદરે શોધી કાઢયું છે. આ કેસમાં પણ પગલા લેવાયા છે.

Most Popular

To Top