SURAT

માતા પિતાને ખબર પડશે તો મોટો વિવાદ થશે તેવા ડરથી વિદ્યાર્થિની ઘર છોડીને ચાલી નીકળી

સુરત: વિદ્યાર્થીકાળ (student period) એવો જ હોય છે જેમાં બાળકો કોઇને કોઇ રીતે મસ્તી મજાક (fun) કરીને આનંદ મેળવતાં હોય છે. પરંતુ આવી નાની નાની મજાક કેટલીક વખત ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી લેતું હોય છે.

અલથાણ ખાતે આવેલી એક શાળા (school)માં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શાળાના બાથરૂમની દિવાલ (bathroom wall) પર શિક્ષક અને શિક્ષિકાના અફેર (teachers affairs) ની વાત લખનાર વિદ્યાર્થિનીના નામ બહાર આવી ગયા હતા. તેથી તેમના વાલી (guardian)ને શાળામાં બોલાવવામાં આવવાનું કહેતાં ઠપકો મળશે તેવા ડરથી એક વિદ્યાર્થિની ઘર છોડીને ચાલી નીકળી હતી. આ મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જો કે, આ વિદ્યાર્થિની હેમ ખેમ મળી આવતા બાળકીના પરિવાર, શાળા પરિવાર અને પોલીસે રાહતનો દમ લીધો હતો.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર અલથાણ ખાતે આવેલી એક શાળામાં માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ અન્ય વિદ્યાર્થિનીઓની જેમ જ જુદા જુદા પ્રકારે શાળામાં મજાક મસ્તી કરતી હતી. બે દિવસ પહેલા આ બંને વિદ્યાર્થિનીઓએ શાળાના બાથરૂમમાં આવેલી દિવાલ પર શાળાના જ એક શિક્ષક અને શિક્ષિકાનું નામ લખી તેમની વચ્ચે અફેર હોવાની વાત લખી નાંખી હતી. આ વાત વાયુવેગે શાળામાં પ્રસરી ગઇ હતી અને લખાણ લખનારની શોધખોળ શરૂ થઇ હતી. દરમિયાન શાળાની બે વિદ્યાર્થિનીના નામ સામે આવ્યા હતાં. શાળાના પ્રિન્સિપલે બંને વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવીને ઠપકો આપ્યો હતો ત્યાં સુધી તો બધુ ઠીક હતું પરંતુ, તેમના વાલીઓને શાળામાં બોલાવવા માટે વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યું હતું. જેથી માતા પિતાને ખબર પડશે તો મોટો વિવાદ થશે તેવા ડરથી એક વિદ્યાર્થિની ઘર છોડીને ચાલી નીકળી હતી. તેની શોધખોળ કરવા છતાં તે મળી નહીં આવતા મામલો ખટોદરા પોલીસમથકમાં પહોંચ્યો હતો. જો કે, આ વિદ્યાર્થિનીની તપાસ કરતાં તેનું લોકેશન મુંબઇ આવ્યું હતું. આ તપાસ ચાલી રહી હતી તે દરમિયાન શાન્તાક્રુઝ ખાતે આવેલી મધર ટેરેસા સંસ્થામાંથી બાળકી તેમને ત્યાં પહોંચી હોવાનો ફોન આવી ગયો હતો. અહીં બાળકી સલામત હોવાનું પણ સંસ્થા તરફથી જણાવવામાં આવતા વિદ્યાર્થિનીનાં પરિવાર, શાળા પરિવાર અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

વિદ્યાર્થિનીએ મુંબઇ પહોંચીને માતા-પિતાને ફોન કરતા પોલીસ દોડતી થઇ
ખટોદરા પોલીસ મથકના પીઆઇ તરૂણ પટેલે માહિતી આપતા કહ્યું કે, આ વિદ્યાર્થીની ડરના કારણે સુરત છોડીને મુંબઇ પહોંચી ગઇ હતી. ત્યારબાદ મુંબઇથી જ તેણીએ તેના પિતાને ફોન કરીને ઘટના કહી હતી. આ બાબતે પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવતા ખટોદરા પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી હતી અને વિદ્યાર્થીનીને લઇને સુરત આવી હતી.

Most Popular

To Top