અમદાવાદ શહેરના બોપલમાં ઔડા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ડ્રેનેજની અંદર સફાઇ કરી રહેલા કામદારો પૈકી ત્રણ કામદારો ગૂંગળાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આ ત્રણેય મજુરોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના બોપલ વિસ્તારમાં ઔડાની ડ્રેનેજ લાઇનની પાઇપ ફિટિંગનું કામકાજ તથા સફાઇ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક મજૂર ડ્રેનેજમાં ઉતાર્યો હતો, કામગીરી દરમિયાન ગૂંગળામણ થતાં તેને બચાવવા માટે અન્ય બે મજૂરો ડ્રેનેજમાં નીચે ઉતર્યા હતા, ત્રણે મજૂરો ડ્રેનેજની પાઇપલાઇનમાં ફસાઈ ગયા હતા.
પરિણામે ફાયર બ્રિગેડને તેની જાણ કરવામાં આવી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ડ્રેનેજ લાઈનમાં દોરડાની મદદથી અંદર ગૂંગળાઈ રહેલા બે મજૂરોને બહાર કાઢ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મજુર ફસાઈ જતાં ખોદકામ કરીને ભારે જહેમત બાદ તેને પણ બહાર કાઢ્યો હતો. જોકે તેનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ ત્રણેય મૃતક મજૂરો દાહોદના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી, હાલમાં પેટા કોન્ટ્રાકટરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.