જે પોતાને ટોપ સ્ટાર માનતા હતા તે બધાનું સ્ટારડમ વિત્યા દોઢ વર્ષથી ‘હોલ્ડ’ પર છે. ઓલિમ્પિકમાં ભાલો ફેંકવા પહેલાં નીરજ ચોપરા પોતાને પૂરવાર ન કરી શકે તેવું જ સ્ટારડમનું છે. ફિલ્મ રિલીઝ થાય પછી જ લોકો કહે કે હા, આ સ્ટાર છે. સલમાન, શાહરૂખની વાત જવા દો. વિત્યા થોડા વર્ષથી રણવીર સીંઘનું સ્થાન નવા ટોપ સ્ટાર તરીકે છે, પણ 2019માં તેની ‘ગલી બોય’ રજૂ થઇ હતી. મોટા સ્ટાર અને મોટા બેનરની ફિલ્મોની તકલીફ એ છે કે તેઓ પોતાની જે ફિલ્મને સારી માનતા હોય તેને પણ રજૂ કરી શકતા. ઓટીટી પ્લેટફોર્મ તેમને વધારે નામ કે દામ આપી ન શકે.
થિયેટર વિના ઉધ્ધાર નથી અને થિયેટરો હવે થોડા થોડા શરૂ થયા છે પણ પ્રેક્ષકો થિયેટરમાં જવા તૈયાર નથી. અત્યારે તેઓ મોંઘી ટિકીટ ખરીદી ન શકે. અક્ષયકુમાર, અજય દેવગણે ફિલ્મ રિલીઝ કરી જોઇ પણ માર ખાઈ ગયા. એવામાં રણવીરસીંઘ તેનું પત્તુ ખોલવા માંગતો નથી. બાકી તેની ‘સૂર્યવંશી’ તો ગયા વર્ષે માર્ચમાન રજૂ થવાની હતી. ત્યાર પછી ત્રણેક તારીખ જાહેર થઇ પણ ફિલ્મ અત્યારેય રોહિત શેટ્ટીના ડબ્બામાં છે. પહેલાં એવું હતું કે જે ફિલ્મ ન ચાલે તેને ‘ડબ્બામાં ગઇ’ એમ કહેવાતું અત્યારે ચાલવાની વાત તો પછી, રિલીઝ જ નથી થતી અને ડબ્બામાં જાય છે.
રણવીર સીંઘની ચારેક ફિલ્મો કમ્પલીટ થઇને પડી છે અને તેમાં ‘સરકસ’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ અને ‘૮૩’ છે. ‘૮૩’ની ખૂબ ચર્ચા થઇ છે પણ મેદાનમાં જ જે ટીમ ઉતરે નહીં તેનો સ્કોર કેવી રીતે થાય? ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ તો કરણ જોહરના દિગ્દર્શનમાં બની છે અને રણવીર સાથે આલિયા ભટ્ટ છે ઉપરાંત ધર્મેન્દ્ર ય છે. પણ આ કાસ્ટિંગ અત્યારે વાંચવા પૂરતું જ રહી ગયું છે. ‘સરકસ’ તો રોહિત શેટ્ટીની ફિલ્મ છે. રોહિતે અજય દેવગણ પછી અક્ષયને જ નહીં રણવીરને ય ખાસ બનાવ્યો છે પણ તેનું કરવું શું? એ ફિલ્મ આ મહિનાની પાંચમી ઓગસ્ટે રજૂ થવાની હતી પણ રોહિતે ‘સૂર્યવંશી’ની જેમ ‘સરકસ’ને ય રોકી રાખી છે.
રણવીર આમ ટી.વી. માટે તૈયાર થતો નથી પણ હમણાં ‘ધ બિગ પિકચર્સ’ નામના ગેમ શોને હોસ્ટ કરવા તૈયાર થયો છે. આ શો મૂળ ઇઝરાયલમાં ડેવલપ થયો હતો અને જબરદસ્ત સફળ રહેલો, પણ તેને સફળ કરવાની સોપારી રણવીર સીંઘે લીધી છેપણ આ શો તો તેના માટે જસ્ટ ટેકારૂપ છે. જો ન ચાલ્યો તો રણવીરને માથે ય પડી શકે. પણ આમાં વાંક રણવીરનો નથી, અત્યારના સમયનો છે. તેની ‘જયેશભાઇ જોરદાર’ શીર્ષકમાં ‘જોરદાર’ તો છે પણ રજૂ થાય તો ખબર પડે કે નહિં? અરે ‘તખ્ત’માં તો તે દારા સુકોહ બન્યો છે. સંજય લીલા ભણશાલીએ તેને જે ઇમેજ બનાવી આપી તેના આધારે ફિલ્મ મળી છે પણ પોતે જ એ ‘તખ્ત’ પર બેસી શકતો નથી. એસ. શંકર જેવા સાઉથના દિગ્દર્શકે પણ રણવીર સાથેની ફિલ્મ જાહેર તો કરી દીધી છે પણ જાહેરાત કરવાથી ફિલ્મ ન બને. શૂટિંગ શરૂ થતું નથી. તો હવે તેશું કરશે? જવાબ છે, રાહ જોશે. મામલો હાથ પર જ ન આવે તો એમ જ કરવું પડે. તેની શું દિપીકાની ય કોઇ ફિલ્મ રજૂ થાય એમ નથી બાકી બંને મોટા સ્ટાર્સ છે. સ્ટારડમ હોલ્ડ પર રહેવા જેવું ખરાબ કોઇ સ્ટાર માટે નથી હોતું પણ તે કાંઇ એકલો નથી. બસ એજ એનું આશ્વાસન છે.