SURAT

‘તુજે તો મેં જજ કે સામને માર દુંગા’ : હત્યાના કેસમાં આરોપીને કોર્ટ પાર્કિંગમાં જ ચપ્પુ મારી દેવાયું

સુરતમાં વસતા ટપોરીઓ તેમજ ગુનાખોરી સાથે સંકળાયેલા લોકોને પોલીસનો કે કાયદાનો કોઇ ડર જ નથી. સુરત ન્યાયાલયના પાર્કિંગમાં જ હત્યાના એક આરોપીનું અપહરણ કરીને કમરના ભાગે ચપ્પુ મારી દેવાયું હતું. આ આરોપીને પકડીને લઇ જવાયા બાદ તેનો કોઇ અત્તોપત્તો જ ન હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ ઘટના અંગે પોલીસને પણ કોઇ માહિતી ન હોવાનું કહેવાઇ છે. ઇજાગ્રસ્ત યુવક પોતે હત્યાના કેસમાં જામીન ઉપર મુક્ત થયો હતો અને તેની જ હત્યા થઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક વિગતો બહાર આવે તેમ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સલાબતપુરા પોલીસ મથકમાં એક વર્ષ પહેલા સતત ત્રણ હત્યા થઇ હતી. જેમાં એક અલ્તાફ નામના યુવકની પણ હત્યા થઇ હતી. આ કેસમાં પોલીસે અબ્રાલ ઉર્ફે જુગનુની ધરપકડ કરી હતી. જો કે, અબ્રાલ હાલમાં જામીન ઉપર મુક્ત હતો. આ કેસની ટ્રાયલ સુરતની કોર્ટમાં ચાલી રહી છે, અબ્રાલ બુધવારે હત્યાના કેસની તારીખમાં હાજર રહ્યો હતો. બીજી તરફ અલ્તાફના સગા કાકાનો છોકરો અઝહર લખીએ સવારથી જ વોચ ગોઠવી હતી. અબ્રાલ કોર્ટમાં તારીખ પતાવીને પરત આવ્યો ત્યારે જ કોર્ટ કેમ્પસના પાર્કિંગમાં તેને દબોચી લેવાયો હતો. અઝહર અને તેની સાથે આવેલા બે-ત્રણ યુવકોએ અબ્રાલને પકડીને ચાલવા માંડ્યા હતા.

થોડીવારમાં અઝહરએ પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢ્યું હતું અને અને અબ્રાલને મારી દીધું હતું. અઝબરે અબ્રાલને કહ્યું હતું કે, ‘તુને મેરે ભાઇ કો મારા હે, ખુન કા બદલા ખુન સે લુંગા, અગર કોઇ બીચ મેં આયા તો ઉસકો ભી માર દુંગા, તેરેકો તે મેં જજ સામને હીં માર દુંગા’ કહીને બબાલ કરવા લાગ્યો હતો. બુમાબુમ થતા અહીં લોકો ભેગા થઇ ગયા હતા. અઝહરની સાથે ગુંડા તત્ત્વો હાજર હોઇ કોઇપણ વ્યક્તિ કે વકીલે તેઓની લડાઇમાં વચ્ચે પડ્યા ન હતા. અઝહર અબ્રાલને લઇને કોર્ટની બહાર નીકળી ગયો અને રિક્ષામાં મુકીને ભાગી ગયો હતો. આ બાબતે ઉમરા પોલીસને જાણ કરવામાં આવતા તેઓને કોઇ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.

મેં તમામ આરોપીઓને કોર્ટની બહાર જવા કહ્યું હતું : વકીલ
આ અંગે માહિતી આપતા એક વકીલે પોતાનું નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, તેઓ કોર્ટમાં કામ પતાવીને પરત આવ્યા ત્યારે માથાકૂટ ચાલી રહી હતી. બે-ચાર યુવકો મારામારી કરી રહ્યા હતા. એક યુવકને ગંભીર રીતે ઇજા પણ થઇ હતી. આ વકીલે આરોપીઓને કહ્યું કે, અહીંયા કોઇ માથાકૂટ કરતા નહીં, આ બાબતે પોલીસને પણ જાણ કરાઇ હતી પરંતુ જે-તે સમયે કોઇ કોન્ટેક થઇ શક્યો ન હતો. ત્યારબાદ આ યુવકો બહાર ચાલ્યા ગયા હતા અને શું થયું તેની માહિતી નથી.

કોર્ટ પાર્કિંગમાં સીસીટીવી કેમેરા ચેક કરાઇ તો અનેક વિગતો બહાર આવશે
બે વર્ષ પહેલા સુરતની કોર્ટ કેમ્પસ સહિત ચારેય બાજુ કેમેરા મુકવામાં આવ્યા હતા. કોર્ટના પાર્કિંગમાં પણ કેમેરા મુક્યા છે અને જ્યાં વકીલો બેસે છે ત્યાં પણ કેમેરા મુકાયા છે. જો પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ ચેક કરાઇ તો મહત્ત્વની વિગતો બહાર આવે તેમ છે.

હું તપાસ કરાવી લઉ છુ
આ બાબતે ઉમરા પોલીસ મથકના પીઆઇ કિરણ મોદીએ માહિતી આપતા કહ્યું હતું કે, અમારી પાસે હજુ સુધી કોઇ માહિતી આવી નથી કે, આ બાબતે હું તપાસ કરાવી લઉ છુ.

Most Popular

To Top