National

શેરડીના ખેડૂતોને અત્યાર સુધીની સૌથી વધુ વાજબી અને લાભદાયક કિંમત ક્વિન્ટલ દીઠ રૂ. 290ને મંજૂરી

કેન્દ્રએ આજે મિલોએ શેરડી પકવનારા ખેડૂતોને જે ઓછમાં ઓછી કિમત આપવાની એમાં નાણા વર્ષ 2021-11 માટે ક્વિન્ટલે રૂ. 5નો વધારો કરીને ક્વિન્ન્ટલે રૂ. 290 કર્યા હતા પણ ખાંડની વેચાણ કિમતમાં તત્કાલ વધારાનો ઇનકાર કર્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ શેરડીના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને શેરડીની સિઝન 2021-22 (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) માટે 10 ટકાના મૂળભૂત પ્રાપ્તિ દર માટે શેરડીની વાજબી અને લાભદાયક કિંમત (એફઆરપી) ક્વિન્ટલદીઠ રૂ. 290/-, 10 ટકા ઉપરાંત પ્રાપ્તિમાં દર 0.1 ટકા માટે ક્વિન્ટલદીઠ રૂ. 2.90નું પ્રીમિયમ પ્રદાન કરવાની અને પ્રાપ્તિમાં દર 0.1 ટકાના ઘટાડા માટે એફઆરપીમાં ક્વિન્ટલદીઠ રૂ. 2.90 સુધીનો ઘટાડો પ્રદાન કરવાની મંજૂરી આપી હતી.

ખેડૂતોના હિતો જાળવવા સરકારનો સક્રિય અભિગમ 9.5 ટકાથી ઓછી પ્રાપ્તિ ધરાવતી ખાંડની મિલોના કેસમાં કોઈ કપાત નહીં કરવાના નિર્ણયમાં પણ જોવા મળ્યો છે. આ પ્રકારના ખેડૂતોને ખાંડની આગામી સિઝન 2021-22માં શેરડી માટે ક્વિન્ટલદીઠ રૂ. 275.50 મળશે, જે ખાંડની ચાલુ સિઝન 2020-21માં ક્વિન્ટલદીઠ રૂ. 270.75 છે.

ખાંડની સિઝન 2021-22 માટે શેરડીના ઉત્પાદનનો ખર્ચ ક્વિન્ટલદીઠ રૂ. 155 છે. 10 ટકાના પ્રાપ્તિદર સાથે ક્વિન્ટલદીઠ રૂ. 290ની આ એફઆરપી ઉત્પાદન ખર્ચથી 87.1 ટકા વધારે છે, જે ખેડૂતોને તેમના ખર્ચ પર 50 ટકાથી વધારે વળતર આપશે.

ખાંડની હાલની સિઝન 2020-21માં ખાંડની મિલોએ રૂ. 91,000 કરોડના મૂલ્યની આશરે 2,976 લાખ ટન શેરડીની ખરીદી કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી છે અને લઘુતમ ટેકાના ભાવ પર ડાંગરના કાપની ખરીદી પછી બીજી સૌથી મોટી ખરીદી છે. ખાંડની આગામી સિઝન 2021-22માં શેરડીના ઉત્પાદનમાં અપેક્ષિત વધારાને ધ્યાનમાં રાખીને ખાંડની મિલો દ્વારા આશરે 3,088 લાખ ટન શેરડીની ખરીદી થવાની શક્યતા છે. શેરડીના ખેડૂતોને કુલ વળતર આશરે રૂ. 1,00,000 કરોડ હશે.

મંજૂર થયેલી એફઆરપી ખાંડની મિલો દ્વારા ખાંડની સિઝન 2021-22માં ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી માટે લાગુ થશે (1 ઓક્ટોબર, 2021થી શરૂ થશે). ખાંડનું ક્ષેત્ર મહત્વપૂર્ણ કૃષિ-આધારિત ક્ષેત્ર છે, જે શેરડીના આશરે 5 કરોડ ખેડૂતો અને તેમના પરિવારજનોની આજીવિકા પર અસર કરે છે તેમજ ખાંડની મિલોમાં સીધી રોજગારી મેળવવા આશરે 5 લાખ કામદારોની આજીવિકાને પણ અસર કરે છે. આ ઉપરાંત કૃષિલક્ષી મંજૂરી અને પરિવહન સહિત વિવિધ આનુષંગિક પ્રવૃત્તિઓમાં સંલગ્ન લોકોની આજીવિકાને પણ અસર કરે છે.

એફઆરપી કૃષિ ખર્ચ અને કિંમત પંચ (સીએસીપી)ની ભલામણો તથા રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે ચર્ચાને આધારે નક્કી કરવામાં આવે છે.

સરકાર ખાંડની મિલોને વધારાની શેરડીને ઇથેનોલને ડાઇવર્ટ કરવા પણ પ્રોત્સાહન આપે છે, જેને પેટ્રોલ સાથે મિશ્ર કરવામાં આવે છે, જે પર્યાવરણને અનુકૂળ ઇંધણ તરીકે ઉપયોગી હોવાની સાથે ક્રૂડ ઓઇલની આયાત પર થતા વિદેશી હૂંડિયામણના ખર્ચને પણ બચાવે છે.

ખાંડની અગાઉની સિઝન 2019-20માં શેરડી પેટે બાકી નીકળતી આશરે રૂ. 75,845 કરોડ ચુકવવાપાત્ર હતી, જેમાંથી રૂ. 75,703 કરોડની ચુકવણી થઈ ગઈ છે અને ફક્ત રૂ. 142 કરોડની ચુકવણી બાકી છે. ખાંડની ચાલુ સિઝન 2020-21માં પણ શેરડીની બાકી નીકળતી ચુકવવાપાત્ર રકમ રૂ. 90,959 કરોડ છે, જેમાંથી રૂ. 86,238 કરોડની ચુકવણી ખેડૂતોને થઈ ગઈ છે.

Most Popular

To Top