કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે, આ મહિને બે કરોડથી વધુ કોરોનાની રસીના ડોઝ રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે અને તેમને 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ પહેલા તમામ શાળાના શિક્ષકોનું રસીકરણ કરવાનું કહેવામાં આવ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન પહેલા ગયા વર્ષે માર્ચમાં દેશભરની શાળાઓ બંધ કરવામાં આવી હતી.
કેન્દ્રએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કોરોનાની પરિસ્થિતિ અનુસાર, શાળાઓ ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. જ્યારે ઘણા રાજ્યોએ શાળાઓ આંશિક રીતે ફરીથી ખોલવાનું શરૂ કર્યું હતું. પરંતુ, એપ્રિલમાં કોરોનાની અસરકારક બીજી લહેરના કારણે શાળાઓ ફરીથી બંધ કરવી પડી હતી.
કોરોનાની પરિસ્થિતિમાં ફરીથી સુધારા સાથે ઘણા રાજ્યોએ હવે શાળાઓ ફરીથી ખોલવાનું શરૂ કરી દીધું છે. તેમ છતાં કર્મચારીઓ અને શિક્ષકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં ન આવ્યું હોવાથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.માંડવિયાએ હિન્દીમાં ટ્વિટ કરતાં કહ્યું કે, આ મહિને દરેક રાજ્યને રસી આપવાની યોજના ઉપરાંત, 2 કરોડથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમે તમામ રાજ્યોને વિનંતી કરી છે કે, 5 સપ્ટેબરે શિક્ષક દિવસ પહેલા તમામ શાળાના શિક્ષકોને રસી આપવાનો પ્રયાસ કરવામાં આવે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના રસીકરણ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ બીજા ડોઝનું કવરેજ વધારવા તેમજ સરકારી અને ખાનગી એમ બંને શાળાના શિક્ષકો અને સ્ટાફના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે.
રાજ્યોને ઇમર્જન્સી કોવિડ રિસ્પોન્સ પેકેજ (ઇસીઆરપી)ના ભંડોળના તાત્કાલિક ઉપયોગ અંગે જાણ કરવામાં આવી હતી અને આગામી તહેવારની સીઝન પહેલા કોરોના ગાઈડલાઇન અને અન્ય સાવચેતીના પગલાંનું પાલન સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને અનુસાર, શાળાના શિક્ષકો અને બિન-શિક્ષક સ્ટાફને પ્રાથમિકતાના ધોરણે રસી આપવા માટે 27થી 31 ઓગસ્ટ સુધી 2 કરોડથી વધુ રસી ડોઝ રાજ્યોમાં મોકલવામાં આવશે.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઑફ એજ્યુકેશનના ડેટાનો ઉપયોગ કરી શકે છે અને રાજ્યના શિક્ષણ વિભાગો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય સંગઠન અને અન્ય સાથે સંકલન કરીને આ રસીકરણ કાર્યક્રમને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી શકે છે.