Business

બૂફે:ભાવ વિનાનું ભોજન

મોનાલીસાના ચહેરાનો ભાવ અને બૂફેના કાઉન્ટર પર પીરસનારાના ચહેરાના ભાવ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. જેમ દુકાન સામે હાથમાં વાડકો લઈને ભિખારી ઉભો રહે અને દુકાનવાળો તેની સામે નજર પણ નાખ્યા વિના કહે કે ‘આગળ જાવ’ કંઈક એવો જ ભાવ આપણે ડિશ લઈને બૂફેના કાઉન્ટર સામે જઈએ ત્યારે ત્યાંના પીરસનારા/નારીના ચહેરા પર હોય છે.    ‘નિર્લેપ ભાવ’ અથવા ‘સ્થિતપ્રજ્ઞ અવસ્થા’ કોને કહેવાય? સાંગોપાંગ સમજવું હોય તો આ લોકોના ચહેરા જોઈ લેવા. ઘણીવાર તો આમના ચહેરા જોઈને આપણો ખોરાક અડધો થઈ જાય. મને બુફેમાં જમવાનો એટલા માટે જ આનંદ આવે.

જમવામાં વાનગી વૈવિધ્ય ભલે ગમે તેટલું હોય પણ મને તો એ લોકોના ચહેરા વાંચવાનો જ આનંદ આવે. જેમ ટ્રાફિક પોલીસ આપણને રોકે અને હાથમાં પેન અને મેમો બુક લઈ આપણું નામ પૂછે ત્યારે આપણે સ્વબચાવ માટે અનેક દલીલો કરીએ, ઉપરાંત વિનંતી, ઓળખાણો, સુકો દમ વગેરે હથિયારો અજમાવીએ ત્યાં સુધી તે દૂર દૂર ક્ષિતિજ તરફ જોતો ઊભો રહે. જેવી આપણી દલીલો પૂરી થાય એટલે પાછું આપણું નામ પૂછે. આપણી દલીલોની તેના પર કોઈ અસર થતી નથી કે તેના ચહેરાના ભાવ લેશમાત્ર બદલાતા નથી આવું જ આ બૂફે કાઉન્ટરવાળાનું હોય છે.

ઘણા મહાધનનંદોને ત્યાં તો કાઉન્ટર પર પીરસવા માટે જાનડીઓથી પણ વધુ તૈયાર થઈને કન્યાઓ ઉભી હોય છે. જાણે કોઈ સ્વયંવર હોય એવો માહોલ રચાયો હોય છે. જેમ સ્વયંવરમાં રાજકુમારી વરમાળા લઇને ધીમે પગલે નીકળે અને દરેક રાજાએ વરમાળામાં પોતાની ડોક ઘુસાડી દેવા ઉત્સુક હોય પણ રાજકુમારી તેની સામે અછડતી નજર પણ ન નાખે ત્યારે રાજાને પોતાની ડોક કાપીને કમળપૂજા કરવાનું મન થઇ આવે. એ જ રીતે બુફે પરની કન્યાઓ ડીશ લઇને ઉભેલા ધનપતિઓ, કરોડપતિઓ કે પતિઓ સામે જોતી નથી.

આપણને વળી એવો ફાંકો હોય કે પેલા સામે તો ન જ જૂએ ને! એ કરોડપતિ હોય તો શું થયું! પણ સાલો સાવ ડોબા જેવો છે. બાકી આપણી સામે તો જુએ જ ને! આવું વિચારી નવી આશા અને ઉમંગો સાથે આપણે ઘટનાસ્થળ પર પહોંચીએ તો આપણો ય ફ્યુઝ ઉડી જાય. બહુ બહુ તો એ આપણી ડીશ સામે જુએ જેથી ચમચો છટકી ન જાય. આપણને જાણે કે મનોમન ‘માફ કરો’ કહેતી હોય એવું લાગે. વળી આપણે બહુ મોટી ભૂલ એ કરીએ કે કાઉન્ટર પર ઊભેલી બધી બ્યુટીફૂલ બેબીઓને આપણે ‘કન્યા’ ધારી લીધી હોય છે.

પણ તેમાંથી કેટલીકના તો બબ્બે વાર છુટાછેડા થઇ ગયા હોય છે પણ આવી છુટાછેડા વાળી ય આપણી સામે આંખો ચાર કરતી નથી. ત્યારે બહુ માઠું લાગે છે. એ ચમચો લઈને આપણને ભરેલા રીંગણનું શાક પીરસતી હોય પણ એનું હૃદય ભરેલું હોતું નથી. ચમચો આપણી થાળીમાં હોય અને તેની નજર છેક દૂર દૂર સામેની દિવાલ પર હોય છે. લેસર ગાઇડેડ બોમ્બની જેમ આપણી નજર પણ તેના નજર માર્ગે આગળ વધારીએ તો સામે દિવાલ પર ‘જડી બા’ ની જબરી તસવીર લટકતી જોવા મળે. (‘જડી બા’ ના સ્મરણાર્થે હોલ માટે સૌથી વધુ દાન આપવામાં આવ્યું હોય છે એટલે જડી બા દીવાલે લટકતા હોય છે.) કેટલીક કન્યાઓ પાસે પહોંચીએ તો એમના માથા ઉપર છત સિવાય કશું જ ન હોય છતાં ડીશવાળાની સામે જોવાને બદલે અભ્યાસુ ખગોળશાસ્ત્રીની જેમ ઊંચે છત તરફ જોઈ રહી હોય છે.

  આપણે જાણે કે કોઈ એલિયન્સ હોઈએ એ રીતે બૂફે કાઉન્ટરવાળા/વાળીઓ આપણી સામે જોતા હોય છે કેટલાકના બાપદાદાને જાણે કે આપણે જ માર્યા હોય એમ આપણી સામે જુએ છે. તો વળી કેટલાક આપણે અફઘાની કે તાલિબાની હોય એ રીતે જોતા હોય છે. સો વાતની એક વાત કે તેઓ આપણને માણસ ગણીને તો આપણી સામે નથી જ જોતા. કદાચ એમના શેઠ એમને ગંભીરતાની ગોળી પીવડાવીને પછી જ કાઉન્ટર પર મોકલતા હશે. નહીં તો માણસ આટલો અચળ ન રહી શકે. આપણે યુવાન હતા ત્યારે આપણે ય બૂફેના કાઉન્ટર પરથી પીરસ્યું હોય છે પણ આપણે ત્યાં મૂંગા રહ્યા’તા ખરા!? પણ આમના મા-બાપે તો શું શીખવાડ્યું હોય,રામ જાણે!

બૂફે કાઉન્ટરના પીરસણીયાના બે પ્રકાર છે. કેટલાક એવા હોય છે કે આપણે વાનગી સામે પહોંચીએ તે પહેલા જ તેમના હાથનો ચમચો એક્ટિવ થઈ ચૂક્યો હોય છે. તે એવા મૂડમાં હોય કે એકવાર આપી દઈએ એટલે અહીંથી છટકે! જ્યારે કેટલાક સાવ નિષ્ઠુર હોય છે. તેની સામે જઈને ઉઘરાણીવાળાની જેમ ઊભા રહીએ તો ય તેઓ જેમ દિવાલમાં વાંદરો કંડાર્યો હોય એમ ઉભા હોય છે. સંપૂર્ણ શીતસમાધિ ધારણ કરીને ઊભા હોય છે. આપણે છેક એને હાથ વડે ડીશ તરફ ઈશારો કરીને કે કહીએ કે ‘આમાં નાખ’ ત્યારે તે મરતા મરતા ચમચો ઉઠાવીને લગરીક વાનગી આપણી થાળીમાં નાખે છે. સાલા સાવ અધૂરિયા જીવના!

આવાને બે ત્રણ વાર કહીએ ત્યારે માંડ જઠર સુધી પહોંચે એટલી વાનગી મળે. એમાંય સૌથી વધુ ડિમાન્ડવાળી વાનગી હોય ત્યાં આવા સોગિયા ડાચાવાળાને જ ઊભા રાખ્યા હોય એટલે પછી વાનગી ઘટવાનો સવાલ જ ન રહે. કારણ કે એમનું મોઢું જોઈને જ ભૂખ મરી જાય. બૂફે કાઉન્ટર પર આપણી આવી દુર્દશા જોઈએ ત્યારે પંગતનું ભોજન યાદ આવી જાય કે જેમાં પીરસનારા બંને બાજુથી આપણા હાથ પકડીને ‘મારા સમ’ ‘મારા ગળાના સમ’ એમ કહેતા કહેતા આપણા ગળા સુધી લાડુ ઘૂસાડી દેતા. પણ એ દિવસો તો ગયા કે પંગતમાં બપોરે જમી આવીએ તો સાંજની ઉપાધિ જ ન રહે.

તમે ધારો તો કલેકટરસાહેબ, પોલીસ કમિશનરસાહેબ કે પ્રધાનશ્રી ને ઈમ્પ્રેસ કરી શકો પણ આ લોકોને ઈમ્પ્રેસ કરી શકાતા નથી. સોનાના હરતા-ફરતા શોરૂમ જેવા કેટલાક પુરુષો શરીરે સવા કિલો સોનુ લટકાવીને કાઉન્ટર પર પહોંચે છે પણ બધું જ પાણીમાં! કન્યાઓ જાણે કે ભર્તૃહરિનું આખું ‘વૈરાગ્યશતક’ ઘોળીને પી ગઈ હોય એવા કોઈ વૈરાગી ભાવ સાથે કાઉન્ટર પર ઉભી હોય છે. સવા સવા કિલો સોનાથી ય અંજાતી નથી. અને પેલો થાળી લઇ ‘ભિક્ષા દેને મૈયા પિંગલા’ ની અદાથી સામે ઉભો હોય છે

કેટલાક લોકો આ કન્યાઓને ઇમ્પ્રેસ કરવા હાથમાં ડિશ સાથે ત્યાં પહોંચીને ચંદ્રગુપ્ત મૌર્યના જમાનાની જૂની જોક્સ ફટકારે છે આગળ-પાછળવાળા ઓળખીતા હોય એટલે વહેવાર ખાતર દાંત કાઢે પણ આ કન્યાઓના ચહેરા પર કોઇ પ્રકારનો પરિવર્તનનો પવન ફૂંકાતો નથી. આ બધું જોઈને જ્ઞાનીજનો ગહન ચિંતનમાં ડૂબી જાય છે કે આ લોકો કઈ રીતે પ્રભાવિત થતા હશે! કારણ કે જ્ઞાનીજનો અહીં લાઓત્શે ,ફ્રેડરિક નિત્શે અને જે. કૃષ્ણમૂર્તિના ક્વોટ્સ પણ વાપરી ચૂક્યા હોય છે પણ એનાથીય કોઈ સુખદ પરિણામો સાંપડ્યા હોતા નથી.

કન્યાઓની વાત છોડો, ત્યાં ઉભેલા કુમારો એટલે કે પુરુષો ય આપણી સામે જોતા નથી. આ પીરસણીયા પુરુષો જેમ ચીપિયામાં કાનખજૂરો પકડ્યો હોય એ રીતે કાજુકતરીની ચોસલી પકડીને સાવધાનીથી આપણી ડિશમાં મૂકે છે. ( ચોસલા તો હવે ક્યાં જોવા મળે છે! પહેલા તો અડધી ઈંટ જેવડા મોહનથાળના ઢેફલા પીરસવામાં આવતા.) આપણે કહીએ કે હજુ એક મુક. આમ કહીને ચાર ચાર ચોસલી મુકાવીએ ત્યારે આપણી આજુબાજુવાળા પ્રભાવિત થઈ જાય પણ એ પ્રભાવિત થતો નથી કે મુખડું મલકાવતો નથી. મને તો થાય કે શું આ લોકો હસવા-બોલવાનો ચાર્જ અલગ લેતા હશે! શું આમને એમના શેઠ દર વર્ષે કોઈ સ્થિતપ્રજ્ઞતાની સાધના શિબિરમાં મોકલતા હશે કે એનાથી ય કોઈ ઊંચી આરાધના કરાવતા હશે.

અગાઉ ચાની પ્યાલીવાળા લેખમાં લખ્યું હતું કે પ્યાલી બહુ નાની થઈ ગઈ છે એમ આજકાલ અહીં જમવાની બધી આઇટમ પણ બહુ નાની થઈ ગઈ છે. ચુરમાના લાડુ જુઓ તો લખોટી જેવડા, માંડ બે ચમચી શ્રીખંડ સમાય એવડી વાડકી. કાજુ કતરીની એકદમ પાતળી નાની ચોકલેટ જેવી ચોસલીઓ, એક સબડકામાં પી જઈએ એવડો બાસુંદી ડોયો! આ બધું હદબારુ સંકોચાઈ ગયું છે. એમાંય કાઉન્ટરવાળા/વાળીઓ આ વાનગીઓ પીરસે જરાક અમથી! ત્યારે આપણને થાય કે આ તે પીરસે છે કે સેમ્પલ આપે છે!? આપણા સગાએ ભોજન સમારંભ માટે ભરપૂર નાણાં વેર્યા હોય છે પણ આ અધૂરિયા જીવના સાવ ચપટીક ચપટીક પીરસે. પછી વારેવારે લેવા જવા માટે કેટલા ધક્કા ખાવા એટલે છેવટે કંટાળીને માણસ દાળભાત નો આશરો લે છે. આ રીતે અહી મન અલ્પવિરામ પર હોય છે અને ભોજનનું પૂર્ણ વિરામ આવે છે.

-:: ગરમાગરમ ::-
..પહેલાના જમાનામાં તો અઢાર અઢાર લાડુ ખાઈ ને પછી મહેમાન બોલે,…’ મારો ખોરાક ઘટી ગયો હો! હવે પહેલા જેવો ખોરાક નથી રહ્યો! ‘ખોરાક ઘટી ગ્યો’ પણ ઘરધણીનો! તે છોકરાવ હાટું ય કાંઈ રે’વા ન દીધું.

Most Popular

To Top