Business

એની અજાયબીનો….. દરિયો…

મુગ્ધ બની સામે રહેલી પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરો પર નજર ઠેરવો કે પછી બેફામ ઉછળતાં સમુદ્રનાં મોજાંને અપલક નિહાળો કે પછી કોઈ સો ટચના સોના જેવા તપસ્વી પુરુષની સમીપ જાવ ત્યાર આ ત્રણેયની સામે આપણે કેવા વામણા છીએ એ તરત જ મનોમન સમજાય જશે.. ઊંચું શિખર કે સંત આદમીની આપણે વાત નથી કરવી. આજે આપણે વાત કરવી છે અસંખ્ય રહસ્ય અને અખૂટ સંપત્તિ સાચવીને બેઠેલા મનમોજી સમુદ્રની..

દેવ-દાનવના દ્વ્ંદ્વ વખતે થયેલા અમૃતમંથનની પૌરાણિક કથા આપણે સાંભળી કે વાંચી છે. એનાં વિષ-અમૃતના પાઠ પણ ભણ્યા છીએ.  સમુદ્રખેડુઓના આરાધ્ય એવા દરિયાદેવનાં સર્જન -વિસર્જન જેટલાં જાણીતા છે એટલાં અજાણ્યાં પણ છે. એનાં વિસર્જન તો હજુય નજર સામે તરી આવે, પણ દરિયાદેવની સર્જન જેવી સંપત્તિનો તાગ લેવો દુષ્કર છે. અને આવું જાણવાની જિજ્ઞાસા મનુષ્યમાત્રને સમુદ્ર તટ પરથી એના તળિયા સુધી દોરી જાય છે.

સાગર- મહાસાગર એની ભીતર અતિમૂલ્ય અઢળક ખજાનો ગુપ્ત રીતે સંગ્રહી રાખવામાં કુશળ છે. માણસ એને મહા મુશ્કેલી-કપરી જહેમતથી શોધી કાઢે ત્યારે જ એના અસલી મૂલ્યની જાણ થાય. વા-વંટોળ કે અતિવૃષ્ટિનાં સમુદ્રી તોફાન અથવા તો દરિયાઈ યુદ્ધ વખતે અનેક જંગી વહાણ-તોતિંગ શીપ મહા સાગરને તળિયે કરોડો-અબજોની સંપતિ સાથે ગરક થઈ જાય છે. પાછળથી એ ડૂબી ગયેલી માલમત્તા માટે શોધખોળ થાય છે. અમુક કિસ્સામાં એનો અત્તોપત્તો મળે છે તો કેટલાંય હંમેશને માટે સમયની ગર્તામાં વિલીન થઈ જાય છે.

સમુદ્રી તોફાનમાં આઈસબર્ગ – હિમશીલા સાથે ટક્કરાઈને દરિયામાં ગરક થઈ ગયેલી વૈભવી શીપ ’ ટાઈટેનિક’ ની દૂર્ઘટના જાણીતી છે. એનાં સમુદ્રી ભંગારમાંથી થોડું ઘણું હાથ લાગ્યું. બાકીનું અત્યારે તો સમુદ્રદેવને સ્વાધીન છે. બીજી તરફ, ‘ટાઈટેનિક’ થી પણ વર્ષો પહેલાં  એક અકસ્માતમાં સ્પેનનું ’ન્યૂએસટ્રા સેનોરા દી‘ ઍટોચા’ જેવા અટપટા નામનું એક શીપ મધદરિયે પ્રચંડ વાવાઝોડા-વરસાદને લીધે ડૂબી ગયું હતું. ફ્લોરિડા નજીક આ જહાજ આજથી આશરે ૩૦૦ વર્ષ પહેલાં ડૂબ્યું ત્યારે ૨૬૦ જેટલા પ્રવાસી માર્યા ગયા હતા અને પાંચ ચમત્કારરૂપે ઉગરી હતા, પણ નવાઈની વાત એ હતી કે એમાં શું શું ખજાનો ભર્યો હતો એની ભાગ્યે જ કોઈને ત્યારે જાણ હતી.

૩૫ વર્ષ પહેલાં એક ટ્રેઝર હન્ટર-ખજાના શોધ સાહસવીરે જ્યારે પેલા સ્પેનિશ જહાજનો દરિયામાંથી કાટમાળ શોધી કાઢ્યો ત્યારે જગત આખાને જાણ થઈ કે એ જહાજે તો ૪૦ ટન સોના-ચાંદીની પાટ-હીરા તેમજ ૭૦ પાઉન્ડ વજનના અન્ય ધાતુના અતિ મૂલ્યવાન આભૂષણો-સિક્કા સાથે દરિયામાં સમાધિ લીધી હતી, જેની અંદાજિત કિંમત હતી ૪૦૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૩૦ અબજ રૂપિયા..! કહેવાય છે કે વિશ્વમાં કોઈ પણ ડૂબેલી શીપમાંથી મળી આવેલો આ સૌથી વધુ મોટી રકમનો ખજાનો હતો…!

દુનિયાભરના દરિયામાં આવાં તો અનેક જહાજ અધધધ ખજાના સાથે સમાધિગ્રસ્ત છે, પણ દરિયાદેવ પાસે તો આથીય વધુ અવાક થઈ જાય એવી કુદરતી સંપત્તિ છે. દરિયા કિનારે લટાર મારતાં મળી આવે એ જાતજાતનાં રુપકડાં શંખ-છીપલાં આપણે ઊંચકી લઈએ છીએ. ખોબા જેટલાં શંખને કુતૂહલવશ કાને લગાડી જાણે સમુદ્રનો ઘૂઘવાટ સંભળાતો હોય એવો આનંદ પણ મેળવીએ છીએ. છીપલાંને આપણે મહદઅંશે ઘરસજાવટની ચીજ-સામગ્રી તૈયાર કરવામાં વાપરીએ તો શંખનો મુખત્ત્વ ઉપયોગ મંદિર-ઘરમાં શુભ અવસરે એને વગાડવા-ફૂંકવામાં થાય છે. વાતાવરણ પવિત્ર કરવા શંખનાદ જરૂરી છે એવી આપણી ધાર્મિક માન્યતા છે ત્યારે વિખ્યાત વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝનું સંશોધન કહે છે કે શંખ ફૂંકવાથી એનો નાદ-ધ્વનિ જયાં સુધી પ્રસરે-પહોંચે ત્યાં સુધીનાં બીમારી ફેલાવતા જીવ-જંતુઓનો નાશ થાય છે. ..

આપણે દેવ-દાનવના સમુદ્રમંથન વખતે થયેલી વિષ-અમૃતની વહેંચણીની અનેક પૌરાણિક કથાઓ સાંભળી કે વાંચી છે. જો કે,  એ ઉપરાંત પણ અગાથ સમુદ્ર પાસે અવાક થઈ જવાય એવી સંપત્તિ અને સમૃધ્ધિ છે. અનેક વૈજ્ઞાનીક સર્વેક્ષણ કહે છે કે કાળા માથાનો માનવી ધરતીના પેટાળ ઊંડેથી જે રીતે ધાતુ-ખનીજ ઉસરડી રહ્યો છે એ જોતાં ધરતીની તિજોરી વહેલી તકે તળિયા ઝાટક થઈ જશે. અત્યારથી જ પ્રકૃતિ પર એની ઘેરી આડઅસર દેખાઈ રહી છે.

બીજી તરફ, સમુદ્રના પેટાળમાં સદીઓથી કુદરતી રીતે જ સર્જાયેલો ખનીજધાતુનો અઢળક સંગ્રહ છે. દરિયાનાં છીછરાં સ્તરે  રેતી-ટીન અને થોડા વધુ અંદર ઊતરતા કાચા હીરા પણ મળી આવે. મરજીવા અમુક ઊંડાણ ચોક્કસ સ્તર સુધી જ જઈ શકે કે ગોતાખોરી કરી શકે, પણ એથી વધુ ઊંડે આધુનિક સાધનો સાથે જઈને સમુદ્રના વિવિધ સ્તરે સલ્ફાઈડ, કોબાલ્ટ,  કોપર, ઝીન્કથી લઈને સિલ્વર અને ગોલ્ડ ધાતુ પણ વત્તા-ઓછા અંશે ઉલેચી શકાય છે… જો કે, આવી બધી સમુદ્રી ગોતાખોરી કે શોધખોળ આડેધડ ન ચલાવી લેવાય. દરેક દેશ પોતાની આવી સમુદ્રી સંપતિનું રક્ષણ ઉપરાંત દરિયાદેવના ખજાનાનો દેશ કાજે યોગ્ય ઉપયોગ એના પર અંકુશ રાખે કે રાખવો પડે છે.

હમણાં જ બે મહિના પહેલાં-જૂન મહિનામાં ભારત સરકારે પણ આપણી સમુદ્રી સીમા જ્યાં સુધી વિસ્તરી છે એ ઈન્ડિયન ઓશન -હિંદ મહાસાગરમાં વધુ ઊંડા ઉતરવાનો નિર્ણય કર્યો છે. આપણા સમુદ્રી વિસ્તારમાં અતિ આધુનિક સાધનો સાથે ખુબ જ ઊંડાણ સુધી જઈ કોબાલ્ટ, કોપર જેવી ધાતુ કે ખનીજને ઊલેચી બહાર કાઢવાની યોજના છે. કહેવાય છે કે ૧૧૦ અબજ ડોલરનો આ ખજાનો છે ! ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન મહાસાગરની કુદરતી ભૂગોળ એટલે કે ઓશોનૉગ્રાફી તથા ‘ડીપ સી માઈનિંગ’ પધ્ધતિથી અમલમાં આવનારા આ પ્રોજેકટ પાછળ કેન્દ્ર સરકારે રૂપિયા ૨,૮૨૩ કરોડનું બજેટ પણ પાસ કરી દીધું છે. જોઈએ, હવે દરિયાદેવ આપણને કેવાક ફળે છે…

મહાસાગર આપણને માત્ર શંખ-છીપલાં-મોતી કે મૂલ્યવાન ખનીજ જ નથી આપતો. સમુદ્ર તથા એની જીવ-પ્રાણીસૃષ્ટિ પાસેથી પણ આપણને અનેકવિધ ઉપયોગી ઔષધિ પણ મળે છે. બહુ ઓછાને જાણ છે કે વહેલ માછલી જે ઊલટી કરે એ ‘એમ્બર્ગીસ’ તરીકે ઓળખાતું પ્રવાહી થીજી ગયા પછી મીણ જેવું બની જાય એટલે જાતીય શક્તિ વધારવા ઉપરાંત એ હદય અને મગજના અટપટા રોગમાં ઔષધરૂપે વપરાય છે. આવી વહેલની ઊલટી બહુ મોંઘી ગણાય છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે એક શખ્સ પાસેથી એનો ૧ કિલોગ્રામનો જથ્થો ઝડપ્યો હતો, જેની કિંમત હતી ૧ કરોડ ૭૦ લાખ ! આ એક અપવાદરુપ કિસ્સો ગણાય, પરંતુ આ જ રીતે અનેક સમુદ્રી જીવોની ઝેરી લાળ તથા અમુક પ્રકારની શેવાળ જેવી દરિયાઈ વનસ્પતિઓમાંથી માનવ ઉપયોગી દવા બને છે. આ તો  સમુદ્રની માત્ર એક જ બાજુનો ઉપરછલ્લો પરિચય છે. એનાં અફાટ ઉછળતાં મોજાં વચ્ચે તો અનેક રોમાંચક રહસ્ય અકબંધ સચવાયેલાં પડ્યાં છે….!

Most Popular

To Top