ઉદ્ધવ ઠાકરેને તમાચો મારવાની ધમકી આપ્યા પછી રાણેની વિરુદ્ધમાં શિવસૈનિકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો અને મહારાષ્ટ્રમાં ઠેર ઠેર તોફાનો અને વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા હતા. મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં સેનાની યુવા પાંખ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. શિવસેનાના કાર્યકરોએ કેટલાક વિસ્તારોમાં ભાજપની કચેરીઓમાં તોડફોડ પણ કરી હતી.
પુણેમાં તો રાણેના પોસ્ટરોને ચંપલોથી તમાચા મારવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. રાણે માટે મરઘી ચોર જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા, જે રાણે અગાઉ શિવસેનામાં હતા ત્યારે પોલ્ટ્રી ફાર્મ ચલાવતા હતા તે સંદર્ભમાં વાપરવામાં આવ્યા હતા અને મરઘી ચોરના પોસ્ટર પણ લાગ્યા હતા.
રાણેની ટિપ્પણી પછી તેમના મુંબઇના જુહુ તારા ખાતેના નિવાસસ્થાનની બહાર મોટી સંખ્યામાં શિવસૈનિકો ભેગા થયા હતા અને સુરક્ષા માટે ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યાં ભાજપના કાર્યકરો સાથે સેનાની યુવા પાંખના કાર્યકરોની અથડામણ પણ થઇ હતી અને સામસામો પથ્થરમારો થયો હતો. તોફાનીઓને વિખેરી નાખવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાંતાક્રૂઝ પોલીસે યુવા સેનાના પ૦ કાર્યકરો સામે ગુનો દાખલ કર્યો હતો.
કેટલાક સ્થળે પથ્થરમારા જેવા બનાવો પણ બન્યા હતા, અમરાવતીમાં ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. અન્ય કેટલાક સ્થળે પણ ભાજપની કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો છે. એક સ્થળે ભાજપના કાર્યકરોએ શિવસેનાની કચેરીમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાના પણ અહેવાલ છે.