Madhya Gujarat

આણંદ જિલ્લાનો ટીબી વોર્ડ કરમસદ હોસ્પિટલમાં બનશે

આંણદ : આંણદ જિલ્લામાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સંદર્ભે એક બેઠક કરમસદની પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજ ખાતે જિલ્લાના તબીબોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ-૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદ કરવાના ધ્યેય સાથે તેમજ મેડીકલ કોલેજમાં ટર્શરી કેર હોઇ ત્યાં વધુ ઓ.પી.ડી. રહેતી હોય છે. જેથી મેડીકલ કોલેજમાંથી વધુ ને વધુ ટીબી નોટીફીકેશન થાય, ટીબી નિદાન અને સારવાર માટે જાહેર જનતાને કોઇ ખર્ચ ન કરવો પડે તે માટે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત અહીં જિલ્લા કક્ષાનો વોર્ડ કાર્યરત થાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.

કરમસદ ખાતે આરોગ્ય વિભાગની મળેલી બેઠકમાં મેડીકલ કોલેજ ખાતે જિન એક્સપર્ટ મશીનની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોવાથી ટેસ્ટ માટે જિલ્લા કક્ષાએથી એમઓયુ કરવાની કાર્યવાહી કરવા અંગેની તેમજ મેડીકલ કોલેજ ખાતે ડી.આર., ટીબી વોર્ડ વહેલામાં વહેલી તકે કાર્યરત કરવામાં આવે તે અંગે આદેશ  કરવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા ક્ષય અધિકારી ડો.આર. આર. ફુલમાળીએ જણાયું હતું કે, હાલ જિલ્લાના પી.એચ.સી. અને સી.એચ.સી. ખાતે ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ચેકપ થાય છે.

જેમાં નેગેટીવ રિપોર્ટ આવતા ખાનગી એક્સરે લેબમાં મોકલવામાં આવે છે. જેના માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી લેબ સાથે એમઓયુ કરાયા છે. લેબ રીપોર્ટ આધારે સઘન સારવાર કરવામાં આવે છે. વધુંમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં 2025 સુધીમાં ટીબી નાબુદ કરવા માંટે દર બીજા તથા ચોથા મંગળવારે જિલ્લામાં ઘરે ઘરે ફરીને ટીબીના લક્ષણવાળા લોકોને એક્ટીવ ટેસ્ટ કરાવા માટે સમજાવાનું કાર્ય કરવામાં આવશે. તે ઉપરાંત એક્સરે વેનની મદદથી સ્થળ પરજ એક્સરે કરાવામાં આવશે. આ ઉંપરાત કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જિલ્લા કક્ષાનો ટીબી વોર્ડ બનશે.

આ બેઠકમાં કરમસદ પ્રમુખ મેડીકલ કોલેજના ડીન ડૉ. હિમાંશુ પંડયા તથા મેડીકલ કોલેજના તમામ વિભાગના તબીબો, ગાંધીનગર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આ.વિ.)ના સંયુકત નિયામક (ટીબી) ડો. એસ. કે. મકવાણા, ડબલ્યુ.એચ.ઓના કન્સલ્ટન્ટ ડો. વાય. કે. જાની, સ્ટેબટ ટીબી એચઆઇવી  કો-ઓર્ડીનેટર ડો. દિક્ષિત કાપડિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારી, મુખ્ય  જિલ્લા, તબીબી અધિકારી ડો.અમર પંડયા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. આર. ફૂલમાલી તથા જિલ્લાનના એમઓટીસી સહ તાલુકા હેલ્થઓ ઓફિસરો અને પેરામેડીકલ તથા આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.

સરકાર તરફથી એક વર્ષ માટે 7.50 લાખની મદદ કરવામાં આવશે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જિલ્લા કક્ષાનો ટીબી વોર્ડ બનાવા માટે સરકાર દ્વારા એક વર્ષ માટે સાડા સાત લાખની મદદ કરવામાં આવી છે. કોલેજ તરફથી જગ્યા તથા આરોગ્ય વિભાગ તરફથી સ્ટાફ, દવા અને અન્ય વ્યવસ્થા કરવામાં આવશે.

3382 દર્દી ટીબીની સારવાર લઈ રહ્યા છે આણંદ જિલ્લામાં હાલ કુલ 3382 દર્દીઓ ટીબીની સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 2585 સરકારી અને 797 દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ટીબીના દર્દીઓ માટે આણંદ શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા 77 માક્રોસ્ર્કોપિક સેન્ટર ચાલું કરવામાં આવ્યા છે.

Most Popular

To Top