SURAT

31 માળની 14 બિલ્ડિંગો સાથે સુરતનું નવું રેલવે સ્ટેશન 121 મીટર ઉંચાઈનું હશે

સુરતમાં આગામી દિવસોમાં બનનારા મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ એટલે કે નવા રેલવે સ્ટેશનની ઊંચાઈ 121 મીટરની હશે. જેમાં 31 માળની ફાઈવ સ્ટાર હોટલ સહિત અલગ અલગ 12થી 14 જેટલી બિલ્ડિંગો બનશે. સુરત રેલવે સ્ટેશન માટે 1190 કરોડ અને ઉધના રેલવે સ્ટેશનના વિકાસ માટે 94.50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આજે રેલવેના અધિકારીઓ દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને સન્માનવાના ક્રેડાઈ-સુરતના કાર્યક્રમમાં સુરતનું નવું રેલવે સ્ટેશન કેવું બનશે તેનું પ્રેઝન્ટેશન કરાયું હતું. આગામી 50 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખીને સુરત અને ઉધનાના રેલવે સ્ટેશન નવા બનાવવામાં આવશે. સુરતના બિલ્ડરોને આ નવા રેલવે સ્ટેશન માટે ટેન્ડરિંગ કરવા પણ રેલવેના અધિકારીઓ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સુરતની સાથે સમગ્ર દેશમાં 9 જેટલા મલ્ટિ મોડેલ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યાં છે. સુરતમાં બનનારું રેલવે સ્ટેશન મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઓળખાશે. ભારત દેશમાં ગાંધીનગર અને હબીબગંજ બાદ સુરતમાં ત્રીજું ઈન્ટરનેશનલ કક્ષાનું આ રેલવે સ્ટેશન બનશે. આગામી 50 વર્ષને ધ્યાને રાખીને સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનને રિ-ડેવલોપ કરવામાં આવશે. સુરતના આ નવા રેલવે સ્ટેશન માટે વિવિધ વિભાગો અને સરકાર પાસેથી મંજૂરીઓ પણ મળી ગઈ છે. સુરત રેલવે સ્ટેશન ઉપરથી જ એસટી બસ, બીઆરટીએસ, મેટ્રો, ટેક્ષી અને રિક્ષા સહિતની ટ્રાન્સ્પોર્ટેશનની સુવિધા મળી રહેશે.

નવા મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટ હબમાં શું-શું હશે

  • બંને પશ્ચિમ અને પૂર્વ તરફથી પ્રવેશ ધરાવતું આધુનિક રેલવે સ્ટેશન – બસ ટર્મિનલ- વિશાળ સ્ટેશન લોબી- વિશાળ ટિકિટ માટેનો હોલ- નવા પ્લેટફોર્મ અને બોર્ડિંગ એરિયાને જોડતા બ્રિજ- એરપોર્ટ જેવા રિટેઈલ એરિયા અને ફુડ પ્લાઝા- જે કોમર્શિયલ ટાવરો બનશે તેમાં રિટેઈલ અને કોમર્શિયલ ઓફિસ માટેની જગ્યાઓ પણ હશે- કોમર્શિયલ ડેવલપમેન્ટ માટેનો વિસ્તાર 5.07 લાખ ચો.મી.થી વધારીને 8.40 લાખ ચો.મી. કરવામાં આવ્યો- પાર્કિંગ અને ફાયર સેફ્ટીની યોગ્ય સુવિધા માટે બેઝમેન્ટ અને ઉપરના ફ્લોરનો પણ ઉપયોગ કરાશે- સુરતની તાસીર જોતાં ભોંયતળિયે જગ્યા વધારીને 3.54 લાખ ચો.મી.થી 7.84 લાખ ચો.મી. કરવામાં આવી- રેલવે ક્વાર્ટરને ઉધના લઈ જઈને પશ્ચિમ તરફ કોમર્શિયલ એરિયા વધારવામાં આવશે

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પીપીપી ધોરણે ડેવલપ કરાશે : આઇઆરએસડીસી અધિકારી

આઇઆરએસડીસી (ઇન્ડિયન ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ કોર્પોરેશન)ના અધિકારી વિવેક શુડએ પ્રેઝન્ટેશન કરતા કહ્યું કે, સુરત અને ઉધના રેલવે સ્ટેશન પીપીપી ધોરણે બનાવવામાં આવશે. રેલવે ટ્રેક બનાવવાની કામગીરી કરશે, બંને સ્ટેશન માટે આરએફઓ ઇસ્યુ કરી દેવાયા છે. જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. ત્યારબાદ છ મહિનામાં ટેન્ડરની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. અને ત્યારબાદ બીજા ચાર વર્ષમાં 121 મીટરની ઊંચાઇ સુધીનું બિલ્ડીંગ બની શકશે. હાલમાં 31 માળ સુધી બિલ્ડીંગ બનાવવાનું એનઓસી પણ મળી ગયું છે.

ટેન્ડરર આ પ્લાનમાં સુધારા-વધારા સાથેનું ટેન્ડર પણ ભરી શકશે

રેલવે દ્વારા આ પ્લાનને હજુ સંપૂર્ણપણે મંજૂર ગણવામાં આવ્યો નથી. આજે પ્રેઝન્ટેશન દરમિયાન રેલવેના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે, મલ્ટિ મોડલ ટ્રાન્સપોર્ટ હબને વિકસાવવા માંગતા ડેવલપર કે ટેન્ડરર આ કોમર્શિયલ ડેવલપમેન્ટ પ્લાનમાં ફેરફાર પણ સૂચવી શકશે. જે જરૂરીયાત છે તે પ્રમાણેની જગ્યામાં સુધારા કર્યા વિના કોમર્શિયલ ડેવલપમેન્ટ પ્લાનમાં સુધારા કરી શકાશે. આ કારણે જ ભોંયતળિયે વધુ જગ્યા આપવામાં આવી છે.

સુરતના બિલ્ડરોએ કહ્યું, 60 વર્ષના લીઝ માટે ભાવ મોંધો છે તેની સામે આવક કેટલી..?

સુરતના એક બિલ્ડરે રેલવેના અધિકારીને સવાલ કર્યો હતો, અમે અમારી જમીન ખરીદ કરીએ અને તેમાં પ્લાનિંગ કરીએ તો અમને રૂા. 2500થી 2600નો ખર્ચ થાય છે, જ્યારે રેલવે દ્વારા જે ભાવ આપવામાં આવ્યો છે તેમાં 2500 કરતા પણ વધુ ભાવ જોવા મળે છે. ઉપરથી રેલવેના આ પ્રોજેક્ટમાં જગ્યા લીઝ પર છે. 1285 કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ અમને કેટલી આવક થશે..? રેલવેના અધિકારીઓ આનો જડવાબ આપતાં કહ્યું હતું કે, તમે જમીન ખરીદીને તેને વેચી નાંખો છો પછી તેમાંથી કોઇ આવક થતી નથી, જ્યારે રેલવે સ્ટેશને સતત 60 વર્ષ સુધી તમારી આવક ચાલુ જ રહેશે. આ ટેન્ડરમાં યુઝર ચાર્જિસ પણ નાંખવામાં આવ્યા છે. જે 500 કરોડથી પણ વધારેની આવક થશે. જેનો સીધો ફાયદો બિલ્ડરોને થશે.આ ઉપરાંત કોમર્શિયલ જગ્યા વેચાશે તેનો પણ લાભ થશે

Most Popular

To Top