ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાની આન-બાન-શાન પ્રત્યેક નાગરિકોએ જાળવવી જોઇએ, કેમકે રાષ્ટ્રધ્વજમાં વીરતા, શૌર્ય, બલિદાનનો ઇતિહાસ સમાયેલો છે. આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામી, જોહુકમીમાંથી મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા ભડવીરોએ આંદોલન કરીને મુકિત અપાવી હતી, જેથી ભારતને આઝાદી મળી અને આપણો દેશ સ્વતંત્ર થયો, જેના ભાગ રૂપે 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ. વીતેલાં વર્ષોમાં રાષ્ટ્રધ્વજ વંદના કાર્યક્રમ વેળા મોટી સંખ્યામાં લોકો, નેતાઓ આગેવાનો હાજર રહેતા હતા, તાલુકા, જિલ્લા તથા રાજય કક્ષાએ જે તે મંત્રીઓના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપે છે, પરંતુ હવે ઘણા સમયથી લોકોમાં રાષ્ટ્રભાવના, દેશદાઝ ઘટતી જાય છે. આથી પાંખી હાજરી જોવા મળે છે. આજકાલ યુવાનો, મોટર બાઇક, કાર ઉપર પ્લાસ્ટીકનો તિરંગો લગાડે છે તે ઉચિત નથી. કેમ કે ઘણી વાર ગાડી પર લગાવેલો તિરંગો પવનમાં પડી જાય તો રસ્તા પર ધૂળ ભેગો થાય છે. ક્રિકેટના સ્ટેડિયમમાં મેચ રમાતી હોય ત્યારે ભારત જીતે તો પ્રેક્ષકો ગમે તેમ તિરંગો લહેરાવે છે. જે રાષ્ટ્રધ્વજનું અપમાન છે. ખાદી લુપ્ત થતી જાય છે. ગાંધીમૂલ્યો ભુલાતાં જાય છે. આથી આજના ભ્રષ્ટાચારી નેતાઓ તો રાષ્ટ્રધ્વજને ફરકાવવાને લાયક નથી. આજે સત્તા મેળવવા ગાંધીજીનો ઉપયોગ થાય છે અને એક જ લક્ષ હોય છે ગાંધી તું તો સસ્તો થઇ ગયો, સત્તા મેળવવાનો રસ્તો થઇ ગયો એવું સમજે છે.
તરસાડા -પ્રવીણસિંહ મહિડા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.