જો ભારત અમેરિકાને હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ નહીં કરે તો ભારત સામે વળતા પગલાં લેવાઇ શકે છે તેવી ધમકી આપ્યા બાદ એક દિવસ પછી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું છે કે મોદી એક મહાન વ્યક્તિ છે.
કોરોનાવાયરસના રોગચાળાનો સામનો કરવા માટે અમેરિકાએ ભારત પાસેથી હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ૨૯ મિલિયન કરતા વધારે ડોઝ ખરીદ્યાં છે એમ જણાવતા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે જેવું પોતે અમેરિકામાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરવા માટે તેને આ એન્ટિ મેલેરિયા ડ્રગનું વેચાણ કરવા દેવામાં તેમની મદદની માગણી કરતી વખતે કહ્યું હતું તેમ વડાપ્રધાન મોદી એક મહાન વ્યક્તિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે ટ્રમ્પે મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને હાઇડ્રોક્લોરોક્વિનની નિકાસ અમેરિકા માટે કરવાની ભારતીય કંપનીઓને મંજૂરી આપવાની વિનંતી કરી હતી, જે દવાની નિકાસ કરવા પર ભારત સરકારે તે સમયે પ્રતિબંધ મૂકેલો હતો. આ વાતચીત પછી એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે ધમકી ઉચ્ચારી હતી કે જો મોદી પોતાની આ વિનંતી માન્ય રાખશે નહીં તો અમેરિકા ભારત સામે વળતા પગલાં લઇ શકે છે. ટ્રમ્પી આ ધમકીના થોડા કલાકો પછી જ ભારત સરકારે હાઇડ્રોક્સિક્લોરોક્વિન તથા પેરાસિટામોલ જેવી દવાઓની નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે ઉઠાવી લીધો હતો.
હાઇડ્રોક્સિક્લોરોક્વિન એ મેલેરિયાની સારવાર માટેની દવા છે પરંતુ કેટલાક અમેરિકી નિષ્ણાતો આને કોરોનાવાયરસની સારવારમાં પણ અસર કારક માને છે. ભારત આ દવાનું સૌથી મોટું ઉત્પાદક છે.