તમારે ક્યારેય કોઇ કામ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાનું થયું છે? જો થયું હોય તો તમને ત્યાં કેવી જડબેસલાક સિક્યોરિટીની વ્યવસ્થા છે તેનો અનુભવ થયો જ હશે. પરંતુ નજીકના ભૂતકાળમાં વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે બે માથાભારે તત્ત્વોએ મનપાના ડે. કમિ. ને છરો બતાવી ઝોનલ ઓફિસરને મારી નાખવાની ધમકી આપી. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી જબરદસ્ત સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં ડે. કમિ. ની ઓફિસમાં આ માથાભારે તત્ત્વો જઈ જ કેવી રીતે શક્યા? ક્યાંક ને ક્યાંક આટલી જબરદસ્ત સિક્યોરિટીમાં પણ કચાશ રહી ગઈ છે કે પછી સિક્યુરિટી સંભાળનારા બેદરકાર છે?
આ બનાવ પછી એવું લાગી રહ્યું છે કે સિક્યુરિટી હજુ તીક્ષ્ણ બનાવવાની જરૂર છે પણ તેમ થાય તો સામાન્ય પ્રજાજનોની હાલત કફોડી થઈ જાય. અત્યંત હાલાકીનો સામનો કરવો પડે. પણ એક વાત ચોક્કસ છે કે જો સિક્યુરિટીની બેજવાબદારી નક્કી થાય તો જવાબદાર અથવા જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. અન્યથા સિક્યુરિટી વધુ તીક્ષ્ણ કરવી જોઇએ. હાલની સિક્યુરિટીને ફૂલ પ્રૂફ સિકયુરિટી કહી શકાય ખરી, જ્યાં ગુંડા તત્ત્વો ડે. મેયરની કેબિન સુધી પહોંચી જાય? અહીં જે ગફલત થઈ છે તે માટે કોઈકની ને કોઈકની જવાબદારી તો નક્કી થવી જ જોઈએ અને તે નક્કી થાય તો જવાબદાર સામે યોગ્ય અને નક્કર પગલાં લેવાવાં જોઇએ, જેથી ભવિષ્યમાં આવા બનાવો બનતાં રોકી શકાય.
સુરત -સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.