Columns

અસલી તાકાત

એક દિવસ એક છોકરો પોતાના પપ્પાની સાથે મેળામાં ગયો અને તેણે ત્યાં આકાશમાં ઊડતા ફુગ્ગા જોયા.આકશમાં ઊંચે ઊંચે ઊડતા રંગબેરંગી ફુગ્ગાઓ નાનકડા છોકરાના મનને ખૂબ જ ગમી ગયા.છોકરાએ તેના પપ્પા પાસે ફુગ્ગો લેવાની જીદ કરી અને તે હાથ ખેંચીને પપ્પાને ફુગ્ગા પાસે લઇ ગયો અને પપ્પાને કહેવા લાગ્યો, ‘પપ્પા, મને આકાશમાં ઊડતો એક ફુગ્ગો અપાવો ને.’ પપ્પાએ હા પાડી અને પૈસા આપ્યા અને રાજી થઈને છોકરો ફુગ્ગાવાળાને કહેવા લાગ્યો, ‘ચાચાજી, મને સૌથી ઉપર જાય તે રંગનો ફુગ્ગો આપો.’

ફુગ્ગાવાળો નાનકડા છોકરાની વાત સાંભળી હસવા લાગ્યો અને બોલ્યો, ‘અરે છોકરા ફુગ્ગો કોઈ પણ રંગનો હોય, તે ઉપર જશે જો તેની અંદર બરાબર ગેસ ભરેલો હશે. એટલે જો તારે સૌથી ઉપર જતો ફુગ્ગો પસંદ કરવો હોય તો જે ફુગ્ગામાં સૌથી વધારે ગેસ ભરેલો હોય તે ફુગ્ગો પસંદ કરજે.જેટલો મોટો ફુગ્ગો તેટલો વધારે ગેસ અને જેટલો વધારે ગેસ ભરેલો હશે તેટલો ફુગ્ગો વધારે ને વધારે ઉપર જશે.’ આટલું કહી ફુગ્ગાવાળાએ છોકરાને સૌથી મોટો ફુગ્ગો શોધીને આપ્યો.

હાથમાં લાલ રંગનો સૌથી મોટો ફુગ્ગો લઈને છોકરો રાજી રાજી થઇ ગયો.થોડી વાર તે હાથમાં પકડીને રમ્યો.આમતેમ દોડ્યો અને પછી થોડી વાર પછી ફુગ્ગાને તેણે આકાશમાં છોડી દીધો અને પછી આકાશમાં ઊંચે ઊંચે જતા ફુગ્ગાને જોઇને છોકરો રાજી રાજી થઈને નાચવા લાગ્યો.ફુગ્ગો ઉપર ને ઉપર જઈ રહ્યો હતો. આ સાવ નાનકડી વાત છે, પણ સમજવા જેવી છે.અભણ ફુગ્ગાવાળાએ જાણે વાત વાતમાં જીવનની અને સફળતાની સમજ આપી.

વધારે ગેસ ભરેલો ફુગ્ગો જેમ તેની અંદર ભરેલા ગેસની તાકાતથી આકાશમાં ઉપર જાય છે તેમ જે માણસની અંદર આત્મવિશ્વાસ, સહનશીલતા, કૃતજ્ઞતા,દ્રઢ નિશ્ચય જેવા આંતરિક ગુણો હશે તે જીવનમાં ઊંચાઈએ પહોંચી શકશે. જેમ ફુગ્ગાનો રંગ મહત્ત્વનો નથી તેમ માણસની બહારની સુંદરતા કે શરીરના બળ કરતાં વધારે મહત્ત્વ તમારી અંદર રહેલા આત્મબળની તાકાતથી માણસ કોઈ પણ મુશ્કેલીઓ સામે લડીને જીવનમાં સફળ થઈને આગળ વધી શકે છે.

માણસનું આંતરિક સૌન્દર્ય, બહારી સૌંદર્ય કરતાં વધારે મહત્ત્વનું છે.માણસની અસલી તાકાત તેની અંદર જ છુપાયેલી છે.ફુગ્ગાની અંદર ગેસ ભર્યો છે તે ફુગ્ગાની તાકાત બની તેને આકાશમાં ઉપર ને ઉપર લઇ જાય છે.તેમ માણસની અંદર રહેલા ગુણો તેની અસલી તાકાત બની તેને જીવનમાં સફળતાની ઊંચાઈ તરફ ઉપર ને ઉપર લઇ જાય છે. આત્મવિશ્વાસ અને આંતરિક ગુણો વિકસાવો અને આંતરિક તાકાત બનાવી જીવનમાં આગળ વધો.     
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top