Comments

હવે વિચારો આ તાલીબાનો ભારત સાથે શું કરશે?

આખા જગતમાં સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે અમેરિકાએ આ રીતે એકાએક અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાનો નિર્ણય શા માટે લીધો? અમેરિકા આ સવાલનો સંતોષકારક ખુલાસો કરી શકતું નથી. અમેરિકન પ્રમુખ જૉ બાયડને કહ્યું હતું કે અમેરિકા વીસ વરસથી યોગ્ય સમયની રાહ જોતું હતું પણ યોગ્ય સમય આવતો જ નથી એટલે અમેરિકાએ નાછૂટકે આવો નિર્ણય લેવો પડ્યો. અહીં સવાલ પૂછવો જોઈએ કે જો નીકળવા માટે યોગ્ય સમય મળતો નહોતો તો અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પ્રવેશ શા માટે કર્યો હતો? નીકળતી વખતે અફઘાનોને અને વિશ્વસમાજને પૂછવાની જરૂર નહોતી લાગી તો પ્રવેશતી વખતે કોઈને પૂછ્યું હતું?

ઈતિહાસ સાક્ષી પૂરે છે કે અફઘાનિસ્તાન ક્યારેય ત્રાસવાદી દેશ નહોતો જે રીતે એક સમયે સિરિયા, લીબિયા વગેરે દેશો હતા. તેની પોતાની બસો વરસ જૂની વાંશિક ભાગીદારીવાળી પંચાયત પ્રકારની શાસકીય વ્યવસ્થા હતી જે ‘લોયા જિરગા’ તરીકે ઓળખાય છે. એક અફઘાનિસ્તાનમાં વાંશિક કબિલાઈ (એથનિક) એવા દસ અફઘાનિસ્તાન છે અને તેના નેતાઓએ સત્તાની ભાગીદારીની એવી વ્યવસ્થા વિકસાવી હતી જે ટકાઉ સાબિત થઈ હતી. અફઘાનોએ પારકી ભૂમિ ઉપર ક્યારેય નજર કરી નથી પણ જો કોઈ અફઘાનભૂમિ પર નજર કરે તો અફઘાનો તેને ક્યારેય સાંખી ન લે. આફતની ઘડીએ બધી પ્રજા એક થઈ જાય.

એશિયામાં અફઘાનિસ્તાન એક એવો દેશ છે જે ઈતિહાસમાં ક્યારેય કોઈનો ગુલામ થયો નથી. બીજું, અફઘાનોએ વૈશ્વિક મુસ્લિમ બંધુત્વ (પેન-ઇસ્લામિઝમ) માં પણ કોઈ રસ લીધો નહોતો. જેટલો ઇસ્લામ વહાલો એટલી જ વાંશિક-કબિલાઈ ઓળખ વહાલી અને કદાચ ઇસ્લામ કરતાં પણ વધુ વહાલી. બંદાને ખુદા સુધી લઈ જનારું કોઈ માધ્યમ હોવું જોઈએ એટલા પૂરતો જ તેમને ઇસ્લામનો ધર્મનો ધર્મ તરીકે ખપ હતો. ધર્મના રાજકીય ચહેરા વિશે અફઘાન પ્રજા મહદ્ અંશે અજાણ હતી.

આમ છતાંય અફઘાનિસ્તાનને સતાવવામાં આવે છે. કારણ કે તેનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ છે. અફઘાનિસ્તાનની ઉપર મધ્ય એશિયાને માથે રશિયા છે અને મધ્ય એશિયામાંથી પસાર થતા જમણે હાથે સિલ્ક રોડના માર્ગે ચીન છે. અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોને એમ લાગે છે કે રશિયા અફઘાનિસ્તાનના માર્ગે દક્ષિણ અને પશ્ચિમ એશિયામાં પ્રવેશશે અને રશિયાને એમ લાગે છે અમેરિકા અને તેના મિત્ર દેશો અફઘાનિસ્તાનના માર્ગે રશિયામાં પ્રવેશશે. આવા ભયથી પ્રેરાઈને અંગ્રેજોએ ૧૯ મી સદીમાં બે વખત અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો અને બન્ને વેળાએ ધૂળ ચાટતા પાછા ફરવું પડ્યું હતું. અફઘાનિસ્તાનના ભૌગોલિક-રાજકીય મહત્ત્વના કારણે ધર્મઝનૂની મુસલમાનો પણ અફઘાનોની છાતી ઉપર ચડેલા રહે છે.

અફઘાનિસ્તાન એક એવી ભૂમિ છે જ્યાં બે સત્તા અથવા બે સભ્યતા અથવા બે રાજ્યતંત્ર અથવા બે અર્થતંત્ર એકબીજાને મળી શકે છે અને કાં અથડાઈ શકે છે. અફઘાનિસ્તાન રણભૂમિ પણ છે અને મિલનભૂમિ પણ છે. હવે આવા અનોખા રાજકીય મહત્ત્વ ધરાવતા દેશની પ્રજા મુખ્યત્વે કબિલાઈ હોય અને ઓછી મુસલમાન હોય એ કેમ ચાલે? અફઘાની મુસલમાન પૂરો મુસલમાન હોવો જોઈએ, તેની મુસ્લિમ ચેતના અને મુસ્લિમ હોવાપણાનું ભાન એક ક્ષણ માટે પણ વિસરાવું ન  જોઈએ. અફઘાની મુસલમાન જ્યારે પૂરો મુસલમાન બનશે ત્યારે તેને તેની ભૂમિનું ભૌગોલિક-રાજકીય મહત્ત્વ સમજાશે અને ત્યારે તે તેને વટાવી શકશે.

બસ પછી શું જોઈએ! આ બાજુ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનની સ્થાપના થઈ. જેમ જેમ પાકિસ્તાન સામે અસ્તિત્વનું સંકટ પેદા થતું ગયું તેમ તેમ પાકિસ્તાન અલ્લાહ, અમેરિકા અને આર્મીને ભરોસે ધકેલાતું ગયું. આ જોઇને એ સમયના સામ્યવાદી રશિયાને ડર લાગ્યો અને રશિયાએ ૧૯૭૯ માં પોતાના સૈનિકોને અફઘાનિસ્તાનમાં મોકલ્યા અને અફઘાનિસ્તાનમાં કઠપૂતળી સરકાર રચીને અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યો. સોવિયેત રશિયા પતન થવાને આરે હતું ત્યારે તેણે પોતાના સૈનિકો પાછા ખેંચી લીધા. ૧૯૮૮ માં રશિયાએ પોતાનાં સૈનિકો પાછા ખેંચ્યા એટલે અમેરિકાએ પોતાના સૈનિકો પાછા ખેંચ્યા. જેમ પ્રવેશ કરતી વખતે પૂછ્યું નહોતું એમ નીકળતી વખતે પણ પૂછ્યું નહોતું.

સોવિયેત રશિયાનું પતન થયું એટલે રશિયાને અફઘાનિસ્તાનનો ખપ રહ્યો નહીં અને રશિયાએ સૈનિકો પાછા ખેંચ્યા એટલે અમેરિકાને અફઘાનિસ્તાનનો ખપ રહ્યો નહીં. માત્ર અલ્લાહના લશ્કરને અને પાકિસ્તાનના લશ્કરને અફઘાનિસ્તાનનો ખપ હતો. પાકિસ્તાન અને પાકિસ્તાનના લશ્કરનો ઈરાદો અલ્લાહના લશ્કરનો ઉપયોગ ભારત સામે કરવો હતો. અલ્લાહનું લશ્કર જે પહેલાં ધર્મઝનૂની મુસલમાનોનું હતું એને અમેરિકન અને પાકિસ્તાની લશ્કરે શસ્ત્રો પૂરાં પાડીને અને લશ્કરી તાલીમ આપીને ત્રાસવાદી બનાવ્યું હતું.

ભારતે એની જે કીમત ચૂકવી છે એ નજીકનો ઈતિહાસ છે. અમેરિકાને પણ તેની કીમત ચૂકવવી પડી કારણ કે અમેરિકા પૂછ્યા વિના આવ્યું હતું અને ખપ પૂરતો ઉપયોગ કરીને અફઘાનિસ્તાનને અલ્લાહના ભરોસે છોડીને પૂછ્યા વિના જતું રહ્યું. ૨૦૦૧ માં ૯/૧૧ની જે ઘટના બની એ અમેરિકાને પાઠ ભણાવવાની શિરમોર ઘટના હતી અને અમેરિકાએ પાછો અફઘાનપ્રવેશ કર્યો. અલબત્ત પૂછ્યા વિના.

આજે એને વીસ વરસ થઈ રહ્યાં છે. આ વીસ વરસમાં અમેરિકા બહાર નીકળવાની તક શોધતું હતું, પણ બાયડન કહે છે એમ તેને મળતી નહોતી. લોયા જિરગા મુખ્યત્વે વાંશિક ભાગીદારીની વ્યવસ્થા હતી અને તે સરસ ચાલતી હતી. એમાં અમેરિકાએ, પાકિસ્તાને અને મૂળભૂતવાદી મુસલમાનોએ ધર્મનું ઉમેરણ કર્યું હતું.

પાકિસ્તાન અને ઈરાનને લાગીને આવેલા અફઘાનિસ્તાનના પખ્તુન પ્રદેશમાં તાલેબાનો આ ધાર્મિક વાંશિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે સંખ્યામાં વધુ છીએ અને ઉપરથી સાચા મુસલમાન છીએ. બાકીના અફઘાનો કબિલાઈ વધુ છે અને ધાર્મિક ઓછા છે. આવી સ્થિતિમાં લોયા જિરગા સરખી રીતે ચાલી જ ન શકે. અમેરિકાને ડર તો હતો જ અને થોડા પ્રમાણમાં હજુ આજે પણ છે કે અચાનક ચાલ્યા જવાને કારણે અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાશે અને અમેરિકા સામે તેનું વેર વાળવામાં આવશે તો? સાથે અમેરિકા એ પણ જાણે છે કે ત્યારે તાલેબાનો અમેરિકાથી નારાજ હતા એટલે અમેરિકાએ કિંમત ચૂકવવી પડી હતી જ્યારે આજે તાલેબાનોએ સત્તા છીનવી લીધી છે અને સત્તા છીનવી લેવામાં અમેરિકાના લશ્કરની ગેરહાજરી મોટું પરિબળ છે.

તો પછી આની કિંમત કોણ ચૂકવશે? સૌથી મોટી કિંમત ચૂકવશે ઉત્તર અને પશ્ચિમ અફઘાનિસ્તાનના કબિલાઈ મુસલમાનો અને સમગ્ર અફઘાનિસ્તાનની સ્ત્રીઓ અને દીકરીઓ. એક યુવતીએ લખ્યું હતું કે અમારા માટે બુક સંતાડવાનો અને બુરખા બહાર કાઢવાનો સમય આવી ગયો છે. બીજી કિંમત ચૂકવશે ભારત. હંમેશ મુજબ નરેન્દ્ર મોદી સરકારની અફઘાનનીતિ ગંગા ગયે ગંગાદાસ અને જમના ગયે જમનાદાસ જેવી છે. આવી નીતિને કારણે ભૂતાન સહિત સમગ્ર દક્ષિણ એશિયા ભારતે ચીન સામે ગુમાવ્યું છે, પણ આંખ ઉઘડતી નથી.

આ સિવાય પાકિસ્તાનને ભારત સામે તાલેબાનોનો ઉપયોગ કરવાની તક મળશે અને એ તક તે છોડવાનું નથી. ભારતે પણ કાશ્મીરનું વિભાજન કરીને અને કાશ્મીરીઓને આપવામાં આવેલો ખાસ દરજ્જો ખતમ કરીને કાશ્મીરની પ્રજાને નારાજ કરી છે. બે વરસ થયાં પણ હજુયે ભારત કાશ્મીરમાંથી લશ્કરની સંખ્યા ઘટાડી શકતું નથી. એક ખભા ઉપર ચીન ઊભું છે અને બીજા ખભા ઉપર ઊભું પાકિસ્તાન અને તાલેબાની અફઘાનિસ્તાન. ઉપરથી કાશ્મીરની પ્રજા નારાજ છે. યુદ્ધશાસ્ત્ર એમ કહે છે કે સ્થાનિક પ્રજાના સહકાર વિના યુદ્ધ જીતવું મુશ્કેલ બને છે. વડા પ્રધાન જીદ છોડીને કૂણા પડશે? આ વળી હજુ મોટો ચિંતાનો વિષય છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top