SURAT

દશામાં ‘અવદશા’માં…

દસ-દસ દિવસ સુધી ઘરે પૂજા-અર્ચના કર્યા બાદ ગઈકાલે મોડી રાતથી દશામાની પ્રતિમાનું વિસર્જન શરૂ કરવામાં આવ્યું હતું. મોટાભાગના ભક્તો દ્વારા ઘરે જ દશામાનું વિસર્જન કરાયું હતું પરંતુ કેટલાક ભક્તો દ્વારા રાત્રે તાપી નદીના કાંઠાઓ પર અને નહેરમાં દશામાની પ્રતિમાઓ રઝળતી મુકી દેવામાં આવતાં જે દશામાની પૂજા કરાતી હતી તે દશામાં ખુદ ‘અવદશા’માં જોવા મળ્યાં હતાં. કેટલાક લોકોએ પોલીસના બંદોબસ્ત હોવા છતાં કેનાલમાં વિસર્જીત કરી હતી. લોકોની લાગણી દુભાય તેવા દ્રશ્યો જોઈને પાલિકા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા રઝળતી મૂકવામાં આવેલી દશામાની પ્રતિમાઓનું એકત્ર કરીને દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં દશામાની મૂર્તિઓ તળાવોમાં અને નહેરોમાં વિસર્જિત કરેલી જોવા મળી હતી. પોલીસ કમિશનર દ્વારા તાપી નદીના વિવિધ ઓવારા પર કે કેનાલ, તળાવોની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી કરીને કોઇ પણ દશામાતાની પીઓપીની મૂર્તિઓ વિસર્જન ન કરી શકે છતાં કેટલાક લોકોએ ચોરી છૂપીથી પોતાના ઘરે સ્થાપિત કરેલી દશામાતા ની મૂર્તિઓ કેનાલમાં વિસર્જન કરીને નાસી છૂટયાં હતાં. કોરોના કારણે પાલિકાએ દશામાની પ્રતિમાઓનું વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવ્યા ન હતાં પરંતુ કેટલાક ભક્તોએ રાત્રે કર્ફયૂ હોવા છતાં પણ દશામાની વિસર્જન યાત્રા કાઢી હતી. શહેરના છેવાડાના કેટલાક તળાવ અને નહેરમાં વિસર્જન પણ કર્યું હતું. જ્યારે મોટી સંખ્યામાં ભક્તો તાપી નદીના સીલ કરેલા ઓવારે દશામાની પ્રતિમા છોડીને જતા રહ્યા હતા. જો કે કેનાલમાં અને ઓવારા નજીક મૂર્તિઓ રઝળતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.

ડભોલી તાપી નદીના ઓવારા પર સીલ કર્યા હતાં ત્યાં જ હજારોની સંખ્યામાં આડેધડ દશામાની પ્રતિમાઓ રઝળતી મૂકી દીધી

ડભોલીના ઓવારા ઉપર વહેલી સવારે દશામાની પ્રતિમાઓ નો મોટી સંખ્યામાં ઢગલો થઈ ગયો હતો. લોકો આડેધડ પ્રતિમા મૂકીને જતા રહેતા અનેક પ્રતિમાઓ ખંડિત પણ જોવા મળી હતી. આડેધડ રસ્તા પર મુકાયેલી પ્રતિમાને કારણે અને લોકોની લાગણી દુભાઈ હતી. લોકોની લાગણી વધુ ન દુભાય તે પહેલા પાલિકાએ ટ્રક અને ટ્રેકટર મારફતે પ્રતિમાઓને ઊંચકી લઈને દરિયામાં વિસર્જન કર્યું હતું.

Most Popular

To Top