વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા મિશનના પ્રારંભ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર દ્વારા આ નવી પ્રાયોજિત યોજનામાં પૂર્વોત્તરના પ્રદેશો અને આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ખાદ્ય તેલોની આયાત પર ઘણી મોટી નિર્ભરતાના કારણે, સ્થાનિક સ્તરે જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં ઓઇલ પામનું વધતું ક્ષેત્ર અને ઉત્પાદકતા મહત્વની ભૂમિકા નિભાવે છે. મોદીએ 15મી ઑગસ્ટે લાલ કિલ્લા પર આની જાહેરાત કરી હતી.
આ યોજના માટે રૂપિયા 11,040 કરોડનો કુલ નાણાં ખર્ચ કરવામાં આવશે જેમાંથી રૂપિયા 8,844 કરોડનો હિસ્સો ભારત સરકારનો રહેશે અને રૂપિયા 2,196 કરોડનો હિસ્સો રાજ્યોનો રહેશે અને તેમાં વાયેબિલિટી ગેપ ફંડિંગ પણ સામેલ છે.આ યોજના અંતર્ગત, વર્ષ 2025-26 સુધીમાં ઓઇલ પામ માટે વધારાનું 6.5 લાખ હેક્ટર (હે.) ક્ષેત્રફળ આવરી લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને તેના કારણે એકંદરે 10 લાખ હેક્ટર સુધી પહોંચવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાશે. ક્રૂડ પામ ઓઇલ (CPO)નું ઉત્પાદન વર્ષ 2025-26 સુધીમાં 11.20 લાખ ટન અને વર્ષ 2029-30 સુધીમાં 28 લાખ ટન સુધી પહોંચી જશે તેવી અપેક્ષા છે.
આ યોજના ઓઇલ પામના ખેડૂતોને અત્યંત લાભદાયી પુરવાર થશે અને તેનાથી મૂડી રોકાણમાં વધારો થશે, નવી રોજગારીઓનું સર્જન થશે, આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે અને તેના કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આનાથી 2025 સુધીમાં વધારાના 6.5 લાખ હૅક્ટર ઑઇલ પામથી આવરી લેવાનું લક્ષ્ય છે.
વર્ષ 1991-92થી ભારત સરકાર દ્વારા તેલીબિયાં અને ઓઇલ પામના ઉત્પાદનમાં વધારો કરવા માટે સંખ્યાબંધ પ્રયત્નો કરવામાં આવ્યા છે. તેલીબિયાંનું ઉત્પાદન 2014-15માં 275 લાખ ટન હતું ત્યાંથી વધીને વર્ષ 2020-21માં 365.65 લાખ ટન સુધી પહોંચી ગયું છે. પામ તેલના ઉત્પાદનની સંભાવનાનો ઉપયોગ કરવા માટે વર્ષ 2020માં ઓઇલ પામના ઉછેર માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓઇલ પામ રિસર્ચ (IIOPR) દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે 28 લાખ હેક્ટર વિસ્તારનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતું.
આમ, દેશમાં ઓઇલ પામના વાવેતર અને તેના કારણે ક્રૂડ પામ ઓઇલ (CPO)ના ઉત્પાદનની ખૂબ જ મોટી સંભાવનાઓ રહેલી છે. હાલમાં, ફક્ત 3.70 લાખ હેક્ટરમાં ઓઇલ પામનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તેલીબિયામાં પ્રત્યે હેક્ટરમાં 4 ટન જેટલું ઓઇલનું ઉત્પાદન થાય છે તેની સરખામણીએ ઓઇલ પામ પ્રત્યેક હેક્ટરમાં 10 થી 46 ગણુ વધારે તેલ ઉત્પાદન કરે છે.
ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને અને વર્તમાન સમયમાં લગભગ 98% CPOની આયાત કરવામાં આવી રહી છે તે હકીકતને પણ ધ્યાનમાં રાખીને, દેશમાં CPOના વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો કરવા માટે આ યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પ્રસ્તાવિત યોજના વર્તમાન રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન – ઓઇલ પામ કાર્યક્રમને સમાવી લે છે.
આ યોજનામાં મુખ્ય બે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઓઇલ પામના ખેડૂતો ફ્રેશ ફ્રૂટના જથ્થાઓ (FFB)નું ઉત્પાદન કરે છે જેમાંથી ઉદ્યોગ દ્વારા ઓઇલ લાવવામાં આવે છે. હાલમાં આ FFBના ભાવોને આંતરરાષ્ટ્રીય CPOમાં ભાવની વધ-ઘટ સાથે સાંકળી લેવામાં આવ્યા છે. પ્રથમ વખત, ભારત સરકાર FFB માટે ઓઇલ પામના ખેડૂતોને ભાવની ખાતરી આપશે. આને વાયેબિલિટી ભાવ (VP) તરીકે ઓળખવામાં આવશે.
આનાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય CPOના ભાવમાં થતી વધ-ઘટ સામે ભાવનું રક્ષણ પ્રાપ્ત થશે અને તેમને ભાવમાં થતા ચડાવઉતાર સામે રક્ષણ મળી રહેશે. આ VP છેલ્લા 5 વર્ષના જથ્થાબંધ ભાવ સૂચકાંક સાથે સમાયોજિત વાર્ષિક વાર્ષિક સરેરાશ CPO ભાવ રહેશે જેને 14.3% થી ગુણાકાર કરવામાં આવશે. આનાથી 1 નવેમ્બરથી 31 ઓક્ટોબર સુધીના વાર્ષિક સમયગાળા માટે ઓઇલ પામનો વાર્ષિક ભાવ નિશ્ચિત કરવામાં આવશે.
નોંધપાત્ર વૃદ્ધિ ઓઇલ પામની વાવેતરની સામગ્રી માટે કરવામાં આવી છે અને તેમાં હેક્ટર દીઠ રૂપિયા 12,000થી રકમ વધારીને હેક્ટર દીઠ રૂપિયા 29,000ની સહાયતા કરવામાં આવી છે. વધુમાં, નોંધપાત્ર વધારો જાળવણી અને આંતર- પાક હસ્તક્ષેપો માટે કરવામાં આવ્યો છે.
દેશમાં વાવેતરની સામગ્રીની અછતને પહોંચી વળવા માટે, ભારતના બાકીના વિસ્તારમાં બીજના બગીચાઓને 15 હેક્ટર માટે 80 લાખ સુધીની સહાયતા આપવામાં આવશે જ્યારે આંદામાનના વિસ્તારોમાં તેમજ પૂર્વોત્તરના પ્રદેશોમાં 15 હેક્ટર માટે રૂપિયા 100 લાખની સહાયતા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ભારતના બાકીના વિસ્તારોમાં બીજના બગીચાઓ માટે રૂપિયા 40 લાખના હિસાબે અને પૂર્વોત્તર તેમજ આંદામાનના પ્રદેશો માટે રૂપિયા 50 લાખની સહાયતા આપવામાં આવશે.