SURAT

મોટા જ્વેલર્સ પણ સુરતની જનતાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યાં હોવાનું અનુમાન

સુરત : મહિધરપુરા પોલીસે જીઆઇએ સર્ટિફિકેટ (GIA Certificate)થી હીરાના કૌભાંડ (Diamond scam)માં એક વેપારી (Merchant)ને પકડી પાડ્યો છે. આ વેપારીની પૂછપરછમાં વેપારીની સાથે કેટલાક મોટા જ્વેલર્સ પણ સુરત (Surat)ની જનતાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યાં હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. કાચા માલમાં સર્ટિફિકેટના આધારે નંબર લખીને ઓરિજિનલ તરીકે વેચવાના આ કૌભાંડમાં આગામી દિવસોમાં તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મહિધરપુરા પોલીસે કતારગામમાં રહેતા ધર્મેશ વિસાભાઇ પટેલને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી એક જીઆઇએ (જીઓલોજિકલ ઇન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા)નું સર્ટિફિકેટ મેળવી લીધું હતું. પોલીસે ધર્મેશની સામે અટકાયતી પગલા ભરી તેનું નિવેદન લીધું હતું અને 11 લાખની કિંમતનો સામાન પણ કબજે લીધો હતો. પોલીસની પૂછપરછમાં ધર્મેશે સુરતના કેટલાક જ્વેલર્સની પાસેથી ઓરિજિનલ જીઆઇએ સર્ટિફિકેટ મેળવી લીધાં હતાં. આ સર્ટિફિકેટ ઉપર હીરાનો નંબર લખેલો હતો. ત્યારબાદ ધર્મેશ બજારમાંથી રફ હીરાની ખરીદી કરીને તેને તૈયાર કરાવતો હતો.

ત્યારબાદ લેસર મશીનના આધારે સર્ટિફિકેટ ઉપર લખેલો નંબર હીરામાં લખીને તેને ફરીવાર જ્વેલર્સમાં જ વેચતો હતો. આવી રીતે ધર્મેશ અનેકવાર હીરા વેચ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે સુરતના જ્વેલર્સ પોતાના ગ્રાહકોને જે હીરાની જ્વેલરી વેચતા હતાં તેમાં કોઇ સર્ટિફિકેટ આપતા ન હતાં. ત્યારબાદ ધર્મેશ આ જ સર્ટિફિકેટ મેળવીને તેના નંબરના આધારે હીરા તૈયાર કરાવીને વેચી નાંખતો હતો. ધર્મેશ પટેલની સાથે અનેક મોટા જ્વેલર્સ પણ આ કૌભાંડમાં સંડોવાયા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ બાબતે જો તપાસ કરવામાં આવે તો અનેક જ્વેલર્સ પોલીસના સણસામાં ફીટ થાય તેમ છે.

સિન્થેટિક ડાયમંડને ઓરિજિનલ તરીકે વેચી દેવાતા હોવાની પણ શંકા

સુરતમાં અબજો રૂપિયાનો હીરાનો વેપાર થાય છે. તેમાં ધર્મેશ પટેલ જેવા ચીટરો ડુપ્લિકેટ હીરાને ઓરિજિનલ હીરા તરીકે બતાવીને લાખો-કરોડો રૂપિયા ખંખેરી લે છે. ક્યારેક તો સિન્થેટિક ડાયમંડને ઓરિજિનલ ડાયમંડ તરીકે પણ દર્શાવીને વેચી દેવાતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ધર્મેશ પટેલ પોતાની સાથે અન્ય ગ્રૂપ સાથે રાખીને આ કૌભાંડ કરતો હોવાનુ અનુમાન વ્યક્ત કરાયું છે.

Most Popular

To Top