Charchapatra

દહેજ પ્રથા સામે કેરળના રાજ્યપાલ લડયા, આપણે ય લડવું જોઇએ

કેરાલા રાજયના કોલ્લામ્‌ જિલ્લામાં વિસ્મય નામની એક આયુર્વેદ શાસ્ત્રની તબીબી વિદ્યાર્થિનીએ સાસરી પક્ષ દ્વારા દહેજ મુદ્દે થયેલ સતામણી વિશે ફરિયાદ કરી એ પછી રહસ્યમય સંજોગોમાં એ પતિગૃહથી મૃત હાલતમાં મળી આવી હતી. દેશના સૌથી વધુ શિક્ષિત મનાતા કેરળમાં આ ડોકટર મહિલાના રહસ્યમયી મોત સામે વિરોધો થયા અને જનજાગૃતિ નિર્માણ થઇ. કેરળના રાજયપાલ આરિફ ખાને વિસ્મયના પરિવારજનની મુલાકાત લીધી અને દહેજના આ સામાજિક દૂષણ સામે જાગૃતિ નિર્માણ કરવા અને મહિલાઓ પરના અત્યાચાર નિવારવા માટેના પ્રયાસ રૂપે એક દિવસના ઉપવાસ પણ કર્યા હતા.

કોઇ રાજયપાલે આવા સામાજિક કારણોસર ઉપવાસ કર્યા હોય એવું કેરળના ઇતિહાસમાં આ પ્રથમ વાર બનેલ છે. રાજયપાલે સાર્વજનિક હિતમાં કાર્યરત રહેતા સ્વૈચ્છિક સંગઠનોને દહેજના દૂષણ વિરોધી સામાજિક જાગૃતિ ફેલાય એ માટે વિશેષ ચળવળ શરૂ કરવાનો પણ અનુરોધ કરેલ છે જે આવકાર્ય હોઇ અભિનંદનને પાત્ર છે. કેરળના બંને વિપક્ષી કોંગ્રેસ અને ભાજપે રાજયપાલના આ ગાંધીવાદી પગલાને ટેકો આપેલ છે.

દહેજની આ ઘટનાના પ્રતિભાવરૂપે કેરળ સરકારે પણ દહેજ વિરુધ્ધ કડક વલણ અપનાવીને આદેશ કરેલ છે કે જે પુરુષ કર્મચારીના લગ્ન થઇ રહ્યા હોય તેણે એક મહિનામાં એફીડેવીટ આપવી પડશે કે તેણે દહેજ લીધું નથી. આ એફીડેવીટ પર કર્મચારીની પત્ની, પિતા, સસરા અને જમાઇના હસ્તાક્ષર હશે. દેશનાં અન્ય રાજયો માટે અનુકરણીય છે. રાજયની સામાજિક સંસ્થાઓએ દહેજના વર્ષો જૂના દૂષણ સામે સામાજિક જાગૃતિ ફેલાવવાના વધુ કાર્યક્રમો આપીને સક્રિય થવાની જરૂર છે. જ્ઞાતિઓનાં સર્વે સંગઠનો પણ પરિવાર માટે નુકસાનકારક બની રહેલ આ દહેજના દૂષણ સામે જરૂરી નિર્ણયો દ્વારા મદદરૂપ બની શકે એમ છે. અમદાવાદ         – પ્રવીણ રાઠોડ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top