સુરતના અગ્રવાલ સમાજના મોભી અને અગ્રસેનભવનમાં ફાઉન્ડરના પુત્ર એવા પાંડેસરા જીઆઈડીસીના જાણીતા બંધુઓએ 50 કરોડથી વધુની નાદારી નોંધાવતા બેંક ઓફ બરોડાએ પોતાનું ધિરાણ સલામત કરવા પાંડેસરાની ચાર દાયકા જૂની મિલનો કબ્જો લઇ લીધો હતો. બેંક ઓફ બરોડાના અધિકારીઓ આજે પોલીસ બંદોબસ્ત સાથે પાંડેસરા જીઆઇડીસીમાં આવ્યા હતા અને તેમણે શ્યામભાઇ અને તેમના બે ભાઇઓની સંયુક્ત માલિકીની મિલમાંથી બહાર કાઢી બિનજરૂરી સામાન ફેકી દઇ મિલનો પ્રત્યક્ષ કબ્જો પંચનામું કર્યા પછી મેળવી લીધો હતો અને તે પછી મિલમાં બંદુકધારી ખાનગી સ્ટાફ ગોઠવી દીધો હતો. આ ઘટનાને લઇ દિવસભર ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચર્ચા જાગી હતી.
છેલ્લા એક દાયકાથી આ ત્રિપુટી બંધુ આર્થિક સંકળામણમાં સંપડાયા હતા. ભૂતકાળમાં યાર્ન મેન્યુફેક્ચરિંગનું યુનિટ તીવ્ર સ્પર્ધા વચ્ચે શરૂ કરતા તેમા કરોડોની ખોટ ગઇ હતી. તે પછી પાંડેસરા જીઆઇડીસીની ડાઇસ કેમિકલ બનાવતી જાણીતી કંપનીમાં ભાગીદારી કરી હતી. પરંતુ યાર્ન મેન્યુફેક્ચરિંગ યુનિટનું દેવુ ચુકતે કરવા ભાગીદારીમાંથી છૂટા થયા હતા. અનેક લોકો પાસે વ્યાજે નાણા લીધા હોવાથી કીમમાં આવેલું યુનિટ પણ વેચાઇ ગયુ હતુ. ઉધના દરવાજા ખાતે આવેલી પ્રોપર્ટી પર લેણદારો અને બેંકોએ કબ્જો કરી લીધો હતો. આ બંધુઓએ લીધેલા ધિરાણને લીધે રિંગરોડની ફાઇનાન્સિયલ બેંક પણ આઠથી દસ વર્ષ અગાઉ ભીંસમાં આવી હતી. જોકે બેંકના એક મોટા ગજાના હોદ્દેદારે નાણાકીય પ્રોવિઝન કરી દેતા બેંકની લિક્વિડિટી જળવાઇ રહી હતી.
ફોસ્ટાના એક ડિરેક્ટર અને તેમના પુત્રો આશરે 40 લાખનું યાર્નની ખરીદી કરી હતી અને તેના અવેજમાં આપેલો ચેક બાઉન્સ થઇ ગયો હતો. તેને લીધે નાણાકીય ભીંસમાં મુકાયેલા આ ડિરેક્ટરના બન્ને પુત્રોને નોકરી કરવાનો વારો આવ્યો હતો. એવી જ રીતે સંપત્તિના વેચાણમાં પણ એક કરતા વધુ લોકોને સાટાખત કરી દીધા હોવાથી ફલેટ સહિતની સંપત્તિ ખરીદનારાઓ પણ ભેરવાયા છે. અગ્રવાલ સમાજના આ આગેવાનના હાથે સમાજના અન્ય વેપારીઓ પણ છેતરાયા છે. બેંક ઓફ બરોડાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાંબા સમયથી મિલમાલિકે ધિરાણ અને વ્યાજની રકમ નહીં ચુકવી મિલ અને મશીનરી વેચવા માટે કાઢતા બેંકે ધિરાણ સલામત રાખવા આ કાર્યવાહી કરી છે.