Madhya Gujarat

વૃક્ષો અને વનોમાં પરમાત્માના દર્શન થાય છે : પંકજ દેસાઇ

મલેકપુર : મહીસાગર જિલ્લાના લુણાવાડા નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી ફોરેસ્ટ કેમ્પસના પટાંગણ ખાતે ૭૨માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૧ની ઉજવણી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને મહાનુભાવોએ દિપ પ્રાગટય કરી ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય દંડક દેસાઇએ વેદાંત કાળથી સ્થાપિત થયેલ વૃક્ષ અને વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, વૃક્ષની અગત્યતા અને માન્યતા આધુનિક યુગમાં પણ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષો અને વનોમાં પરમાત્માના દર્શન થાય છે. ગુજરાતના પનોતા પુત્ર સ્વ. કનૈયાલાલ માણેકલાલ મુન્શી વનમહોત્સવના પ્રણેતા હતા. તેમને વૃક્ષ ઉછેર પ્રત્યે ઘણો જ લગાવ હતો.

ભારત દેશ આઝાદ થયા પછી કનૈયાલાલ માણેકલાલ મુન્શી સંસદમાં કૃષિ અને અન્ન પ્રધાન હતા. તેમણે ૧૯૫૦ના વર્ષથી વન મહોત્સવ ઉજવણીની કરેલી શરૂઆતને આજે ૭૨ વર્ષ થયા છે.વન અને વન ઔષધીઓથી ભરપુર એવા મહીસાગર જીલ્લાના વનોને કારણે મહીસાગર જીલ્લાનું મહત્વ ખુબજ અનેરું છે. આ વર્ષે મહિસાગર જીલ્લામાં ૨૫.૯૩ લાખ રોપા રોપવાના નક્કી થયેલા લક્ષાંક મુજબ વન વિભાગ દ્વારા જીલ્લાના અન્ય વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વાવેતર કરીને ૧૦૦ % જેટલી સિધ્ધિ હાંસલ કરીને ખુબ જ સારું વનીકરણનું કામ કરેલ છે. રોડ સાઈડ વાવતેર, કેનાલ સાઈડ વાવેતર, રેલ્વે સાઈટ વાવતેર, ગ્રામવન પિયત તથા બિનપિયત તથા ખેડુતોના ખેતરમાં શેઢેપાળે વૃક્ષ વાવતેર જેવી વિવિધ વાવેતરોની યોજનાઓ હેઠળ નકકી થયેલ ૫૮૩ હેકટર વાવેતરનો લક્ષાંકના સામે ૪૬૧ હેકટર વિસ્તારમાં વાવતેરની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ ૨૦૨૧ દરમ્યાન મહિસાગર જિલ્લામાં કુલ ૩૩.૪૭ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. આ વર્ષે કોરોનાકાળની ગંભીરતા જોતા વિવિધ ખાલી જગ્યાઓમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક નિર્માણ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ ૧૧૯ ગામોમાં ગ્રામ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આગામી વર્ષોમાં પણ ખાલી પડેલી દરેક જમીનોમાં સામાજિક વનીકરણના સહયોગથી સર્વે ખેડૂત મિત્રો આર્થિક સહાયરૂપ નીવળે તેવા વૃક્ષોનું વાવેતર કરી જિલ્લાને હરિયાળું બનાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે ગ્રીન ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા અપીલ કરી હતી. 

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સંતરામપુર ધારાસભ્ય ડો.કુબેરભાઇ ડીંડોરએ વધુ વૃક્ષો વાવી આપણને આપણા પર્યાવરણની સમતુલા જાળવવા અપીલ કરી હતી. આ ઉપરાંત પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, જિલ્લા સમાહર્તા ડો. મનીષકુમાર, ગોધરા વન વિભાગ નાયબ વન સંરક્ષક એમ.એલ. મીના,  નાયબ વન સંરક્ષક આર.બી. પટેલ, લુણાવાડા નગરપાલિકા પ્રમુખ બ્રિન્દાબેન શુક્લ, લુણાવાડા તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ જે.પી.પટેલ, મૂળજીભાઈ રાણા, અજયભાઈ દરજી વિગેરે મહાનુભાવો હાજર રહ્યાં હતાં.

Most Popular

To Top