Madhya Gujarat

નડિયાદમાં નહેરનું પાણી રેલવે બ્રિજના પેરાફીટ સુધી પહોંચ્યું

નડિયાદ: નડિયાદ શહેરમાંથી પસાર થતી મોટી નહેરમાં શનિવારે બપોરના સમયે એકાએક જળસ્તર વધી ગયું હતું. રેલ્વે બ્રિજના પેરાફીટ સુધી પાણીનું સ્તર આવી જતાં, રેલ્વેના કર્મચારીઓ અને સ્થાનિકોએ આ બાબતે તુરંત જ તંત્રનો સંપર્ક સાધ્યો હતો. સફાળા જાગેલા તંત્રએ બાદમાં જળસ્તર ઓછું કર્યું હતું. નડિયાદ શહેરના સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થતી કેનાલમાં પાણીનું સ્તર વધી જતાં સ્થાનિકો અને કર્મચારીઓ ચિંતીત બન્યા હતા.

ફાટક નંબર ૨૭૨ પાસે કેનાલનું પાણી લગોલગ અડી ગયું હતું. જેને લઇને તુરંત જ રેલ્વે ફાટક પર ફરજ બજાવતા કર્મચારીઓ અને સ્થાનિકો દ્વારા નહેર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં નહેર વિભાગ દ્વારા પાણીનું લેવલ કાપવામાં આવ્યું હતું. સ્થાનિકો અને રેલ્વે કર્મચારીઓની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલ્વે બ્રિજની પેરાફીટને પાણી અડી જતાં કર્મચારીઓ એલર્ટ થઇ ગયા હતા.

Most Popular

To Top