શહેરની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત છ ગ્રાન્ટેડ કોલેજને સરકારે પ્રાઇવેટ યુનિ. સાથે ભેળવી દેતાં વિતેલા કેટલાય દિવસથી સુરત સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતમાં વિવાદનો રોષ ભભૂકી ઊઠ્યો છે. સુરત શહેરની સો વરસ કરતાં વધુ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને પ્રાઇવેટ યુનિ.નો દરજજો આપવા સાથે રાજ્ય સરકારે જૂની વિરાસતસમાન ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિ.માં ભેળવી દેતાં વિવાદ ચગ્યો છે. સોસાયટીના સંચાલકો સહિત ટીચર્સ આ મામલે સતત દેખાવો કરી રહ્યા છે. શનિવારે આ અંગે એમટીબી આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળની કારોબારી સભા મળી હતી.
આ કારોબારી સભામાં અલગ અલગ કોલેજના એલ્યુમિનિ એસોસિયેશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં એમટીબી કોલેજમાંથી કદીરભાઇ પીરઝાદા, નૈષધ દેસાઇ, વી.ટી.ચોકસી લો કોલેજમાંથી એડ્વોકેટ અને સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારી સહિત પી.ટી.સાયન્સ કોલેજમાંથી ધંનજય દેસાઇ અને કેતન દેસાઇ સહિત બ્રિજેશ બોઘાવાલા હાજર રહ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતાં કદીર પીરઝાદાએ કહ્યું હતું કે, સરકારે સો વરસ જૂની સંસ્થાને અન્યાય ન કરવો જોઇએ. આ સંસ્થા હેઠળની ગ્રાન્ટેડ કોલેજમાં પાંચ હજાર કેન્ડિડેટ્સ અભ્યાસ કરે છે. જો તેમને પ્રાઇવેટ યુનિ.સાથે જોડી દેવાશે તો ભવિષ્યમાં તેમના કરિયર અને શિક્ષણ ઉપર માઠી અસર થશે. જેથી સરકારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની છ ગ્રાન્ટેડ કોલેજને નર્મદ યુનિ.સાથે એફિલિયેટ રાખવી જોઇએ. આ માટે તેમણે આગામી દિવસોમાં સરકાર સામે જંગ છેડવા પણ તૈયારી કરી છે.
એમટીબી આર્ટસ કોલેજમાં 70 ટકા ટ્રાયબલ ઉમેદવારોને અન્યાય
એમટીબી આર્ટસ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના આગેવાન કદીર પીરઝાદાએ કહ્યું હતું કે, એમટીબી આર્ટસ કોલેજ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. આ સંસ્થામાંથી સેંકડો લોકોએ શિક્ષણ લઇ અલગ અલગ ફિલ્ડમાં કાઠું કાઢ્યું છે. વળી, આ સંસ્થામાં નજીવી ફી સાથે ઘણા ઉમેદવારો પ્રવેશ લે છે. હાલના સંજોગોમાં એમટીબી આર્ટસ કોલેજમાં 70 ટકા ટ્રાયબલ ઉમેદવારો અભ્યાસ કરે છે. જો આ સંસ્થાઓનું ખાનગીકરણ થઇ જશે તો સેંકડો લોકોનું શિક્ષણ બગડશે.
અસરગ્રસ્ત છ કોલેજના આચાર્ય તથા એલ્યુમિનિ સહિત સોસાયટી હોદ્દેદારો સાથે પણ ચર્ચા
એમટીબી આર્ટસ કોલેજના એલ્યુમિનિ એસોસિયેશનના આગેવાન કદીર પીરઝાદાએ કહ્યું હતું કે, સાર્વજનિક પ્રાઇવેટ યુનિ. સાથે જોડી દેવાયેલી છ ગ્રાન્ટેડ કોલેજના અસરગ્રસ્ત ટીચર્સ સહિત આચાર્યો પણ શનિવારે એકમંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. અને સરકારનાં પગલાં સામે વિરોધ દર્શાવી ઠરાવો પણ પસાર કરાયા હતા. સોસાયટીના હોદ્દાદારો પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એ સિવાય છએ છ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળના સભ્યો, માજી જી.એસ. સહિત આગેવાનો હાજર રહ્યા હતા.