સુરત: વિતેલા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને પગલે પાટા ઉપરથી ઉતરી ગયેલા શિક્ષણતંત્રને રાબેતા મુજબ કરવા મથામણ શરુ થઇ ગઇ છે. સરકારે તબક્કાવાર શાળા અને કોલેજો શરુ કરી દીધી છે. અને ધીરે ધીરે ડાયરેકટ એજયુકેશનની પ્રથા આગળ ધપાવી છે. કોરોનાને લીધે આ વર્ષે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બે વખત લંબાવ્યા પછી પણ વિદ્યાર્થીઓમાં એડમિશન માટે કોઇ જ ઉત્સુકતા જોવા મળી નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.
કારણ કે, સરકારે આ વર્ષે માસ પ્રમોશન જાહેર કરી દીધુ હતું. ગુજરાત રાજય શિક્ષણ બોર્ડની રાજયવ્પાપી પરીક્ષાઓમાં ધોરણ-10 તેમજ ધોરણ-12માં માસ પ્રમોશન જાહેર કરાયું હતું. બોર્ડે કોરોનાને લીધે પરીક્ષા પડતી મૂકી હતી. જેને પગલે ગુજરાતમાં ડચકાં ખાઇ રહેલી સેંકડો ઇજનેરી કોલેજોને જીવતદાન મળે તેવો આશાવાદ વ્યકત કરાયો હતો.
ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધશે તેવી શક્યતા હતી. જેને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવતા ફરી ઇજનેરી કોલેજો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે.