Business

નકલી રાષ્ટ્રવાદમાં માનવતાવાદ ખોવાઈ ગયો છે

રશિયા અને તુર્કી વચ્ચે 1877 અને 78 વચ્ચે યુદ્ધ થયું, ત્યારે તુર્કીના મિત્રદેશ બ્રિટનમાં દારૂના પીઠામાં એક ગીત ફેમસ થયું હતું:

  • વી ડોન્ટ વોન્ટ ટુ ફાઇટ બટ બાય જિંગો ઇફ વી ડુ,
  • વી હેવ ગોટ ધ શીપ્સ, વી હેવ ગોટ ધ મેન,
  • વી હેવ ધ મની ટુ,
  • વી હેવ ફોર ધ બેર બીફોર, એન્ડ વ્હાઇલ
  • વી આર બ્રાઇટન ટ્રુ
  • ધ રશિયન્સ શેલ નોટ હેવ કોન્સ્ટીન્ટેનોપલ.

એનો મતલબ એવો થાય કે, “અમારી પાસે બહુ તાકાત છે અને અમારે લડવાની ઇચ્છા નથી, પણ લડવાની ફરજ પડી, તો કોન્સ્ટેન્ટીનોપલને બચાવવા માટે અમે લડીશું ખરા પણ અમારી એ લડાઇ કટ્ટર અને અંધરાષ્ટ્રવાદ (જિંગો)થી ભરેલી હશે.” 1878માં જ્યોર્જ હોલીઓક નામના એક કટ્ટર બ્રિટિશરે ડેઇલી ન્યૂઝ નામના સમાચારપત્રને એક પત્ર લખ્યો હતો. તેમાં એણે આ ‘જિંગો’ શબ્દ પરથી જિંગોઇઝમ નામનો શબ્દ પ્રયોજ્યો હતો. જિંગોઇઝમના ઘણા અર્થ થાય છે- જેમ કે, દેશાહંકાર, કોમપરસ્તી, યુદ્ધપ્રિયતા અથવા અંધરાષ્ટ્રવાદ.

એક વ્યક્તિ પોતાના વતન, પોતાની સંસ્કૃતિ અને પોતાની ભાષાની સાથે પોતાની ઓળખ બતાવે અથવા લગાવ વ્યક્ત કરે એ રાષ્ટ્રવાદ છે. કેટલાક લોકોને આ વાત સીમિત લાગે છે અને તેઓ કહે છે કે પોતાના દેશ માટે ‘મુસીબત’ સમાન લોકો અથવા દેશને પાઠ ભણાવવા એ જ સાચો રાષ્ટ્રવાદ છે. આ અતિ-રાષ્ટ્રવાદ અથવા જિંગોઇઝમ છે.

રાષ્ટ્રવાદના ઝનૂનની ખૂબી એ છે કે કોઇ વ્યક્તિમાં ધોરણસરની વિચારશક્તિ ન હોય, માનવજીવનની જટિલતાની સરખી સમજ ન હોય અને ઇતિહાસનો જરાય બોધ ન હોય તો પણ તે ઝનૂનના નામ પર રાષ્ટ્રવાદને સમજવાનો દાવો કરી શકે છે. મોટાભાગે આ નકલી રાષ્ટ્રવાદ હોય છે કારણ કે એમાં ઝનૂન બતાવ્યાના સંતોષ સિવાય કશું નક્કર કામ હોતું નથી. જૂના જમાનામાં સામંતવાદી લોકો હતા, જે કોમપરસ્તીના નામે એમના ચુલા સળગતા રાખતા હતા. આજે તમને કોઇ એવો રાષ્ટ્રવાદી નહીં મળે જે ઘર બાળીને તિરથ કરતો હોય. એ પ્રજાતિમાં કદાચ ગાંધીજી અંતિમ રાષ્ટ્રવાદી હતા. તેમણે રાષ્ટ્રના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું.

રાષ્ટ્રવાદ નાનું અથવા અલ્પ દર્શન છે, માનવતાવાદ મોટું દર્શન છે પરંતુ માનવતાવાદ વ્યવહારિક સ્તરે એટલો સફળ થતો નથી કારણ કે દુનિયામાં મોટાભાગના લોકો અચ્છા ઇન્સાન બની જાય તો પણ નપાવટ લોકો દુનિયાને ચાલવા નથી દેતા એટલે તેમને પાઠ ભણાવવો જરૂરી બની જાય છે. તેમાં મુશ્કેલી ત્યારે આવે જ્યારે દુશ્મન કોણ છે અને કેવી રીતે છે તેની વ્યાખ્યા મનસ્વી રીતે થવા લાગે.

રાષ્ટ્રવાદનો મતલબ નફરત નથી. આ સમજવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. જ્યાંથી રાષ્ટ્રવાદ આવ્યો તે પશ્ચિમમાં પ્રથમ વિશ્વ યુદ્ધનો પાયો જ નફરતમાં હતો. સર્બિયાના લોકો ઓસ્ટ્રો-હંગેરીયનોને નફરત કરતા હતા. ઓસ્ટ્રો-હંગેરીયનો રશિયનનોની ઘૃણા કરતા હતા. રશિયનો જર્મન લોકોના લોહીના તરસ્યા હતા અને જર્મનોને ફ્રેન્ચ પસંદ ન હતા. આમાં ઇટલી પણ કૂદ્યું કારણ કે અંગ્રેજો પૂરી દુનિયાના લોકોને નફરત કરતા હતા. નફરતની આ ચિનગારી સળગી એટલે બધા એકબીજા સાથે લડવા લાગ્યા.

બીજા વિશ્વયુદ્ધમાં હિટલરે આ નફરતની આગમાં પૂરા યુરોપ અને અમેરિકાને ઝુલસી દીધું તે પછી યુરોપની ઇલાકાઇ ઓળખ સમાપ્ત થઇ ગઇ અને યુરોપિયનોનો એક એવો સમૂહ બન્યો જે નફરતને બદલે સહકાર અને રાષ્ટ્રવાદના બદલે સીમાઓનું અરાષ્ટ્રીયકરણ ઇચ્છતો હતો. આમાંથી તો આપણે કશું શીખ્યા નહીં અને જે શીખ્યા એય ખોટું શીખ્યા. પશ્ચિમમાં તો એક દેશના લોકો બીજા દેશના લોકોને નફરત કરતા હતા. આપણા નકલી રાષ્ટ્રવાદીઓ પોતાના જ લોકોની વિરુદ્ધ છે.

યુરોપ જ્યારે રાષ્ટ્રવાદની આગમાં ઝુલસી રહ્યું હતું ત્યારે લેખક જ્યોર્જ ઓરવલે એક નિબંધમાં લખ્યું હતું કે, “રાષ્ટ્રવાદની ભેળસેળ દેશભક્તિ સાથે ન કરવી જોઇએ. આ બંને ભિન્ન અને વિરોધી વિચારો છે. દેશભક્તિનો મતલબ એક ચોક્કસ ઇલાકા સાથે, એક ચોક્કસ જીવનશૈલી સાથે છે જે તમારી દૃષ્ટિએ દુનિયામાં શ્રેષ્ઠ છે પણ તમે બીજી વ્યક્તિ પર થોપતા નથી. બીજી તરફ રાષ્ટ્રવાદનો મતલબ બીજી વ્યક્તિ પર સત્તા જમાવવાનો છે.”

આપણે રાષ્ટ્રવાદનો અસલી અર્થ ગુમાવી દીધો છે. નાનપણમાં આપણને રાષ્ટ્રગાનનો સૂર કાનમાં પડતાં જ સહસા ટટ્ટાર ઊભા થઇ જવાનું અને ફેફસામાં હવા ભરીને મુઠ્ઠીઓ ભીંસી દેવાનું શિખવાડાયું હતું. એ ભીંસાયેલી મુઠ્ઠીઓની છાપ એટલી ગહેરી હતી કે આજે પણ રાષ્ટ્રગાનનો શબ્દ કાનમાં વાગે તે સાથે જ એ ઝનૂન આપણને ઘેરી વળે છે પરંતુ બચપણનું એ ભોળપણ એટલું મજબૂત રહ્યું નથી એટલે ક્યારેક સવાલો પણ થાય છે:

રાષ્ટ્રગાન માટે ઊભા થઇ જવાથી શું ફર્ક આવી જશે? શું આપણે ઓછા બેઇમાન અને ઓછા લંપટ બની જઇશું? આપણે સ્ત્રીઓની ઇજ્જત કરતા શીખી જઇશું? આપણે એસ.ટી.બસની રેક્ઝિનની સીટ પર બ્લેડ ચલાવવાની મસ્તી બંધ કરી દઇશું? બસ-ટ્રેનમાં વગર ટિકિટે ઘૂસ મારવાનું બંધ કરી દઇશું? રાષ્ટ્રપ્રેમનો આ નકલી દેખાડો શા માટે અને કોના માટે? આપણને ગલીના આંધળા-બહેરા કે ઘરના બુઝુર્ગ સાથે તમીજથી વાત કરતા આવડતું નથી તો પછી રાષ્ટ્રગાનના નકલી સન્માનમાં છાતી ફુલાવીને ઊભા થઇ જવાનો શું મતલબ?

Most Popular

To Top