Business

અનામત પ્રથા માટે બ્રિટીશરો જવાબદાર છે

અંગ્રેજો દ્વારા ભારતમાં ‘ભાગલા પાડો અને રાજ કરો’ની જે નીતિ અખત્યાર કરવામાં આવી હતી તેનું એક અગત્યનું હથિયાર અનામત પ્રથા પણ હતી. ગુજરાતમાં પાટીદારો અને મહારાષ્ટ્રમાં મરાઠાઓ દ્વારા અનામતની માંગણીને કારણે જે વિક્ષોભનું વાતાવરણ પેદા થયું છે તેના સંદર્ભમાં અંગ્રેજોએ હિન્દુ સમાજમાં ફાટફૂટ ઊભી કરવા માટે અનામત પ્રથાનો કેવી રીતે ઉપયોગ કર્યો તે સમજવાની જરૂર છે. ભારતમાં હજારો વર્ષોથી જ્ઞાતિપ્રથા અસ્તિત્વમાં હતી, જેમાં પ્રારંભમાં વ્યક્તિના વ્યવસાયને આધારે તેની જ્ઞાતિ નક્કી કરવામાં આવતી હતી. સમય જતાં જન્મના આધારે જ્ઞાતિઓ નક્કી થવા લાગી, ત્યારથી ઊંચનીચના ભેદભાવો પેદા થયા હતા. આ ભેદભાવો નાબુદ કરવાને બદલે તેને મજબૂત બનાવીને પ્રજામાં ભાગલા પાડવા અંગ્રેજો દ્વારા અનામતની નીતિ ઘડી કાઢવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં અંગ્રેજોના પ્રભાવ હેઠળ જ્યોતિબા ફૂલેની આગેવાની હેઠળ દલિતોને શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અગ્રિમતા અપાવવા માટેનું આંદોલન ચાલતું હતું. કોલ્હાપુરના છત્રપતિ શાહુ મહારાજે છેક ઇ.સ.૧૯૦૨માં કોલ્હાપુર રાજ્યની નોકરીમાં બ્રાહ્મણ સિવાયની પછાત જાતિઓ માટે ૫૦ % બેઠકો અનામત રાખવાની જાહેરાત કરી હતી. ઇ.સ. ૧૯૦૮માં ખુદ બ્રિટીશ સરકારે સરકારી નોકરીઓમાં અમુક ટકા બેઠકો પછાત જાતિઓ માટે અનામત રાખવાનો પ્રારંભ કર્યો હતો. ઇ.સ. ૧૯૩૩માં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન રામઝી મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડ તરીકે જાણીતી થયેલી યોજના જાહેર કરવામાં આવી હતી.

આ યોજના મુજબ ભારતમાં વસતા મુસ્લિમ, શીખ, ક્રિશ્ચિયન, એંગ્લો ઇન્ડિયન અને હિન્દુ સમાજના દલિતો માટે અલગ મતદારક્ષેત્રો ઊભા કરવામાં આવ્યા હતા. દરેક પ્રાંતની વિધાનસભાઓમાં આ કથિત લઘુમતીઓ માટે અનામત બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં જે-તે સમાજના મતદારો જ મતદાન કરી શકતા હતા. કોમ્યુનલ એવોર્ડમાં હિન્દુ દલિતોને સ્થાન આપવા પાછળ અંગ્રેજોની સ્પષ્ટ ગણતરી હિન્દુ સમાજમાં પણ ફાટફૂટ પડાવવાની હતી. ગાંધીજીને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો, માટે તેમણે દલિતો માટે અનામત મતદારક્ષેત્ર સામે ઉપવાસ કર્યા હતા. છેવટે ગાંધીજી અને ડો. આંબેડકર વચ્ચે પૂના કરાર થયા હતા, જેમાં દલિતોને હિન્દુ મતદાર સંઘોમાં અલગ ક્વોટા ફાળવવામાં આવ્યા હતા.

        ઇ.સ. ૧૯૩૫માં ભારતનો વહીવટ કરવા માટે જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઘડવામાં આવ્યો તેમાં પહેલી વખત શેડ્યુલ્ડ કાસ્ટ (અનુસૂચિત જાતિ) શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  ઇ.સ. ૧૯૪૨માં કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ભારત છોડો ઝુંબેશ શરૂ કરવામાં આવી અને તેના નેતાઓ જેલમાં ગયા ત્યારે ડો. આંબેડકરે બ્રિટીશ સરકારને ટેકો આપ્યો હતો અને તેઓ બ્રિટીશ વાઇસરોયના પ્રધાનમંડળમાં સામેલ પણ થઇ ગયા હતા. તેમણે ઇ.સ. ૧૯૪૩માં દલિતો માટે સરકારી નોકરીઓમાં આરક્ષણની અને શિક્ષણમાં સ્કોલરશિપની માગણી બ્રિટીશ સરકારમાં મંજૂર કરાવી દીધી હતી.

ઇ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તેનાં એક વર્ષ પહેલાં જ સ્વતંત્ર ભારતનું નવું બંધારણ ઘડવાનો પ્રારંભ થઇ ગયો હતો. જવાહરલાલ નેહરુએ પોતાના કાયદા પ્રધાન તરીકે ડો. આંબેડકરની વરણી કરીને નવાં બંધારણની રચનાનું કામ પણ તેમને જ સોંપ્યું હતું. ડો. આંબેડકરે ભારતનાં બંધારણમાં જ બ્રિટીશરો દ્વારા દાખલ કરવામાં આવેલી અનામત પ્રથા કાયમ કરી નાખવાનું નક્કી કરી લીધું હતું. જોકે જવાહરલાલ નેહરુ અનામતના વિરોધી હતા. ભારતનાં બંધારણની ૧૫મી કલમ મુજબ દેશના નાગરિકો વચ્ચે જાતિ, ધર્મ, ભાષા, લિંગ અને પ્રાંતના આધારે ભેદભાવ રાખવાનું પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. ઇ.સ. ૧૯૫૦માં બંધારણ અમલમાં આવ્યું કે તરત સુપ્રિમ કોર્ટમાં જાતિ આધારીત અનામત સામે કેસ કરવામાં આવ્યો, જેમાં ચુકાદો અનામતની વિરુદ્ધમાં આવ્યો. પછાત વર્ગને ખુશ કરવા માટે બંધારણમાં ૧૫ (૪)મી કલમ દાખલ કરીને આરક્ષણને સંરક્ષણ આપવામાં આવ્યું હતું.

ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ આરક્ષણની જોગવાઇ હતી. તેમને કુલ ૨૨ % ના હિસાબે અનામતનો લાભ મળતો હતો. અન્ય ઘણી પછાત જાતિઓને આરક્ષણનો લાભ મળતો નહોતો. આ માટે ઇ.સ. ૧૯૭૯માં મંડલ કમિશનની રચના કરવામાં આવી હતી. ૧૯૩૧ની વસતિગણતરીમાં અન્ય પછાત જાતિઓની વસતિ ભારતની કુલ વસતિના ૫૪ % જેટલી હતી. આ જૂના આંકડાને આધારે મંડલ કમિશને ભારતમાં વસવાટ કરતી ૧૦૫ અન્ય પછાત જાતિઓને ૨૭ % આરક્ષણ આપવાની ભલામણ કરી દીધી હતી.

       મંડલ કમિશને ઇ.સ. ૧૯૮૫માં પોતાનો અહેવાલ સરકારને સુપરત કર્યો ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને શ્રીમતી ઇન્દિરા ગાંધી દેશનાં વડાપ્રધાન હતાં. ઇન્દિરા ગાંધીએ વીંછીનો દાબડો ખોલવાને બદલે મંડલ પંચનો અહેવાલ અભરાઇએ ચડાવી દીધો હતો. ઇ.સ. ૧૯૮૯માં વી.પી.સિંહ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે મંડલપંચના અહેવાલનો અમલ કર્યો ત્યારે દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેને કારણે વી.પી. સિંહની સરકારને રાજીનામું આપવાની ફરજ પડી હતી.  જાતિ આધારીત આરક્ષણે સદીઓ જૂની જાતિપ્રથાને નાબુદ કરવાનું નહીં પણ તેને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. આ પ્રથા દાખલ કરીને ભારતમાં વર્ગવિગ્રહ પેદા કરવાની અંગ્રેજોની ચાલ સફળ થઇ છે. આ પ્રથાનો ત્યાગ કરવામાં આવશે તો જ ભારતની પ્રજામાં એકસંપી સ્થપાશે.

Most Popular

To Top