Entertainment

દિયા મિર્ઝાના હાસ્યને કોઈ મુરઝાવી ન શકે

જેમને અપેક્ષિત સફળતા નથી મળતી તેમણે ટકી રહેવાના પોતાના રસ્તાઓ શોધી લેવા પડે છે. આજકાલ વિકલ્પો ઘણા છે પણ તે માટે કલ્પનાશીલતા અને સાહસ, સંજોગ પણ હોવા જરૂરી છે. (જેઓમાં આ બધી દૃષ્ટિ-શક્તિ ન હોય તે  રાજ કુન્દ્રાના માર્ગે ફસાતા હોય છે) દિયા મિર્ઝા બ્યુટીફૂલ પણ છે, સારી એક્ટ્રેસ  પણ છે પરંતુ છતાં તે દિપીકા પાદુકોણ યા કેટરીના કૈફ, આલિયા ભટ્ટ નથી. કેટલાંકનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે અમુક સીમાથી આગળ ન જ વધી શકે. 

દિયા પોતાની રીતે માર્ગો શોધી રહી છે. તેમાં એક માર્ગ કદાચ લગ્ન પણ હતો પણ પહેલા લગ્ન એ કારણે જ નિષ્ફળ ગયા તો હવે તે બીજા લગ્ન કરી ચુકી છે. લગ્નથી કારકિર્દીના માર્ગ ખૂલે કે બંધ થાય તે દરેક માટે જૂદી રીતે વિચારવું પડે. કાજોલ, માધુરી દિક્ષીત જેવાની કારકિર્દી એકદમ ધીમી પડી ગઈ. ઐશ્વર્યા રાયનું પણ એવું થયું પણ કરીના કપૂરનું એવું ન થયું. જો કે હવે તે વધારે ફિલ્મોમાં સ્થાન પામે એવી રેગ્યુલર અભિનેત્રી નથી રહી. દિપીકા પાદુકોણની કારકિર્દી એ  રીતે આગળ વધી રહી છે કે જાણે પરણી જ ન હોય.

આ ઉપરાંત ‘વાઈલ્ડ  ડોગ’માં નાગાર્જૂન, કેલી દોરજી સત્યે કામ કરી છે. એ ફિલ્મમાં ભારતીય જાસૂસ દેશની સલામતીને જોખમમાં મુકનાર આખા ષડયંત્રને ખુલ્લું પાડે છે. ગયા વર્ષે ‘થપ્પડ’માં અને તે પહેલાં ‘કાફીર’ નામની ટીવી શ્રેણીમાં દેખાયેલી દિયા  રોનિરોય, શબાના આઝમી સાથે ‘મોગલ્સ’ વેબ સિરીઝનો પણ ભાગ બની છે. નિખીલ અડવાણી જો વેબસિરીઝ બનાવતો હોય તો દિયા ના ન પાડી શકે. મુગલ સમ્રાટ બાબરથી ઔરંગઝેબ સુધીની કહાણી તેમાં છે એટલે કે કાબૂલથી  માંડી ભારતની યાત્રા તેમાં છે. આનું કેટલુંક શૂ઼ટિંગ આ વર્ષના જાન્યુઆરીમાં ઉઝબેકિસ્તાનમાં થયું છે.

2021નું વર્ષ તેના માટે જરા જૂદું ગયું છે. આ ફેબ્રુઆરીમાં જ તે વૈભવ રેખી સાથે પરણી. સાહીલ સીંધા સાથેના લગ્ન નિષ્ફળ ગયા પછી સવા વર્ષમાં બીજા લગ્ન કર્યા છે. આ એપ્રિલમાં તે મા બની પણ ઓછા માસે અવતરવાથી દિકરાને બે  મહિના હોસ્પિટલમાં રાખવો પડ્યો. આવી લાગણીગત પછડાટ વચ્ચે તેણે કારકિર્દી સંભાળવાની છે. વર્ષ 2000માં ફેમિના મિસ ઈન્ડિયાની રનર અપ રહેલી દિયા પછી મિસ એશીયા પેસિફિકનું ટાઈટલ જીતી હતી.

પરંતુ આવા  ટાઈટલો કારકિર્દીમાં ઉપકારક બને તો બને. મિસ વર્લ્ડ ને મિસ યુનિવર્સ પણ  ફિલ્મોમાં નિષ્ફળ જાય છે ને કોઈને એવું ટાઈટલ ન મળ્યું હોય તે એકદમ સક્સેસફુલ થાય છે. દિયા કેટલીક ફિલ્મો પછી સમજી ગઈ કે મોટું સ્ટારડમ મળે તેમ નથી એટલે તેણે બોર્ન ફી એન્ટરટેઈન્મેન્ટ નામે કંપની સ્થાપી અને નિર્માત્રી બની ગઈ. ‘લવ બ્રેકપ  ઝિંદગી’ અને ‘બોબી જાસૂસ બનાવી અને તે ઊપરાંત ‘માઈન્ડ ધ  મલ્હોત્રાસ’નામની વેબસિરીઝ બનાવી જે એમેઝોન પ્રાઈમ વિડીયો પર રજૂ થઈ હતી. એ પ્રોડક્શન હાઉસ પૂર્વ પતિ સાથે બનાવેલું એટલે 2019ના અંતમાં તેણે ‘વન ઈન્ડીયા સ્ટોરીઝ’ નામે નવું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. તે શાંત બેસે રહે  તેવી નથી. જર્મન પિતા અને બંગાળી માતાની આ દિકરીની અટક મિર્ઝા એટલા માટે છે કે તેની મમ્મીએ અહમદ મિર્ઝા સાથે બીજી લગ્ન કર્યા છે અને તેણે આ અટક અપનાવી છે. હૈદ્રાબાદની દિયા હવે  પૂરેપૂરી રીતે મુંબઈની ફિલ્મ જિંદગીને જીવે છે. ફિલ્મો નહીં વેબસિરીઝને પણ તેણે અપનાવી છે. અત્યારે તે માનસિક રીતે સ્વસ્થ થવાના પ્રયત્નમાં છે પછી ફરી વેબસિરીઝ બનાવશે.

Most Popular

To Top