Vadodara

પોલીસ તપાસમાં મહિલાએ લૂંટની ઘટના ઉપજાવી કાઢી ખોટી ફરિયાદ નોંધાવ્યાની કબૂલાત કરી

વડોદરા:  વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં સુગમ ડેરીના દૂધના પાર્લરમાં આજે વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ મહિલાને બાનમાં લઇ રૂપિયા 1.50 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હોવાની ફરિયાદ મહિલાએ કરી હતી. જોકે, પોલીસ પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી છે. CCTV ફૂટેજની તપાસ કરતા મહિલાએ લૂંટનું તરકટ રચ્યુ હોવાની પોલીસને પહેલેથી જ શંકા હતી. જે સાચી પડી છે.

મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એ. પટેલે જણાવ્યું હતું કે, મયુરીબહેન રાજેશભાઇ ટેલરે(રહે. વિશાલનગર, તરસાલી) લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબુલાત કરી છે. પરંતુ, તેઓએ લૂંટની ખોટી ફરિયાદ કેમ નોંધાવી, તે અંગે તેઓની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

પીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરીબેને સગા પાસેથી પુત્રને વધુ અભ્યાસ માટે સિંગાપોર મોકલવા માટે દોઢ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 3 થી 4 દિવસ પહેલા સગાએ  પૈસા પરત માગ્યા હતા. મહિલા પાસે રૂપિયાની વ્યવસ્થા થાય તેવી શક્યતા નહોતી, જેથી મહિલાએ ત્રણથી ચાર દિવસનો જે વકરો ભેગો થયો તે વકરાના 1.37 લાખ બરોડા ડેરીમાં ભરવાને બદલે કલ્પેશભાઇને આપી દીધા હતા. જેથી સુગમ ડેરી દૂધ આપવાનું બંધ ન કરે તે માટે મહિલાએ લૂંટ તરકટ રચ્યુ હતું.

જોકે મયુરીબેન ટેલરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે,  દંતેશ્વર વિસ્તારમાં દર્શનમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં સુગમ ડેરીના દૂધનું પાર્લર આવેલું છે. પાર્લરના સંચાલક મયુરીબેન ટેલર રાબેતા મુજબ સવારે 6:30 વાગ્યે પાર્લર ઉપર ગયા હતા અને પાર્લર ખોલતાની સાથે જ બાઇક ઉપર લૂંટારૂઓ ધસી આવ્યા હતા અને સંચાલકને ધમકી આપીને ચાકુની અણીએ બાનમાં લઇને પાર્લરના ગલ્લામાંથી રૂપિયા 1.50 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં તુરંત જ સ્થળ પર દોડી ગઇ હતી. તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા અને પાર્લરના મહિલા સંચાલક પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. બીજી બાજુ પોલીસે પાર્લર પાસેથી CCTV ફૂટેજ મેળવી તપાસ કરતા લૂંટનું તરકટ રચવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવ્યું હતું.

ત્યારે પોલીસે જીણવટ ભરી પુછપરછ કરતા  પૂછપરછમાં મહિલાએ લૂંટની ખોટી ફરિયાદ નોંધાવી હોવાની કબૂલાત કરી હતી. જેથી આગામી દિવસોમાં પોલીસ આ અંગે સરકારી કર્મચારીને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવા બદલ આઇપીસી કલમ ૧૭૭-૧૮ર મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top