સોમવાર તા. 2 જી ઓગસ્ટના મિડીયાના ન્યૂઝમાં સમાચાર હતા કે દિલ્હીના ધારાસભ્યોનો પગાર રૂા. 49000 માંથી રૂા.90000 કરવામાં આવ્યો. પગારમાં 100 ટકાનો વધારો. પોતાની સામાન્ય અને મધ્યમ વર્ગની કહેવડાવવાની આમ આદમી પાર્ટી શું આમ લોકોની પાર્ટી રહી છે ખરી? આ વધારો બિલકુલ અનૈતિક છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટના જયારે પગાર અને દૈનિક ભથ્થાં વધારવામાં આવ્યા ત્યારે (પીઆઇસીએમ)ના એક સભ્ય સિવાય બધા સભ્યોએ બીલની તરફેણમાં મતદાન કર્યું હતું. આવા સભ્યોને પ્રજાના સાચા સેવકો કહી શકાય ખરા?
કયાં મહાત્મા ગાંધીનું કલ્પેલું ભારત અને કયાં અત્યારના ચુંટાયેલા સભ્યો. ભારતનો સામાન્ય નોકરિયાત 5000 થી 10000 રૂપિયા માસિક કમાય છે. જયારે ચુંટાયેલા ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઊંચા પગાર અને ભથ્થા પ્રજાના ભોગે મેળવે છે. હવે પ્રજાએ જાગ્રત થવાનો સમય આવી ગયો છે. નહિ તો પ્રજાને ભોગે કહેવાતા પ્રજાના સેવકો શાહી સગવડો ભોગવતા રહેશે. નવસારી -દોલતરાય એમ. ટેલર -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.