Columns

હું સૌથી શ્રીમંત

એક દિવસ સોક્રેટીસ પાસે એક મુલાકાતી મળવા આવ્યા.સોક્રેટીસ કૈંક લખવામાં મશગુલ હતા એટલે તેમનું ધ્યાન આવનાર મુલાકાતી પર ન ગયું.મુલાકાતી ગુસ્સે થઈ ગયા અને બોલવા લાગ્યા,’હું એથેન્સનો સૌથી શ્રીમંત શેઠ છું. મારો વિશાળ મહેલ સૌથી સુંદર છે અને તમે મને આવકારવાનું દૂર મારી સામે પણ જોતા નથી.’

સોક્રેટીસ એકદમ શાંતિથી બોલ્યા, ‘ભાઈ, હું કામમાં હતો.શાંતિ જાળવો,આરામથી બેસીને તમારો પરિચય આપો.’ શ્રીમંત શેઠે પોતાની સંપત્તિ, કારોબાર અને પ્રતિષ્ઠાનાં વખાણ કરતી ઘણી લાંબી લાંબી વાતો કરી.જાણે પોતાના વખાણ કરવા માટે જ અહીં આવ્યા હોય. ઘણી વાર સુધી તેઓ બોલતા રહ્યા.સોક્રેટીસે ધીમેથી પૂછ્યું, ‘આપ અહીં શું કામ પધાર્યા છો.હું આપની શી મદદ કરી શકું.’ ધનિક શેઠ હસ્યા અને બોલ્યા, ‘હું સૌથી શ્રીમંત છું. મને કોઈની મદદની શું જરૂર હોય.હું તો અહીં આપની ગરીબી દૂર કરવા મદદ કરવા આવ્યો છું. બોલો, તમને શું જોઈએ છે.’

સોક્રેટીસ હસ્યા અને બોલ્યા, ‘મને તમારી કોઈ મદદ નથી જોઈતી, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપતા જાવ.’ આટલું કહીને સોક્રેટીસે પોતાના ટેબલ પર દુનિયાનો નકશો પાથર્યો અને પૂછ્યું, ‘આ નકશામાં એથેન્સ ક્યાં છે તે બતાવો.’ પેલા ધનિક વ્યક્તિએ દુનિયાના નકશામાં એક બિંદુ જેટલું સ્થાન ધરાવતા એથેન્સને શોધી તેની પર આંગળી મૂકી. સોક્રેટીસે આગળ પૂછ્યું, ‘હવે આ એથેન્સમાં તમારું સુંદર મહેલ જેવું ભવ્ય ઘર કયાં છે દેખાડો.’

શેઠ બોલ્યા, ‘આ નકશામાં થોડું મારું ઘર દેખાય કેવો પ્રશ્ન કરો છો?’ સોક્રેટીસ બોલ્યા, ‘દુનિયામાં આ એથેન્સ જ એક બિંદુ સમાન છે તેમાં એક તારું ઘર અને તેની અંદર તું.આ અનંત દુનિયામાં તારું સ્થાન એક બિંદુની અંદર ખોવાયેલું છે.’ આ સાંભળી ધનિક શેઠ ચૂપ થઈ ગયા.તેમનું બધું જ અભિમાન ઉતરી ગયું.

સોક્રેટીસે નકશાને વાળીને શ્રીમંતના હાથમાં આપ્યો અને કહ્યું, ‘અભિમાન બહુ નુકસાનકારક છે.માણસ પોતે જ પોતાના અભિમાનના ભાર હેઠળ કચડાઈ જાય છે.હવે તમને સમજાઈ ગયું હશે કે આ દુનિયામાં અસંખ્ય પ્રાણીઓ છે તેમાં આપણે એક છીએ અને ધન સંપત્તિનું અભિમાન કરવું વ્યર્થ છે.આ નકશો લઇ જાવ અને જ્યારે જ્યારે અભિમાન જાગે ત્યારે આ નકશો ખોલી મારી વાત યાદ કરી લેજો.’ ધનિક શેઠે સોક્રેટિસની માફી માંગી.          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top