National

ગંગાસ્નાન નહીં, ગંગાના નામનું સ્નાન કરી નાખવાનો વખત આવી ગયો

માતાનું આપણી સંસ્કૃતિમાં વિશેષ સ્થાન રહ્યું છે. માતાને પૂજનીય ગણવામાં આવી છે. આમ છતાં, આજે પણ મહિલાઓ પરના અત્યાચાર ઘટવાનું નામ નથી લેતા. એ જ રીતે માતાની સમકક્ષ જેને ગણવામાં આવે છે એવી ગાય અને જેને લોકમાતાનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે એવી નદીઓની અવદશાનો કોઈ પાર નથી અને આ અવદશા કંઈ બહારના લોકોએ આવીને નથી કરી. માતા, ગાય કે નદીઓના માહાત્મ્યને આપણે કહેવતો અને કર્મકાંડમાં જ કેદ કરી રાખ્યું છે. તેમની અવદશા વિશે કહીએ એટલું ઓછું!

આપણા દેશમાં ગંગા નદીની એક આગવી સંસ્કૃતિ રહી છે. ગંગા નદીની પવિત્રતા અને પૂજનીયતાને આપણે કર્મકાંડોમાં બરકરાર રાખી છે, પણ તેની વાસ્તવિક અવદશા હવે ચિંતા અને ખતરાના તમામ સ્તરને પાર કરી ચૂકી છે. છેલ્લા ઘણા દાયકાથી તે ગટરનું પાણી, ઘન કચરો, ઔદ્યોગિક કચરો તેમજ અન્ય પ્રદૂષકોનું ધામ બની રહી છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત દિલ્હીસ્થિત સ્વૈચ્છિક સંસ્થા ટોક્સિક લીન્ક્સ દ્વારા ૨૦૧૯ માં હાથ ધરાયેલા ગંગા નદીના પ્રદૂષણ પરના અભ્યાસનો અહેવાલ હમણાં પ્રકાશિત થયો છે.

આ અહેવાલમાં ગંગામાં પ્લાસ્ટિકના ફીલામેન્ટન, રેસા અને કચરાનું અતિશય વધી ગયેલું પ્રમાણ દર્શાવવામાં આવેલું છે. આમાં ટાયર, વસ્ત્રો, ખોરાકના પેકેજિંગની સામગ્રી, કોથળીઓ, માઈક્રોબીડ્સ ધરાવતી પ્રસાધન સામગ્રી, હાર પરનાં આવરણ તેમજ અન્ય મ્યુનિસિપલ કચરાનો સમાવેશ થાય છે.ગંગા નદીની કુલ લંબાઈ ૨,૫૨૫ કિ.મી.ની છે, જેમાં હિમાલયથી છેક બંગાળના ઉપસાગર સુધીનો તેનો પ્રવાહમાર્ગ છે. આ માર્ગ પર એક લાખથી વધુ માનવસ્તી ધરાવતાં સો શહેરો, પચાસ હજારથી એક લાખની વસ્તી ધરાવતાં ૯૭ શહેરો અને ૪૮ નગરો વસેલાં છે. આ તમામનું આ પ્રદૂષણમાં ઓછેવત્તે અંશે અને વૈવિધ્યપૂર્ણ પ્રદાન હશે. સૌથી પવિત્ર, સૌથી પ્રાચીન અને સૌથી લાંબી નદીઓમાંની એક એવી ગંગાની આ હાલત ઉત્તરોત્તર બદતર થતી આવી છે. 

પ્લાસ્ટિકનું સૌથી વધુ પ્રમાણ વારાણસી અને કાનપુર ખાતે અને એ પછીના ક્રમે હરિદ્વારમાં જોવા મળ્યું. ગંગાતીરે આવેલાં ધર્મસ્થાનો જેટલાં પવિત્ર, એમ તેમાં ઠલવાતી ગંદકીનું પ્રમાણ વધુ. ગંગાની સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો વખતોવખત સરકારી રાહે કરવામાં આવતા રહ્યા છે અને તેના માટે જંગી બજેટ પણ ફાળવવામાં આવતું રહ્યું છે. છેક ૧૯૦૫ માં પંડિત મદનમોહન માલવીયે ગંગા મહાસભાની સ્થાપના કરી હતી. તત્કાલીન અંગ્રેજ શાસન દ્વારા ગંગા પર બંધ બનાવવાના પ્રસ્તાવનો વિરોધ કરવાનો તેનો મૂળભૂત ઉદ્દેશ હતો. આ સંસ્થાના પ્રયત્નો થકી ઊભા થયેલા પ્રચંડ લોકજુવાળને પગલે અંગ્રેજોએ પોતાનો નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો.

તેને પગલે થયેલી સંધિ અનુસાર એમ ઠરાવવામાં આવ્યું હતું કે ગંગાના જળ પર હિન્દુઓનો મૂળભૂત અધિકાર છે. ગંગાના પ્રવાહને અવરોધ્યા વિના અવિરતપણે ચાલુ રખાશે અને ગંગાને લગતો કોઈ પણ નિર્ણય હિન્દુઓને વિશ્વાસમાં લીધા વિના કરાશે નહીં. લોકજુવાળને પરિણામે અંગ્રેજોએ જે મુદ્દો પડતો મૂક્યો એ મુદ્દો સ્વતંત્ર ભારતમાં સાવ અપ્રસ્તુત બની રહ્યો. ધ નેશનલ હેરિટેજ ડિવિઝન ઑફ ધ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ્ કલ્ચરલ હેરિટેજ દ્વારા વિવિધ સરકારી સ્રોતમાંથી એકઠા કરાયેલા આંકડા અનુસાર ગંગાના સમગ્ર જળક્ષેત્ર પર એકાદ હજાર બંધ બનાવાયેલા છે. ગંગા નદીની વર્તમાન સમસ્યા વધુ તીવ્ર અને તાકીદની હોવાથી ગંગા મહાસભાનું ૨૦૦૫ માં પુનર્ગઠન કરવામાં આવ્યું અને હવે તે ગંગાના પ્રદૂષણ બાબતે કાર્ય કરે છે.

વડા પ્રધાન રાજીવ ગાંધીએ ૧૯૮૬ માં રંગેચંગે ધ ગેન્‍જિઝ એક્શન પ્લાન(જી.એ.પી.)નો શુભારંભ કર્યો હતો, જેમાં ગંગાના પ્રદૂષણને નાથવાના અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ આયોજનને ધારી સફળતા ન મળવાથી ૨૦૦૯ માં ધ નેશનલ ગંગા રિવર બેસિન ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી, જેના દ્વારા ૨૦૧૧ માં નેશનલ મિશન ફોર ક્લીન ગંગાનો આરંભ કરવામાં આવ્યો હતો. એ પછી કેન્દ્રીય શાસન બદલાતાં ૨૦૧૪ માં નમામિ ગંગે નામના જંગી કાર્યક્રમની ઘોષણા કરવામાં આવી હતી.

ગંગાશુદ્ધિના આટઆટલા કાર્યક્રમો તેની પાછળ ફાળવવામાં આવેલા જંગી બજેટ પછી પણ ધાર્યું પરિણામ લાવી શક્યા નથી. ટોક્સિક લીન્સ્ આ દ્વારા પ્રાપ્ત થયેલાં તારણો અતિ ગંભીર સ્થિતિનો નિર્દેશ કરે છે. આ તબક્કે સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદ એટલે કે પૂર્વાશ્રમના પ્રો. જી.ડી.અગ્રવાલના એકલ પ્રયત્નોને ખાસ સ્મરવા પડે એમ છે. આઈ.આઈ.ટી; કાનપુરના સિવિલ એન્જિનિયરિંગ અને પર્યાવરણ વિભાગના આ ભૂતપૂર્વ પ્રાધ્યાપક હાડોહાડ પર્યાવરણપ્રેમી હતા. ઉત્તરકાશીમાં બંધની ત્રણ પરિયોજનાઓ તેમના પ્રયત્નોને કારણે અટકાવવી પડી હતી અને પર્યાવરણને થતું મોટું નુકસાન એ રીતે અટકી શક્યું હતું. ગંગામાં ઠલવાતા પ્રદૂષણની સામે સત્તાવાળાઓની નિષ્ક્રિયતાના વિરોધમાં તેમણે અનેક વાર ઉપવાસ આદર્યા હતા. ૨૦૧૮ માં તેમણે ગંગાના પ્રદૂષણ બાબતે સરકારની ઉદાસીનતા અંગે વર્તમાન વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. સરકાર તરફથી તેનો કોઈ પ્રતિભાવ ન મળતાં તેમણે આમરણ ઉપવાસ શરૂ કર્યા હતા. આ ઉપવાસના એકસો અગિયારમા દિવસે તેમનું અવસાન થયું હતું.

હવે એમ લાગી રહ્યું છે કે ગંગાની સ્વચ્છતા માટેના પ્રયત્નોમાં કદાચ મામલો હાથમાંથી બહાર નીકળી ગયો છે. તેમાં સરકારની, ઉદ્યોગકારોની જવાબદારી ઓછી નથી, એમ નાગરિકો પણ એટલા જ સહભાગી છે એમ કહી શકાય. શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા સિવાય બીજા કશા સાથે મતલબ રાખતા નથી. તેમના મનમાં રહેલી કાલ્પનિક ગંગાનું સ્વરૂપ એટલું પવિત્ર છે કે નજર સામે દેખાતું પ્રદૂષણ તેમને મન કશી વિસાતમાં નથી. એમાં ઉમેરો કરતાં તેમને જરાય ખંચકાટ થતો નથી, કેમ કે, તેમની શ્રદ્ધાએ તેમને મહાસ્વાર્થી બનાવી મૂકેલા છે. સ્વ સિવાય બીજા કશાનો વિચાર કરી શકવા તેઓ અક્ષમ હોય છે. વહેતી ગંગામાં હાથ ધોઈ લઈને તેમને પુણ્ય અંકે કરી લેવું હોય છે! -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top