મધ્યસ્થ સહકારી બેંકોને નડી રહેલી રિઝર્વ બેંકની ગાઇડલાઇનના મામલે સુરત જિલ્લાના સહકારી આગેવાનોએ કેન્દ્રના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહની રૂબરૂ મુલાકાત લીધા પછી કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલ સીતારામનને 4 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું હતું. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન નરેશ પટેલ, વા.ચેરમેન સદિપ દેસાઇ, ધારાસભ્ય મુકેશ પટેલ, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ સહિતના આગેવાનોએ સહકાર મંત્રી અને નાણા મંત્રીને રજૂઆત કરી હતી કે રિઝર્વ બેંકની ગાઇડલાઇન પ્રમાણે ડિસ્ટ્રીકટ કો-ઓ. બેંકને કરન્સી ચેસ્ટ ખોલવાની પરવાનગી આપવામાં આવતી નથી. બીજી તરફ રાષ્ટ્રીયકૃત બેંક વધારાની કેશ જમા લેવાની ના પાડે છે. જયારે કેશની બેંકને જરૂર હોય છે ત્યારે નવી નોટ મળતી નથી.
શિડયુલ બેંકનો દરજજો ધરાવનાર બેંકો સિવાયને પણ કરન્સી ચેસ્ટનું લાયસન્સ આપવું જોઇએ. તે ઉપરાંત હાઉસીંગ લોનની 30 લાખની લિમિટ સુરત જેવા મહાનગરમાં ઘર ખરીદવા માટે હવે ખૂબ ઓછી છે. તેમાં વધારો કરવાની જરૂર છે. એવી જ રીતે નાબાર્ડ દ્વારા 2008માં બીનખેતી વિષયક ધિરાણ માટે વ્યકિત-યુનિટ દીઠ 60 લાખની એકસપોઝર લિમિટ નકકી કરવામાં આવી છે તે પણ ખૂબ ઓછી છે. આ લિમિટ વધારવામાં આવે તો બેંકોના ધિરાણ પોર્ટફોલિયો વધારવા અને સીડી રેશ્યો વધારવા પણ મદદ મળશે. સાથેસાથે આ પ્રતિનિધિમંડળે કિસાન ક્રેડિટ કાર્ડની વર્ષ 2005-06 થી ચાલતી આવતી 3 લાખની ધિરાણ લિમિટને 5 લાખ કરવા તથા નાના અને શ્રીમાંત ખેડૂતોને તેનો લાભ પહોંચાડવા રજૂઆત કરી હતી. જો આ લિમિટ વધારવામાં આવે તો ખેડૂતોેને પાકના ઉત્પાદનમાં થયેલા વધારાના ખર્ચને પણ પહોંચી વળાશે તેવું જણાવ્યું હતંુ.