વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે દેશનો આર્થિક વિકાસ ફરી ગતિ પકડી રહ્યો છે અને ઘરેલુ ઉદ્યોગે એની જોખમ લેવાની આકાંક્ષા વધારવાની જરૂર છે. તેમણે ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ)ની વાર્ષિક સભા 2021ને આજે વીડિયો કોન્ફરન્સ મારફતે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યું હતું કે, સીઆઇઆઈની આ બેઠક 75મા આઝાદી દિવસ અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ વચ્ચે યોજાઈ રહી છે. તેમણે કહ્યું હતું , આ ભારતીય ઉદ્યોગ માટે નવા સંકલ્પો લેવા અને નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની મોટી તક છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સફળતા માટેની મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે.
વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનું નવું ભારત નવી દુનિયા સાથે તાલ મેળવવા સજ્જ છે. એક સમયે ભારતમાં વિદેશી રોકાણને શંકાની નજરે જોવામાં આવતું હતું, પણ અત્યારે તમામ પ્રકારના રોકાણ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે. એ જ રીતે કરવેરા સાથે સંબંધિત નીતિઓ રોકાણકારો વચ્ચે નિરાશા પેદા કરતી હતી. અત્યારે એ જ ભારત વિશ્વનાં સૌથી વધુ સ્પર્ધાત્મક કોર્પોરેટ કરવેરા માળખા અને ફેસલેસ કરવેરા વ્યવસ્થા પર ગર્વ લઈ શકે છે.
અમલદારશાહી ભૂતકાળ થઈ ગઈ છે અને એનું સ્થાન વેપારવાણિજ્યમાં સરળતાએ લીધું છે, જેમાં નોંધપાત્ર વધારો થયો છે. એક સમયે વિદેશી ચીજવસ્તુઓને શ્રેષ્ઠ ગણવામાં આવી હતી અને શ્રેષ્ઠતાનો પર્યાય હતી. ઉદ્યોગના દિગ્ગજો આ પ્રકારની માનસિકતાના પરિણામો સારી રીતે સમજે છે. સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે, અતિ મહેનત સાથે બનાવવામાં આવેલી સ્વદેશી બ્રાન્ડ્સનો પ્રચાર પણ વિદેશી નામો સાથે કરવામાં આવતો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે, અત્યારે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અત્યારે દેશવાસીઓ ભારતમાં બનેલા ઉત્પાદનો પર ભરોસો રાખે છે.
વડા પ્રધાને ધ્યાન દોર્યું હતું કે, અત્યારે ભારત 60 યુનિકોર્ન ધરાવે છે, જે 6થી 7 વર્ષ અગાઉ 3થી 4 જ હતા. આ 60 યુનિકોર્નમાંથી 21 છેલ્લાં થોડા મહિનાઓમાં બહાર આવ્યાં છે. વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આ યુનિકોર્ન્સ ભારતમાં દરેક સ્તરે થઈ રહેલા પરિવર્તનોનો સંકેત છે. વડા પ્રધાને ભાર મૂક્યો હતો કે, સરકાર મુશ્કેલ સુધારાઓ હાથ ધરવા સક્ષમ છે, કારણ કે આ સરકાર માટે સુધારા આવશ્યકતા નથી, પણ કટિબદ્ધતા છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, અગાઉની ભૂલોને સુધારીને સરકારે પશ્ચાતવર્તી કરવેરાના માળખાને રદ કર્યું છે. વડા પ્રધાને કહ્યું હતું કે, આ પહેલ સરકાર અને ઉદ્યોગ વચ્ચે વિશ્વાસને વધારશે. વડા પ્રધાને ટિપ્પણી કરી હતી કે, અત્યારે દેશમાં એવી સરકાર છે, જે દેશના હિતમાં સૌથી મોટું જોખમ લેવા પણ તૈયાર છે. તેમણે ભાર મૂક્યો હતો કે, જીએસટી ઘણા વર્ષ સુધી અટવાઈ ગયો હતો, કારણ કે અગાઉની સરકારોએ રાજકીય જોખમ લેવાની હિમ્મત દાખવી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે, અમે જીએસટીનો અમલ કરવાની સાથે અત્યારે રેકોર્ડ જીએસટી કલેક્શન પણ કરી રહ્યાં છીએ.