પેટનો દુઃખાવો કે અન્ય વિવિધ કારણોસર તમે સોનોગ્રાફી કરાવો ત્યારે ઘણાને ફેટી લિવર નિદાન થાય છે. આવી જ એક ઘટનામાં એક વડીલને વાર્ષિક નિયમિત ચેકઅપ દરમિયાન રેડિયોલોજીના રિપોર્ટમાં આ વાંચતા પ્રશ્ન ઉદ્ભવ્યો કે ખરેખર આ છે શું? એમની વિડંબણા સહજ એટલે હતી કે તેમને કોઈ તકલીફ નથી, કોઈ વ્યસન નથી તો પણ શું આ આવી શકે અને એ કેટલું ગંભીર હોય શકે? આપણે ફેટી લિવર સમજીએ એ પહેલા લિવરનું બેઝિક્સ આજે થોડું સમજીએ..
લિવર શું છે અને શું કાર્ય કરે? લિવર (યકૃત) એ શરીરનું અતિ આવશ્યક અંગ છે જે વિવિધ જીવન સહાયક કાર્ય માટે જવાબદાર છે. લિવર પિત્ત ઉત્પન્ન કરી પાચનમાં મદદ કરે છે, પોષકતત્વોને ઉર્જામાં રૂપાંતરિત કરે છે, શરીર માટે પ્રોટીન બનાવે છે, આયર્નનો સંગ્રહ કરે છે, તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે એવા બેક્ટેરિયા અને ઝેરી પદાર્થોને લોહીમાંથી દૂર કરીને ચેપનો પ્રતિકાર કરવામાં તમારી મદદ કરે છે, ચોક્કસ પ્રકારના પદાર્થો બનાવે છે જે જખ્મોને જલ્દીથી રૂઝ લાવવા માટે ત્યાં લોહીને ગંઠાવામાં મદદ કરે છે.
ફેટી લિવર ડિસિઝ શું છે? આપણે લિવરને જાણી લીધું. હવે સરળ ભાષામાં આ શબ્દોને જ સમજો તો ફેટી એટલે કે ચરબીયુક્ત. ડિસિઝ એટલે રોગ. અર્થાત જ્યારે તમારા લિવરમાં વધારે પડતી ચરબી જમા થવા લાગે તેને ફેટી લિવર કહેવાય છે. એક સ્વસ્થ લિવર ખૂબ ઓછા પ્રમાણમાં ચરબી ધરાવે છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ ચરબી તમારા લિવરના વજનના 5 થી 10% સુધી જમા થઈ જાય. આ ફેટી લિવર ઘણા લોકોમાં કોઈપણ પ્રકારની ગંભીર સમસ્યા સર્જતી નથી. પરંતુ 7 થી 30% ટકા લોકો માટે આ ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જી શકે છે. જેઓએ કદાચ આના ત્રણ સ્ટેજમાંથી પસાર થવું પડે.
- ફેટી લિવર ડિસિઝના 3 સ્ટેજ કયા છે?
પહેલા સ્ટેજમાં લિવર પર સોજો આવે છે અને એ પેશીઓને ખરાબ કરે છે. બીજા સ્ટેજમાં આ પેશીઓ વધુ ખરાબ થાય છે અને જ્યાં લિવર ખરાબ થયું છે ત્યાં ડાઘા સમાન પેશીઓ બનાવે છે જેને ફાઇબ્રોસિસ કહીએ છે. ત્રીજા સ્ટેજમાં આ એટલી હદે વધે છે કે જે સ્વસ્થ પેશીઓ છે એ સૌને આ ખરાબ થયેલ પેશીઓ બદલવા માંડે છે અને આ છે સીરોસીસ ઓફ લિવર. આ સ્થિતિમાં લિવર પોતાના સામાન્ય કાર્ય કરી શકવા અસક્ષમ બને અને લિવર ફેઈલર તથા લિવરના કેન્સર તરફ દોરી જાય.
ફેટી લિવર ડિસિઝ થવાના કારણો અને ચિન્હો શું હોઈ શકે? ચિન્હોમાં પેટનો દુખાવો, ઉબકા આવવા, વજન ઘટવું, ભૂખ ન લાગવી, પેટ પર તથા પગ પર સોજા આવવા, પીળાશ ચામડી તથા આંખો સફેદ થવી, થાક લાગવો, અશક્તિ વગેરેનો સમાવેશ થાય છે. કારણોની વાત કરીએ તો ઘણા લોકોને કોઇ બીમારી ન હોવા છતાં આ થઈ શકે અને ઘણા લોકોમાં મોટાપો, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને અમુક પ્રકારની દવાઓ લેવાને કારણે આ થઈ શકે.
- કેટલા સ્વરૂપ છે આ રોગના?
બે સ્વરૂપ છે. 1) આલ્કોહોલિક લિવર ડિસિઝ અને 2) નોનઆલ્કોહોલિક ફેટી લિવર ડિસિઝ.
પહેલા કેસમાં ખૂબ વધુ પડતા મદિરાપાનને કારણે થઈ શકે છે અને બીજા કેસમાં આલ્કોહોલ/મદિરાપાન ન કરનારાને પણ થઈ શકે. સંશોધકોને કોઈ જ મજબૂત કારણ મળ્યું નથી કે શા માટે મદિરાપાન નહીં કરતા લોકોમાં પણ આ થાય છે. પરંતુ મોટાપો અને ડાયાબિટીસ જેવા પરિબળો જોખમ વધારતાં હોય છે.
- કોને થવાની સંભાવના વધુ છે?
હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાઈકોલેસ્ટ્રોલ, ઓબ્સ્ટ્રક્ટીવ સ્લીપ એપ્નીયા ધરાવતા લોકોને, આ ઉપરાંત હિસ્પેનિક અને એશિયનમાં વધુ શક્યતા છે. મોટાપો ધરાવતા લોકો અને એમાં પણ ખાસ કરીને પેટ પર વધુ ચરબી ધરાવતા લોકોને.. મેનોપોઝ બાદ સ્ત્રીઓમાં પણ વધુ શક્યતા નકારી શકાય નહીં.
- શું ફેટી લિવર ડિસિઝ થયા બાદ રીવર્સ કરી શકાય? શું લિવર પાછું નોર્મલ થઇ શકે?
શરૂઆતના સ્ટેજમાં, બેશક!! જો તમે કસરત કરવાનું ચાલુ કરો, વજન ઘટાડો, મદિરાપાન પર નિયંત્રણ લાવો, તમારા તબીબે આપેલી દવા નિયમિત લો છો તો તમે લિવરની ચરબી ઘટાડી એના પરનો સોજો ઘટાડી આ રોગને બિલકુલ રીવર્સ કરી શકો. લિવર પાસે એને પોતાને સુધારવાની અદ્ભૂત ક્ષમતા છે અને આ એક એવું અંગ છે જેના વિના તમે જીવી નહીં શકો. લિવરના સ્પેલિંગમાં જ Live આવે છે અને જિંદગીને જીવાડનાર ઓજાર એટલે જ Liver.
- ઇત્તેફાક્ :
- સીધો સાદો માનવ છું,
- સત્કારો તો રાઘવ છું,
- શંકા હો તો પડકારી જો,
- મેદાને હું માધવ છું. – અમર પાલનપુરી.