ગ્લોબલ વૉર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું હોવાની ચર્ચાઓ ઘણા સમયથી થઇ રહી છે અને આ ગ્લોબલ વૉર્મિંગ અને હવામાન પરિવર્તનના ભયંકર પરિણામો આવશે એવી ચેતવણીઓ ઘણા સમયથી અપાઇ રહી છે, પણ તેની સામે માણસે જે પગલાઓ લેવાના શરૂ કર્યા છે તે ઘણા અપૂરતા પડે છે અને સ્થિતિ વધુ બગડી રહી છે ત્યારે યુએનની આંતરસરકાર સમિતિનો હવામાન પરિવર્તન અંગેનો અહેવાલ હાલમાં બહાર પડ્યો છે તે ઘણી ચોંકાવનારી આગાહીઓ કરી રહ્યો છે અને સખત ચેતવણીઓ આપી રહ્યો છે.
આ અહેવાલ જણાવે છે કે પૃથ્વી એટલી ગરમ થઇ રહી છે કે એક દાયકામાં તાપામન એટલી હદે ઉછળશે કે તે ગરમીની તે સપાટી વટાવી જશે જ્યાં તાપમાનને પહોંચતું અટકાવવા વિશ્વ નેતાઓ ઇચ્છતા હતા. આ અહેવાલના એક સહ-લેખિકા લિન્ડા મર્ન્સે જણાવ્યું હતું કે ક્યાંય ભાગવાની પણ જગ્યા નહીં રહે, સંતાવાની પણ જગ્યા નહીં રહે. જો કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કાર્બન ઉત્સર્જન અટકાવીને હજી પણ અતિ ભયંકર પરિણામોથી બચી શકાય છે, અને આ એક થોડી રાહતની વાત છે ખરી, પરંતુ પ્રશ્ન એ છે કે હજી પણ માણસજાત ચેતશે ખરી?
આ સત્તાવાર ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ(આઇપીસીસી)ના હેવાલે હવામાન પરિવર્તનને સ્પષ્ટપણે માનવની પ્રવૃતિઓના કારણે અને નિર્વિવાદ બાબત ગણાવી છે અને તેણે ૨૧મી સદી માટે તેના કરતા વધુ ગરમ હવામાનની આગાહીઓ કરી છે જે આગાહીઓ તેણે ૨૦૧૩ના વર્ષમાં કરી હતી. ભવિષ્યમાં કેવી સ્થિતિઓ સર્જાશે તે એના પર આધાર રાખે છે કે આપણે કાર્બન ઉત્સર્જનમાં કેટલો કાપ મૂકીએ છીએ એમ આ અહેવાલમાં જણાવાયું છે.
હવે મહત્વની આંતરરાષ્ટ્રીય હવામાન મંત્રણાઓ નવેમ્બરમાં સ્કોટલેન્ડમાં થવાની છે ત્યારે ૨૩૪ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ ૩૦૦૦ કરતા વધુ પાનાનો અહેવાલ કેટલીક મહત્વની ચેતવણીઓ આપે છે. અહેવાલમાં જણાવાયું છે કે હવામાન પરિવર્તનને કારણે ઘણી વિપરીત અસરો તો શરૂ પણ થઇ ગઇ છે જેમ કે ટ્રોપિકલ વાવાઝોડાઓ વધુ સખત અને વધુ વરસાદવાળા બની રહ્યા છે, આર્કટિક સમુદ્રનો બરફ ઉનાળામાં વધુ પ્રમાણમાં પીગળી રહ્યો છે અને આ તમામ સ્થિતિ વધુ વણસી શકે છે. ગરમીના જે મોજાઓ પ૦ વર્ષમાં એક વખત દેખાતા હતા તે હવે એક દાયકામાં દેખાય છે અને જો વિશ્વ વધુ ૧ ડીગ્રી ગરમ થાય તો તે દર સાત વર્ષે બની શકે છે એમ અહેવાલ જણાવે છે.
આ અહેવાલમાં ભારત માટે તો ઘણી ચેતવણીસૂચક વાતો છે. આ અહેવાલ જણાવે છે કે હિંદ મહાસાગર અન્ય મહાસાગરો કરતા વધુ ઝડપથી ગરમ થઇ રહ્યો છે, જેમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ભારતમાં ગરમીના મોજાઓ અને પૂરની ઘટનાઓમાં વધારો જોવા મળશે, જે હવામાન પરિવર્તનની ઉલટાવી નહીં શકાય તેવી અસરો હશે. હવામાન પરિવર્તન અંગેની આંતરસરકાર સમિતિના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલ ક્લાઇમેટ ચેન્જ ૨૦૨૧: ધ ફિઝિકલ સાયન્સ બેઝિસમાં જણાવવવામાં આવ્યું છે કે મહાસાગરના ગરમ થવાની બાબત સમુદ્રની સપાટીઓમાં વધારા તરફ દોરી જશે, જે નીચાણવાળા વિસ્તારોમાં વારંવાર અને કાંઠાળ પૂરોમાં ફાળો આપે છે.
ભારત જેવા દેશમાં ગરમીના મોજામાં વધારા પાછળ હવામાં પ્રદૂષકોનું પ્રમાણ પણ જવાબદાર માનવામાં આવે છે અને હવાની ગુણવત્તા સુધારવા માટે આ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું અગત્યનું છે. આપણે હીટ વેવ્ઝમાં વધારો, ભારે વરસાદની ઘટનાઓ અને ગ્લેશિયરોના પીગળવાના પ્રમાણમાં વધારો જોઇશું, જે ભારત જેવા દેશ પર અસર કરશે, વધુ સંકુલ ઘટનાઓ જેવી કે સમુદ્રની સપાટીમાં વધારો જોવા મળશે, જેનાથી જ્યારે ટ્રોપિકલ વાવાઝોડાઓ ત્રાટકે ત્યારે પૂરની ઘટનાઓ સર્જાઇ શકે છે.
આ કેટલીક એવી અસરો છે જે જઇ શકશે નહીં એમ આ અહેવાલના લેખકોમાંના એક એવા ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્યું હતું. ભારતીય લેખિકા, સ્વપ્ના પાનીકલે જણાવ્યું હતું કે સમુદ્રની સપાટીમાં લગભગ પ૦ ટકા જેટલો વધારો થર્મલ વિસ્તરણને કારણે થાય છે. હિંદ મહાસાગરનો વિસ્તાર વધુ ઝડપથી ગરમ થઇ રહ્યો છે, જેનો અર્થ એ કે સંલગ્ન સમુદ્રી લેવલો પણ આ પ્રદેશમાં વધશે, જેના કારણે કાંઠાના પ્રદેશોમાં સમુદ્રની સપાટી ૨૧મી સદીમાં વધશે એમ તેમણે જણાવ્યું હતું. આ અહેવાલમાં એ બાબતની પણ નોંધ લેવામાં આવી છે કે માણસની પ્રવૃતિઓની અસરને કારણે હવામાન પરિવર્તન સર્જાઇ રહ્યું છે, ૧૯૭૦ના દાયકાથી માણસની પ્રવૃતિઓની અસરથી મહાસાગર ગરમ થઇ રહ્યો છે એમ તેમાં જણાવવામાં આવ્યું છે.
આ અહેવાલ આખા વિશ્વ માટે તો ચેતવણીસૂચક છે જ, પણ ભારત માટે તો વિશેષ ચેતવણીસૂચક છે. ભારતની વિશાળ વસ્તી, છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલું બેફામ ઔદ્યોગિકરણ, વાહનોની સંખ્યામાં અઢળક વધારો અને પ્રદૂષણ નિયંત્રણની બાબતમાં ઢીલાશ જેવી બાબતોએ ભારતમાં આમ પણ પર્યાવરણની સ્થિતિ ખૂબ બગાડી છે અને તેમાં ગ્લોબલ વૉર્મિંગનો માર પડી રહ્યો છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તરો ઉત્તર બગડી રહેલી હવામાનની સ્થિતિ ઘણી સૂચક છે. આ પરિસ્થિતિમાં આપણે પ્રદૂષણ નિયંત્રણના સહિયારા વૈશ્વિક પ્રયાસોમાં જોતરાવાની સાથે સ્થાનિક સ્તરે ગંભીરતાપૂર્વક પ્રદૂષણ નિવારણના પગલા ભરવાની જરૂર છે.