Madhya Gujarat

લાકડાંનું પીઠું ખાલી કરાવવા કાઉન્સિલરના ભત્રીજાએ વેપારીને ચપ્પાના ઘા ઝીંકી દીધાં

નડિયાદ: નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે અંગત અદાવત રાખી પોતાના વિસ્તારમાં જ રહેતાં એક વેપારી યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલ યુવકે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ આપતાં પોલીસે કાઉન્સિલર અને તેના પુત્ર સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના અમદાવાદી દરવાજા બહાર આવેલા ભવાનીપુરા વિસ્તારમાં રહેતાં મુકેશભાઈ ખુશાલભાઈ પરમાર પોતાના ઘર નજીક લાકડાનું પીઠું ધરાવે છે. જેમાં તેઓ જુના ઘરના લાકડાના કાટમાળનો વેપારી કરે છે.

શનિવારના રોજ રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં મુકેશભાઈ અને તેમના પિતરાઈ ભાઈ નરેશ પરમાર પોતાના લાકડાના પીઠા આગળ બેઠાં હતાં. તે વખતે તેમના ઘરની બાજુમાં જ રહેતાં નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર કાનજીભાઈ દેવશીભાઈ પરમાર, તેમનો પુત્ર રવિભાઈ કાનાભાઈ પરમાર તેમજ કરણભાઈ ચીમનભાઈ પરમાર, અજયભાઈ ચીમનભાઈ પરમાર અને રણજીતભાઈ રમણભાઈ પરમાર હાથમાં ચપ્પાં લઈને એકાએક ત્યાં આવી ચડ્યાં હતાં. આ પાંચેય જણાંએ અંગત ઝઘડાની અદાવત રાખી મુકેશભાઈ સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો.

જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં કાઉન્સિલર કાનજી પરમારે લાકડાનું પીઠું ખાલી કરી નાંખજે તેમ કહી મુકેશના ગાલ પર લાફો ચોડી દીધો હતો. બીજી બાજુ કરણ પરમારે હાથમાંનું ચપ્પું મુકેશના છાતીના વચ્ચેના ભાગે મારી દીધું હતું. તો વળી રણજીત અને અજયે પોતાના હાથમાંના તીક્ષ્ણ હથિયારો વડે મુકેશ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મુકેશની સાથે હાજર તેના પિતરાઈ ભાઈ નરેશને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે મુકેશભાઈ ખુશાલભાઈ પરમારની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે કાઉન્સિર કાનજીભાઈ દેવશીભાઈ પરમાર અને તેના પુત્ર રવિ પરમાર સહિત પાંચેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top