કોરોનાકાળમાં મહામારીના વિકરાળ સ્વરૂપને જોઈ ચૂકેલા સુરતમાં હવે સુરત મનપાની ટીમના અથાક પ્રયાસો તેમજ અન્ય કોઇ પણ શહેરો કરતાં વધુ સારી રીતે સુરતવાસીઓએ કરેલા કોરોનાની ગાઇડલાઇનના પાલનને કારણે કોરોનાનું સંક્રમણ હવે માત્ર નહીંવત જ દેખાઇ રહ્યું છે. ત્રીજા લહેરના ભય વચ્ચે પણ સુરતમાં છેલ્લા 28 દિવસથી સિંગલ ડિજિટમાં કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. તે સુરત જેવા મેટ્રો પોલિટીન શહેર માટે મોટી વાત છે. કેમ કે, સુરત સાથે જે રાજ્યોને સીધો સંબંધ છે તેમજ સુરતથી જે રાજ્યમાં સતત અવરજવર ચાલુ છે તેવા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરેમાં હજુ પણ સંક્રમણ ચાલુ જ છે.
રાજ્ય સરકારે પહેલી જુલાઇથી લગભગ તમામ વ્યાપાર ધંધાઓને છૂટછાટ આપી દીધી હતી. ત્યારથી એટલે કે 40 દિવસથી સુરત ફુલફ્લેજ ધમધમી રહ્યું છે. આમ છતાં સંક્રમણ વધ્યું નથી તે મોટી સિદ્ધિ છે. તેમજ સુરતવાસીઓમાં હર્ડ ઇમ્યુનિટી બની ચૂકી હોવાની પ્રતીતિ થઇ રહી છે. કોરોનાની ચરમસીમાએ રોજના 2500થી વધુ કેસ નોંધાતા હતા. પરંતુ છેલ્લા 40 દિવસમાં શહેરમાં માત્ર 244 દર્દી નોંધાયા છે. અને 28 દિવસથી તો રોજના દર્દીઓની સંખ્યા સિંગલ ડિજિટમાં એટલે કે, 9 કે તેથી નીચે રહી છે.
જો કે, તેની પાછળ શહેરીજનો દ્વારા હજુ પણ માસ્ક સહિતની ગાઇડલાઇનનું પાલન, વેક્સિનેશનનો વધેલો વ્યાપ અને મનપા દ્વારા ટેસ્ટિંગ સહિતના મુદ્દે રાખવામાં આવી રહેલી તકેદારી છે. દરમિયાન શાળા-કોલેજ શરૂ થતાં મનપા દ્વારા શહેરની તમામ શાળાઓ મળી અત્યાર સુધીમાં 30550 વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાયું છે, જેમાં માત્ર ત્રણ જ પોઝિટિવ કેસ મળ્યા છે.
આજે શહેરમાં યુનિવર્સિટી સહિત 158 સેન્ટર પરથી વેક્સિનેશન : સિનિયર સિટિઝન માટે અલગ વ્યવસ્થા
સુરત મનપા દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસથી વેક્સિનેશનનો પૂરતો જથ્થો મળતાં વેગ વધારાયો છે. તેથી રોજ 40 હજારથી વધુ લોકોને વેક્સિન મળી રહી છે. ત્યારે મંગળવારે પણ શહેરમાં 158 સેન્ટર પરથી વેક્સિન આપવા વ્યવસ્થા કરાઇ છે. જેમાં પ્રથમ ડોઝ માટે 80, બીજા ડોઝ માટે 46, વિદેશ જવા માંગતા લોકો માટે 2, કોવેક્સિનના 8 અને સિનિયર સિટિઝનો તેમજ સગર્ભાઓ માટે આઠ સેન્ટર પર અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટરોની માહિતી મનપાની વેબસાઇટ પરથી મળી રહેશે. મનપા દ્વારા નર્મદ યુનિવર્સિટીમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી અહીં આવતા વિદ્યાર્થીઓ પણ વેક્સિન મુકાવી શકે.
પાંચ દિવસમાં સવા બે લાખ લોકોને વેક્સિન : કુલ વેક્સિનેશન 68 ટકા થયું
શહેરમાં વેક્સિનેશનની કામગીરી ફરી વેગ પકડી રહી છે. રવિવારે 44330 લોકોને વેક્સિન મુકાયા બાદ સોમવારે પણ 44 હજારથી વધુ લોકોને વેક્સિન મૂકી દેવાતાં વેક્સિનેશનનો કુલ આંક 68 ટકા પર પહોંચી ગયો છે. એટલે કે, શહેરમાં વેક્સિન મૂકી શકાય એ માટેની વય જૂથના કુલ 33,53,904 લોકો છે તે પૈકી 22,78,185 લોકોને પહેલો ડોઝ અને 7,47,201 લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. એટલે કે, 30,25,386 લોકો છે, જે પૈકી વેક્સિન મેળવી ચૂક્યા છે. શહેરમાં કોરોના કાબૂમાં રહેવા પાછળ વેક્સિનેશનમાં સુરત મનપાએ કરેલી ઝડપ પણ મહત્ત્વની છે.
સોમવારે માત્ર બે દર્દી નોંધાયા
શહેરમાં કોરોનાના હવે નહીંવત દર્દીઓ નોંધાઇ રહ્યા છે. જેમાં રવિવારે પાંચ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ સોમવારે માત્ર બે દર્દી નોંધાયા હતા, જેમાં કતારગામ અને વરાછા ઝોન-એના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે શહેરમાં કોરોનાનો કુલ આંક 1,11,427 થઇ ચૂક્યો છે. જ્યારે રિકવરી રેટ 98.50 ટકા પર છે. શહેરમાં સતત 28માં દિવસે સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે.