વ્યારા: વિશ્વ આદિવાસી દિવસ (World treble day)ની ઉજવણી સાથે તાપી જિલ્લા (Tapi district) કોંગ્રેસ સમિતિ દ્વારા સામાજિક ક્રાંતિ અભિયાનની શરૂઆત કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા (Amit chavda)એ જણાવ્યું હતું કે, રામાયણ (Ramayan) રચિતા વાલ્મીકિ આદિવાસી હતા. આખું રામાયણ રચાયું તેમાં સૌથી મોટો સિંહફાળો આદિવાસી સમાજનો હોવાનું જણાવી કોરોના (Corona) કાળમાં સરકારની નિષ્કાળજીના કારણે મોતને ભેટેલા પ્રત્યે સરકાર પર પ્રહાર કર્યા હતા.
તાપી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજનો ભવ્ય ઈતિહાસ પણ રહ્યો છે. જે રામાયણનું પઠન આખા વિશ્વમાં બ્રાહ્મણો અને વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. તે રામાયણનાં રચિતા વાલ્મીકિ મૂળ આદિવાસી હતા. રાવણ સામે યુદ્ધમાં સીતા માતાને બચાવવાવાળા રાજા વાલી અને સુગ્રીવ તથા એમની આખી સેના આદિવાસી હતી. આખું રામાયણ રચાયું એમાં સિંહફાળો આદિવાસી સમાજનો રહ્યો છે. શબરીમાતાની ભક્તિ માટે આખું વિશ્વ પ્રેરણા લે છે, એકલવ્યથી પણ આપણે પ્રેરણા લઇ શકીએ, બાબાસાહેબ આંબેડકરના બંધારણે દરેક સમાજને ન્યાય મળે અને અમલમાં મૂકવાનું કામ સૌથી પહેલાં કોંગ્રેસ સરકારે કર્યું.
ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. અંતે ડોસવાડા ખાતે આવનાર વેદાંતા ઝીંક પ્રોજેક્ટ બાબતે જણાવ્યું હતું કે,કોઈ ઉદ્યોગ આવે એનો અમને વાંધો નથી. પરંતુ જળ, જંગલ કે જમીનને નુકસાન થાય એ આ સાંખી લેવામાં આવશે નહીં, વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપતા પૂર્વ મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઓગસ્ટનો મહિનો એટલે ક્રાંતિનો મહિનો એટલે આપણે પણ ક્રાંતિ કરીને એકથી નવ તારીખ સુધી સરકારની નિષ્ફળતા અને નબળી કામગીરીનો વિરોધ કર્યો છે. 2006માં કેન્દ્રની યુપીએ સરકારે વનઅધિકાર કાયદો અમલમાં લાવ્યો હતો. 14 વર્ષના વાણા વિતી ગયા છતાં જંગલની જમીન આપી નથી અને નજીવી જમીન આપી મજા કરી છે. જો ખરેખર આદિવાસીઓને ન્યાય આપવા માંગતા હોય તો તમે ક્યારે જંગલની જમીન આદિવાસીઓને આપશો તેની જાહેરાત પણ આજે પડશે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી અજય ગામીત, મંત્રી રાજેશ ગામીત, તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભીલાભાઈ ગામીત, તાપી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ રેહના ગામીત, પ્રદેશ મહિલા મંત્રી ઉષાબેન ગામીત, પૂર્વ તાપી જિલ્લા પંચાયત પ્રમુખ ગજરાબેન ચૌધરી, પ્રભારી તરૂણ વાઘેલા, ધર્મેશ પટેલ, ધારાસભ્યો સુનિલ ગામીત, પુનાજી ગામીત, તાલુકા પંચાયત પ્રમુખ યુસુભ ગામીત, તાલુકાના પ્રમુખ, જિલ્લા- તાલુકા પંચાયતના કોંગી સભ્યો, મહિલા યુવા પાંખ તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા.