રાજ્યભરમાં રેસિડેન્ટ ડોક્ટર્સ બોન્ડની શરતોમાં ફેરફારને લઇ હડતાળ પર ઉતર્યા છે. રાજ્ય સરકાર દ્વારા હડતાળ સમેટી લેવા તેમજ હોસ્ટેલ ખાલી કરી દેવા નોટિસો આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને જામનગરમાં હોસ્ટેલમાં વીજ કનેક્શન અને પાણીની લાઈન બંધ કરી હોવા છતાં રેસિડેન્ટ તબીબો પોતાની માંગણીઓ સાથે હડતાળ યથાવત રાખી છે. હડતાળ પર ઉતરેલા રેસીડન્ટ ડૉકટરોએ કહ્યું હતું કે અમે લોકોએ છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કપરા સમયમાં ખાધા-પીધા વગર ભૂખ્યા-તરસ્યા, નાહ્યા ધોયા, વગર 24 કલાક સુધી સેવાઓ બજાવી છે.
24 -24 કલાક અમે લોકોએ પરસેવે રેબઝેબ થવા છતાં પીપીઈ કિટ પહેરીને કોરોના દર્દીઓની સેવા કરી છે, ત્યારે હવે અમારી હોસ્ટેલની વીજળી અને પાણી કનેક્શન કાપવાથી અમે ડરવાના નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે અમારા આંદોલનને તબીબી સંગઠનને તોડી નાખવા માટે સરકાર દ્વારા હીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમે તમામ રેસિડેન્ટ ડોક્ટર્સ એક છીએ, અને અમારા સન્માન માટે લડતા રહીશું. મુખ્યમંત્રી વિજય રૂપાણી તબીબોની હડતાળના ગેરવ્યાજબી ગણાવતા હડતાળ પર ઉતરેલા તબીબોએ મુખ્યમંત્રીને રોકડું પરખાવ્યું હતું કે તેમના દ્વારા જ બહાર પાડવામાં આવેલો પરિપત્ર વાંચી જાવ પરિપત્ર વાચી, સમજો પછી હડતાળ વ્યાજબી કે ગેરવાજબીની વાત કરો. સરકારનો પરિપત્ર છે, અને આ પરિપત્ર મુજબ જ અમે માગણી કરી રહ્યા છે. સરકાર હવે પોતાના પરિપત્રથી જ ફરી ગઈ છે.
હડતાળ પર ઉતરેલા તબીબોએ કહ્યું હતું કે, જો માગ નહીં સંતોષાય તો સોમવારથી આંદોલન વધારે તીવ્ર બનશે. સરકારના ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે, બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે, પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય એવી આ તબીબોની માગ છે. રેસિડન્ટ તબીબની માગ છે કે, સાતમા પગારપંચ અનુસાર વેતન આપવામાં આવે. એમને પણ શૈક્ષણિક સંસ્થામાં નિમણૂંક આપવામાં આવે. અન્ય રાજ્યની જેમ સિનિયર રેસિડન્ટ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરાય.