Comments

એક એવો પ્રેમ

એક ૮૫ વર્ષના કાકા રસ્તામાં પોતાની ૮૦ વર્ષની પત્નીનો હાથ પકડીને ધીમે ધીમે ચાલી રહ્યા હતા.રસ્તામાં બધાનું ધ્યાન તેમની તરફ જતું હતું.અમુક લોકોએ વિચાર્યું, વાહ શું પ્રેમ છે.અમુક રસ્તાના યુવાનોએ મજાક પણ કરી કે વાહ કાકા કમાલ છે.આવું રોજ થતું.કાકા પોતાની પત્નીને લઈને કયાંક પણ જતા અને હાથ પણ હંમેશા પકડી રાખતા;જરાક પણ એક ઘડી માટે પણ હાથ ન છોડતા અને બધે આવી વાતો અને ક્યાંક ક્યાંક મજાક પણ થતી.પણ કાકાને કોઈ ફરક પડતો ન હતો.કાકા હંમેશા પત્નીનો હાથ પકડી રાખતા અને ક્યારેય ન છોડતા અને તેઓ હાથ પકડનાર પ્રેમી કાકા તરીકે પ્રખ્યાત થઇ ગયા.

એક દિવસ કાકા રસ્તામાં આમતેમ ઘાંઘા થઇને દોડી રહ્યા હતા.તેઓ તેમની પત્નીને શોધી રહ્યા હતા.રસ્તામાં જે મળે તેને મારી પત્નીને ક્યાંક જોઈ છે તેમ પૂછતા હતા.તેમની આંખોમાં આંસુ હતા.અમુક લોકોએ મજાક પણ કરી કે કેમ કાકા આજે પત્નીનો હાથ પકડવાનું ભૂલી ગયા હતા કે શું? જો તમે હાથ છોડ્યો તો કાકી ખોવાઈ ગયાં.કાકા આમતેમ સતત દોડી રહ્યા હતા.થોડી વારમાં એક યુવાન આવ્યો અને કાકાને સમજાવીને ઘરે લઇ જવા લાગ્યો. લોકોએ કહ્યું, ‘કાકા તેમની પત્નીનો હાથ હંમેશા પકડી રાખતા હતા અને છતાં આજે કાકી ખોવાઈ ગયાં.તમે આમને ઓળખો છો?’

યુવાનની આંખોમાં આંસુ હતા.અને તેને જે વાત કરી તે સાંભળીને તે સાંભળનાર બધાની આંખોમાં આંસુ આવી ગયા.યુવાને કહ્યું, ‘હું આ કાકા કાકીનો પાડોશી છું.કાકીને છેલ્લા ૧૦ વર્ષથી અલ્ઝાઈમરની બીમારી હતી એટલે કાકા કાકીને એક ઘડી માટે પણ એકલાં મૂકતા ન હતા. હંમેશા જ્યાં જતા ત્યાં સાથે લઇ જતા અને હાથ પકડીને જ રાખતા.કાકી ગુસ્સે થતા અને કંટાળી જતા છતાં કાકા તેમને ન છોડતા અને છેલ્લાં પાંચ વર્ષથી તો કાકીએ તેમને ઓળખવાનું બંધ કર્યું છતાં કાકાએ તેમનો ન સાથ છોડ્યો અને ન સેવા કરવાનું અને ધ્યાન રાખવાનું છોડ્યું.અને ગઈ કાલે રાત્રે કાકી સૂતાં પછી ઊઠ્યાં જ નહિ.

તેમનું મૃત્યુ થયું છે અને કાકી તેમને છોડીને ચાલ્યાં ગયાં છે તે જાણીને કાકા લગભગ પાગલ જેવા થઇ ગયા છે. તેઓ છેલ્લાં ૧૦ વર્ષથી કાકી માટે અને કાકી સાથે જ જીવ્યા હતા એટલે તેઓ તેમના મોતને સ્વીકારી શકયા નથી અને જાણે પોતાનાથી ભૂલથી અને કાકી ખોવાઈ ગયા તેમ સમજીને ચારે બાજુ કાકીને શોધી રહ્યા છે.’ યુવાનની વાત સાંભળનાર બધાની આંખોમાં આંસુ આવી ગયા. કાકા હજી બધાને રોકી રોકીને કાકી માટે પૂછી રહ્યા હતા.કાકાને જોઇને બધાના મનમાં એક જ વાત આવી કે વાહ આવો પણ પ્રેમ હોય!-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top