Vadodara

4 વર્ષથી ગોંધી રાખેલી મહિલાને અભયમ 181 મહિલા હેલ્પલાઇને મુક્ત કરાવી પરિવાર સાથે ભેટો કરાવ્યો

વડોદરા : અભયમ 181મહિલા હેલ્પલાઇનમા બુધવારના રોજ એક કિશોરીએ કોલ કરી જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ મારા મમ્મીને 4 વર્ષથી ગોંધી રાખ્યા છે. જેમને છોડાવવા વિનંતી  કરતા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક મહિલાને રાખવામાં આવેલ ઘરે પહોંચી ઘરમા બંધન રખાયેલ મહિલાને મુક્ત કરાવી તેના બાળકો સાથે મેળાપ કરાવી પરિવારનો ભેટો કરાવ્યો હતો. જેથી સૌ એ રાહત અનુભવી અભયમ ટીમનો આભાર માન્યો હતો.

મળતી માહિતી મુજબ શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 42 વર્ષની મહિલા અને તેમના પતિ છૂટક મજૂરી કામ કરે છે. મહિલાને સંતાનમાં બે બાળકો એક દીકરો અને દીકરી છે જે પણ છૂટક કામ કરે છે.  મહિલાને રૂપિયાની જરૂર પડતા તેમણે પોતાની બાઈક એક વ્યક્તિને ગીરે આપી રૂપિયા લીધા હતા. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન થતા તેણી રૂપિયા પરત આપી શકી ન હતી.

ત્યારે પૈસા ઉછીના આપનાર વ્યક્તિએ વારંવાર ઉઘરાણી કરી હતી. જેથી મહિલાની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે કથળતી જતી હોવાથી તેઓ લીધેલ રૂપિયા આપી સકતા ના હતા. ત્યારે રૂપિયા આપનાર વ્યક્તિએ મહિલાને જણાવ્યું હતું કે, મારા રૂપિયા પરત ના આપે ત્યાં સુધી મારી સાથે રહેવું પડશે તેમ જણાવી બળજબરી પૂર્વક મહિલાને તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે મહિલાને છેલ્લા 4વર્ષ થી ગોંધી રાખી હતી અને મહિલાનેબાળકોને મળવા જવા દેતો ના હતો.

દરમિયાન થોડા દિવસ પહેલા તેમની દીકરી ચોરી છુપીથી તેમની માતા ને મળી હતી. ત્યારે માતાએ જણાવ્યું હતું કે,  તેઓ બહુ બીમાર છે અને મને અહીંથી આપણા ઘરે લઇ જાવ. માતાની આવી અસહ્ય હાલત જોઈ દીકરીએ અભયમ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી પોતાની માતાને છોડાવવા વિનતી કરતા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક દીકરીને લઇ જણાવેલ સ્થળે પહોંચી મહિલાને મળી હતી. ત્યારે મહિલાએ બંધક માંથી મુક્તિ થવાનું જણાવતા અહીંથી બહાર કાઢવા વિનતી કરી હતી.

જેથી અભયમ ટીમે મહિલાને આશ્વાસન આપી તેમને ગોંધી રાખેલ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું.  પરંતુ મહિલાએ જણાવેલ કે મારે આગળ કશુ કરવું નથી. ફક્ત મને અહીં થી લઇ જાવો. અભયમ ટીમે તેમને ગોંધી રાખનાર વ્યક્તિને પણ તાકીદ આપી હતી કે હવે પછી હેરાન ગતિ ના કરતા. આમ અભયમ ટીમએ મહિલાને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડ્યા હતા.

જાગૃત દીકરીએ નારી તું કદી ના હારી નું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું

4 વર્ષથી માતાને મળવા માંગતી દીકરી હતાશ થઇ હતી. જોકે પોતાની સગી માતાની આપ વીતી જોઈ હતાશ થયેલી દીકરીએ હિંમત બતાવી મહિલા હેલ્પલાઇનને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે અભયમની ટીમે કાર્યવાહી કરી મહિલાને મુક્ત કરાવી હતી. ત્યારે જાગૃત દીકરીએ નારી તું કદી ના હારી નું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું હતું.

Most Popular

To Top