વડોદરા : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે.પરંતુ પાલિકા તંત્ર આ બાબતે અજાણ હોય તેમ લાગી રહ્યું છે.શહેરના સરકારી હોસ્પિટલોમાં રોજ બ રોજ તાવ ,શરદી,ખાંસી સહિત ઝાડા ઉલ્ટીના કેસો નોંધાઈ રહ્યા છે.ત્યારે શહેરને સેંઘાઈ બનાવવાની ગુલબાંગો ફૂંકતું તંત્ર તેની જવાબદારી ભૂલી રહ્યું છે.ત્યારે સાફસફાઈના અભાવે છાણી જકાતનાકા પાસે આવેલ વિશાલ પાર્કમાં ડેન્ગ્યુએ એન્ટ્રી કરી છે.
વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય રોગો માથું ઊંચકી રહ્યા છે.અનેક લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ત્યાં રોજ નવા એક વિસ્તાર પાણી જન્ય રોગની ચપેટમાં આવી રહ્યો છે.વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલ ફોર્ચ્યુન ગેટવે સામે પાણીની ટાંકી નજીક વિશાલ પાર્કમાં ડેન્ગ્યુનો કેસ નોંધાયો હતો.વિશાલ પાર્કમાં સાફ સફાઈ કરવામાં નહીં આવતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.આ વિસ્તારમાં કચરાનો ઢગ વળતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા મચ્છરોનો ઉપદ્રવ વધવા માંડ્યો છે.જેના કારણે એક વિદ્યાર્થી હાલમાં જ ડેન્ગ્યુમાં સપડાયો હતો.તંત્ર દ્વારા સાફ સફાઈ તેમજ ફોગીંગ મશીનથી દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.
આ અંગે સ્થાનિકો દ્વારા વિસ્તારના કોર્પોરેટર સ્થાનિક વોર્ડ કચેરીમાં વારંવાર રજુઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નહીં આવતા સ્થાનિકોમાં ડેન્ગ્યુની ચપેટમાં આવવાનો ભય ફેલાયો છે.સાથે થોડા દિવસ પૂર્વે અહીં ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી.જે બાદ યોગ્ય પુરાણ કરવામાં નહીં આવતા વરસાદી માહોલ ટાળે કાદવ કિચ્ચડને કારણે લોકો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે.જે જગ્યાએ આ કામગીરી કરવામાં આવી ત્યાંજ વીજ થાંભલો આવેલો છે.વરસાદમાં માટીના ધોવાણથી આ વીજ થાંભલો ધરાશાયી બનશે અને જાનહાની થશે તો જીમ્મેદાર કોણ તેવા તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે.