મલેકપુર : મહિસાગર જિલ્લાના ભાજપ કારોબારી સભ્ય બુધવારની રાત્રે પાલ્લા ખાતે તેમના ઘરે હતા તે દરમિયાન અજાણ્યા શખસોએ તેમના ઘરમાં ઘુસી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. સાથોસાથ તેમના પત્નીની પણ હત્યા કરતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ હત્યા લૂંટના ઇરાદે હતી કે કોઇ આંતરિક ઝઘડો, રાજકીય દ્વેષ તે સમગ્ર મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મહિસાગર જિલ્લાના લુણવાડા તાલુકાના મલેકપુરથી ૧૫ કિલોમીટર દૂર આવેલા ગોલ્લાના પાલ્લા ગામે મહીસાગર જીલ્લાના ભાજપ કારોબારી સભ્ય ત્રિભુવનભાઈ પંચાલ અને જશોદાબહેન પંચાલની અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી છે.
આ હત્યાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી, એઓજી સહિતની ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ બેવડી હત્યાનું કારણ બહાર આવ્યું નથી. દંપતીને કોઇ ધારદાર હથિયારથી હત્યા કરાઇ હોવાનું જણાયું હતું. હાલ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. આ અંગે ત્રિભુવનભાઈના પિતરાઇ ગોપાળભાઈ પંચાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, 4થી ઓગષ્ટના રોજ બપોરના હું મારા ઘરે હતો તે વખતે મારા ભાઈ તથા ભાભી લુણાવાડાથી ઘરે પરત આવ્યાં હતાં.
હું બહાર ઉભો હતો અને તેઓને પૂછેલું કે દવાખાને ગયા હતા તો શું કીધું ? આ સમયે ત્રિભુવનભાઈએ કહ્યું કે દાંતના ડોક્ટરે ચોકઠું બતાવવા માટે બરોડા મોકલ્યા છે. તે પછી તેઓ તેમના ઘરે જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં વ્હેલી સવારે છ વાગે જાગ્યો તે સમયે પટેલ ફળીયામાં દૂધ લેવા ગયો હતો અને દૂધ લઇને પરત આવતા સમયે રસ્તામાં પંકજભાઈ પટેલ મળ્યા હતાં અને જણાવ્યું કે ત્રિભુવન કાકાના ઘર પાછળ ઘણા માણસો ભેગા થયા છે. આથી, ત્રિભુવનભાઈના ઘરના પાછળના વાડા પાસે આવેલા અને જોયેલું તો વાડામાં ત્રિભુવનભાઈની લાશ પડી હતી અને થોડીવારમાં પોલીસ આવી હતી. જે પછી ગામના સરપંચ પણ આવ્યાં હતાં.
દંપતી ઘરમાં એકલું જ રહેતું હતું
ત્રિભુવનભાઈ પંચાલને સંતામાં ત્રણ દિકરાઓ અને એક દિકરી છે. જેમાં સૌથી મોટો મહેશભાઈ છે. જેઓ આણંદ ખાતે તેમના પરિવાર સાથે રહે છે અને પ્રોફેસર તરીકે નોકરી કરે છે. બીજા નંબરનો દિકરો કમલેશભાઈ હતાં. જે સુરત ખાતે રહેતા હતા અને તેઓનું બે માસ પહેલા જ અવસાન થયું હતું. તેમના પછી ગીતાબહેન છે, તેમના લગ્ન લુણાવાડા ખાતે કર્યા છે અને તેઓ તેમના પરિવાર સાથે સુરત રહે છે. સૌથી નાનો નરેશભાઈ છે, જે તેમના પરિવાર સાથે કેનેડા રહે છે. આથી, ત્રિભુવનભાઈ અને જશોદાબહેન ઘરમાં એકલા જ રહેતાં હતાં.