Entertainment

નવાઝુદ્દીન સિદ્દીકી ટેલેન્ટથી ટક્કર લેતો એકટર

સસલા અને કાચબાની વાર્તા ફિલ્મજગતમાં ય ચાલ્યા કરે છે. સલમાન, શાહરૂખ જો સસલા છે તો મનોજ વાજપેયી, આયુષ્યમાન ખુરાના, નવાઝુદ્દીન સિદ્દીકી કાચબા છે. સલમાન, શાહરૂખ જેવા એ મોટા પ્રોજેકટ જ વિચારવા પડે છે. જ્યારે નવાઝુદ્દીન જેવા પોતાને મળેલા પ્રોજેકટમાંથી મોટા થાય છે. તમે માનો ન માનો પણ નવાઝુદ્દીન પાસે અત્યારે નવ જેટલી ફિલ્મો છે અને તેમાંની ચાર તો એકદમ કમ્પલીટ છે. નવાઝુદ્દીને મોટા દાવા નથી કરવા પડતા પણ ગયા વર્ષેય તેની ‘ધૂમકેતુ’ અને ‘રાત અકેલી હૈ’ રજૂ થયેલી. નવાઝુદ્દીન કોઈ રેગ્યુલર હીરો નથી બલ્કે મુખ્ય પાત્ર ત્યારે મહત્વનું પાત્ર હોય છે. પણ હવે તેના નાના પાત્રોથી પણ મોટા સ્ટાર સાવધ રહે છે. ગમે તેમ પણ ‘મન્ટો’, ‘ઠાકરે’ જેવી ફિલ્મોના કેન્દ્રીય પાત્ર તેણેજ ભજવ્યા છે એટલે સાવધ તો રહેવું પડે. ‘સેંકડ ગેમ’ના ગણેશ ગાયતોંડેને પણ ભૂલાવી ન શકાય.

નવાઝુદ્દીનની જે વિશેષતા અત્યાર સુધી બહાર આવી તે એ કે તે કોઈ અમુક જ રોલમાં ગોઠવાય નથી ગયો. બાકી પોલીસ અધિકારીથી માંડી વિલનના પાત્ર પણ તેના માટે તૈયાર હતા. નવાઝુદ્દીને બહુ ઝડપથી પોતાની વિશેષતા પારખી લીધી અને સાહસ સાથે આગળ વધ્યો અત્યારે આ કારણે જ તેની પાસે કુશલનંદી દિગ્દર્શીત ‘જોગીરા સરર’ છે જે એક કોમેડી-રોમાન્સ ધરાવતી ફિલ્મ છે જેમાં તે નેહાશર્મા સાથે દેખાશે. સેજલ શાહ દિગ્દર્શીત ફિલ્મ એક કસ્ટમ ઓફિસરની બાયોપિક છે જેમાં નવાઝુદ્દીન કસ્ટમ ઓફીસર બન્યો છે.

‘ધ માયા ટેપ હોરર-થ્રીલર છે તો ‘બ્લેક કરન્સી’ છે જેમાં એક રો એજન્ટ ગેંગસ્ટર જ્હોન થોમસને ભારતમાં ક્યાં બનાવટી ચલણ ચાલી રહ્યું છે તે જાણવા રોકે છે. આ ફિલ્મમાં તેની સાથે અર્જૂન રામપાલ, ઝિન્નત અમાન છે. આ તેની એ ફિલ્મો છે જે રિલીઝ માટે તૈયાર છે. જ્યારે તમન્ના ભાટિયા સાથેની ‘બોલે ચુડીયા’નું શૂટિંગ ચાલી રહ્યું છે જે સાચી ઘટના આધારીત છે. એલનાઝ નોરોમી સાથેની ‘સંગીન’ એક થ્રીલર છે. આ ઉપરાંત ‘નો લેન્ડસ મેન’ અને ‘હીરોપંતી-2’ છે.

1999માં તે ‘સરફરોશ’માં એક આતંકવાદીની ભૂમિકામાં હતો. તેણે આવી નાની નાની ભૂમિકાઓ વડેજ મોટી ભૂમિકાની મજલ કાપી છે. ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ માં તે ખિસ્સા કાતરુ હતો પણ ‘બ્લેક ફ્રાઈડે’, ‘ફિરાક’, ‘કહાની’ ‘પાનસીંઘ તોમર’ ને ‘ગેંગ્સ ઓફ વાસેપૂર’ થી તેની મહત્તા અંકાવા માંડી અને ‘બદલાપૂર’, ‘બજરંગી ભાઈજાન’ પછી તે નાનો રહ્યો નથી. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ભણીને આવેલા એકટરોમાંથી તે એક છે. શરૂમાં આવ્યો ત્યારે તેના નાના ભાઈ શમ્સ નવાબ સિદ્દીકી સાથે રહેતો હતો કે જે દિગ્દર્શક છે. જો કે નવાઝુદ્દીનનું લગ્નજીવન વિવાદોમાં રહ્યું છે પણ એ બધાથી તેની કારકિર્દીમાં ફરક નથી પડયો. તે સતત કામ કરવામાં માને છે અને સ્વભાવિક પ્રતિભાથી પોતાના પાત્રોમાં ફરક પાડે છે. તે પબ્લિક રિલેશન પર નભતો અભિનેતા નથી, ટેલેન્ટ પર નભે છે.

Most Popular

To Top